Abtak Media Google News

સ્વચ્છતામાં જ પ્રભુતા… સ્વચ્છતા એ જ પવિત્રતા અને જ્યાં પવિત્રતા હોય ત્યાં ઇશ્ર્વરનો વાસ હોય. સ્વચ્છતાનું મૂલ્ય તેનો મર્મ અને તેનું મહત્વ સામાજીક સહિયતાની સાથેસાથે ધર્મ સહિયતામાં પણ રહ્યું છે. સ્વચ્છતાનો અર્થ થાય શરીર, મન અને આજુબાજુની તમામ ચીજવસ્તુઓને સ્વચ્છ રાખવી. સ્વચ્છતા માનવ સમાજ માટે એક સૌથી મોટો આશિર્વાદરૂપ ગણવામાં આવે છે. સ્વચ્છતા જીવનની આધારશીલતા અને તેનાથી માનવ સમાજની ગરીમા, શાલિનતા અને આસ્તીકતાના દર્શન થાય છે.

Advertisement

આજે કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત અભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરાવીને પ્રથમ તબક્કાની સફળતાથી દુનિયાને એક આગવી દિશા બતાવી છે. સ્વચ્છતા દ્વારા માણસની સાત્વિક વૃતિમાં વૃદ્વિ થાય છે જેનાથી દરેક માણસને સ્વચ્છતાનું મહત્વ સમજાય છે. જ્યાં સ્વચ્છતાનો વાસ હોય ત્યાં બિમારી આવતી નથી, માનસિક-સામાજીક,શારીરીક અને બૌદ્વિક, ક્ષમતાનો વિકાસ થાય છે. આપણી ધર્મ સંસ્કૃતિમાં પણ સ્વચ્છતાને પવિત્રતા સાથે જોડીને ધર્માનુરાગી વાતાવરણ માટે પાયાની શરત જ સ્વચ્છતાને રાખીને આપણા પૂર્વજોએ આજના યુગમાં પણ આપણી પેઢીને વિશ્ર્વ સમોવડી બનાવી રાખવાનું એક રહસ્ય છુપાવ્યું છે,

જીવનમાં બીજી કોઈ તકેદારી ન રાખો અને માત્રને માત્ર સ્વચ્છતાનું ધ્યાન રાખો તો આર્થિક, સામાજીક અને સાર્વત્રીક વિકાસમાં કોઈ અવરોધ ન આવે. અત્યારે સામાજીક, આર્થિક અને બૌદ્ધીક પરિમાણોમાં વિચાર કરીએ તો સ્વચ્છતા હોય ત્યાં કોઈપણ પ્રકારના રોગ ન આવે. કોરોના જેવી મહામારીમાં સમગ્ર દુનિયાને સ્વચ્છતાનું મહત્વ સમજાયું છે પરંતુ આપણી ધર્મ અને સંસ્કૃતિ વિરાસતમાં સ્વચ્છતા તો પાયાના પરિબળ તરીકે દાયકાઓથી આપણી વિરાસત બની છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ બ્રિટીશ હકુમતને લુણો લગાડવા સત્ય, સ્વચ્છતા અને સબરસના સમન્વયથી મોટી સફળતા મેળવી છે. ભારત સરકારે ગાંધીજીની જન્મજયંતિ વર્ષની ઉજવણી સ્વચ્છતા અભિયાનના માધ્યમથી કરવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે તેના પ્રથમ તબક્કાની સફળતા બાદ આજથી બીજો તબક્કો શરૂ થયો છે. સ્વચ્છતા અભિયાનના કારણે જ કોરોના જેવી મહામારીની ઘાત ઓછી થઈ હતી. સ્વચ્છ ભારત અભિયાન વહીવટી રહી તે સફળ થયું જ છે.

પરંતુ જો સ્વચ્છતાને આપણે જીવનમાં અતુટ ચરિત્ર તરીકે અપનાવીએ તો સ્વચ્છતાથી સમગ્ર સુખ અને પ્રભુના સાક્ષાત્કાર સુધીની સફર સરળ બને. સ્વચ્છતા માત્ર ધર્મ સહિષ્ણુતા અને કર્તવ્ય નહીં પરંતુ સ્વચ્છતા એ જ આદર્શ સંસ્કાર સહિતા છે જે માનવ સમાજને અત્યારે વિશ્ર્વના સૌથી વિકસીત જીવ તરીકે તમામ સુખ આપી રહ્યું છે. સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ છે તે વાત હવે સમગ્ર વિશ્ર્વ સમજી ચૂક્યું છે. એ જ આપણી ભારતીય સંસ્કૃતિની ગરીમા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.