Abtak Media Google News

પરિવર્તન સંસારનો નિયમ છે. સમય પ્રમાણે પરિવર્તનો કરવા જરૂરી છે. નહિતર કોઈ પણ વસ્તુ આઉટડેટેડ થઈ જાય છે. આવી જ રીતે ભારતે પણ અનેક પરિવર્તનો કર્યા છે. ભારતે ન માત્ર પોતાની બનાવટો વાપરવા ઉપર ફોક્સ કર્યું છે પણ તેને વેચવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરતા હવે ચિત્ર બદલી રહ્યું છે.

Advertisement

આર્મેનિયા બાદ બ્રાઝિલ, ફિલિપાઈન્સ અને ઈજિપ્તને પણ ભારતની આકાશ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવામાં રસ

અત્યાર સુધી ભારત વિદેશી હથિયારોનુ સૌથી મોટુ ગ્રાહક રહ્યુ છે પણ હવે ભારતે ઘરઆંગણે મારક હથિયારો બનાવવાની સાથે સાથે દુનિયાના બીજા દેશોને તે વેચવા માટે પણ નજર દોડાવવા માંડી છે. ભારતે બનાવેલી આકાશ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદવામાં આર્મેનિયા બાદ હવે ફિલિપાઈન્સ, ઈજિપ્ત અને બ્રાઝિલે પણ રસ બતાવ્યો છે. આર્મેનિયા પાસેથી તો ભારતને આ સિસ્ટમ માટે 600  મિલિયન ડોલરનો ઓર્ડર મળેલો  જ છે અને સંરક્ષણ વિભાગના અધિકારીઓનુ કહેવુ છે કે, આગામી મહિનાઓમાં આર્મેનિયાને તેની ડિલિવરી આપવાની પણ શરુ કરી દેવામાં આવશે. તેની સાથે સાથે બ્રાઝિલ, ઈજિપ્ત અને ફિલિપાઈન્સ તેમજ બીજા કેટલાક દેશો પણ આ સિસ્ટમમાં રસ દાખવી રહ્યા છે.

ભારતના ડીઆરડીઓ દ્વારા આકાશ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ વિકસીત કરવામાં આવી છે. છેલ્લા એક દાયકા કરતા વધારે સમયથી ભારત તેનો ઉપયોગ કરી રહ્યુ છે. તાજેતરમાં ભારતે આ સિસ્ટમન મારક ક્ષમતાનુ નિર્દેશન પણ કર્યુ હતુ. જેમાં આકાશ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના ચાર મિસાઈલ્સે એક સાથે ચાર હવાઈ જહાજોને સફળતાપૂર્વક તોડી પાડ્યા હતા. 12 ડિસેમ્બરે વાયુસેનાના એરબેઝ પર આયોજિત એક કવાયત દરમિયાન આકાશ સિસ્ટમનુ શક્તિ પ્રદર્શન લોકોને જોવા મળ્યુ હતુ. ભારતમાં અલગ અલગ જગ્યાએ આ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. ડીઆરડીઓએ સોશિયલ મીડિયા પર એક વિડિયો રિલિઝ કરીને દર્શાવ્યુ હતુ કે, ચાર ડ્રોનને આકાશ સિસ્ટમની ચાર મિસાઈલે હવામાં જ આંતરીને તોડી પાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે એક સમય હતો કે ભારત સંરક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ રીતે બીજા દેશો ઉપર નિર્ભર હતો. ભૂતકાળ જોઈએ તો અનેક દેશો પોતાના આઉટડેટેડ શસ્ત્રો ભારતને વેંચતા હતા અને ભારત એ શસ્ત્રો વાપરવા માટે મજબુર હતું. પણ હવે સમય બદલાયો છે. ભારત યુદ્ધ વિમાનથી લઈ મસ મોટા યુદ્ધ જહાજનું નિર્માણ કરી રહ્યું છે. જે બીજાને વેચી પણ રહ્યું છે. આમ ભારતે સંરક્ષણ ક્ષેત્રે ખૂબ મોટી હરણફાળ ભરી છે. બીજી તરફ એક વાત એ પણ છે કે સંરક્ષણ ક્ષેત્રે ન માત્ર આત્મનિર્ભર બન્યા છીએ પણ બીજા આપણી ઉપર નિર્ભર રહે તેવા મુકામે પહોંચ્યા છીએ. છતાં દેશમાં બિનજરૂરી સસ્તી વસ્તુઓની આયાત પણ હજુ ચરમસીમાએ જ છે. જે દેશના અર્થતંત્રને નુકસાન કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.