Abtak Media Google News

ભુમાફીયાઓનો અડ્ડો બનેલા માછીમારી બંદરો, બેટ પેસેન્જર, જેટી અને બસ સ્ટેશન સીસીટીવી વિહોણા

કચ્છનાં સંવેદનશીલ ગણાતા હરામીનાળા ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાને તૈયાર કરેલ મરીન કમાન્ડો કચ્છનાં દરીયા વિસ્તારમાં પ્રવેશ કરી ચુકયા હોવાની શકયતાને લઈને સફાળી જાગેલી દેશની સરકારે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ હાઈએલર્ટ જાહેર કરી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને દરીયા કિનારાઓ પર ચેકિંગનાં નાટકો શરૂ કરી આમ જનતાને પરેશાન કરી રહી છે. જયારે ગુજરાતનો હજારો કિલોમીટરનો દરીયાકાંઠો રેઢો પટ જોવા મળે છે તેમાં ઓખા મંડળનો ૧૨૦ કિમીનો દરીયાકાંઠો તો કાળીયા ઠાકરનાં ભરોસે જોવા મળે છે.

ઓખાથી સલાયા સુધીનો દરીયાકિનારો કોની માલિકીનો છે તે કોઈ તંત્રને ખબર નથી. અહીં માછીમારી સીઝન દરમ્યાન પાંચ હજારથી પણ વધારે માછીમારી બોટો કાર્યરત રહે છે અને ઓખા-બેટ વચ્ચે ૧૮૦ પેસેન્જર બોટો કાર્યરત રહે છે. અહીં ઓખા બંદરની બે જેટી અને બેટ પેસેન્ઝર જેટીઓ જ સરકારી ચોપડે કાર્યરત છે. બાકીની આ બંદરની ૩૬ જેટલી પાકી વિશાળ માછીમારી જેટીઓ રામભરોસે કાર્યરત છે. આ વિશાળ કુદરતી કિનારા પર ૫૦૦થી પણ વધારે પાકા મકાનો દંગાઓ પણ કાર્યરત છે. જેમાં બસો જેટલા દંગાઓની નોંધ ફીશરીઝ ડિપાર્ટમેન્ટ પાસે છે. બાકીનાં તમામ દગાની સરકારી ચોપડે નોંધ નથી. આમ આ કિનારા પર દરરોજ હજારો બોટો અને લાખો લોકોની આવન-જાવન બેરોકટોક થઈ રહી છે. અહીંનો કિનારો કોની માલિકીનો છે ? અહીં કેટલી બોટો છે ? કેટલા ખલાસી છે ? કેટલી જેટીઓ છે ? કેટલા દંગા છે ? જેની પાકી યાદી પણ કોઈ પાસે નથી જયારે પણ દેશમાં આતંકી હુમલાઓની દહેશત થાય ત્યારે થોડા દિવસ માટે અહીંના માછીમારોને બોટ રજીસ્ટર, ખલાસી પાસ અને નોન ફીસીંગ જોનનાં કાયદાનો દંડો ઉગામવામાં આવે છે પરંતુ આવા રેઢા પટ દરીયાકિનારા તરફ જોવાની કુરસંદ પણ કોઈ પાસે નથી.

In-The-Midst-Of-A-Panic-Attack-Dwarkas-Beaches-Abound
in-the-midst-of-a-panic-attack-dwarkas-beaches-abound

બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હોટલો, પેટ્રોલપંપો અને મોટી દુકાનોમાં સીસીટીવી કેમેરા ફરજીયાત બનાવવામાં આવેલ છે પરંતુ અહીં ઓખા નૌસેના સ્ટેશન સામે આવેલ પેસેન્જર જેટી રામ ભરોસે ચાલે છે. અહીં જેટી પર કે સંવેદનશીલ કિનારાની આજુબાજુ એક પણ કેમેરો રાખવામાં આવેલ નથી. આ જેટીથી મીઠાપુર સુધીનાં દરિયાકિનારા પર એક ચોકી પણ નથી રાખવામાં આવી એક સમ ખાવા ચોકી રાખેલ છે તે આતંકી દહેશત બાદ થોડા દિવસ માટે ખુલ્લી રખાય છે. અહીં ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશન સામેનાં વિસ્તારની જમીનની પણ આ હાલત રહેલ છે. આ પવનચકકી અને ગાત્રાળ વચ્ચેનાં હાઈવેની રોડની બાજુનાં કિનારા પર અનેક દંગાઓ અને અનઅધિકૃત બાંધકામો બેરોકટોક થઈ રહ્યા છે જેની જાણ પણ તંત્રને નથી. આવી જ હાલત બેટ દ્વારકા ટાપુનાં ૪૦ કિમી દરીયા કિનારાની છે. જે કિનારો આપણા દુશ્મન દેશથી સૌથી નજીક દરીયાઈ સરહદ ગણાય છે. અહીંથી સાવ નાની સ્પીડ બોટથી બે કલાકમાં પાક સરહદે પહોંચી જવાની છે છતાં પણ અહીંની પેસેન્જર જેટી કે કોઈ સંવેદનશીલ દરીયાકિનારા પર ચોકી તો ઠીક પરંતુ એક કેમેરો લગાડવાનું તંત્રને સુઝતુ નથી.

ખરેખર હવે આવા નાપાક આતંકી હુમલાનો મુહતોડ જવાબ દેવા સાથે સાગર સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારવાની ખાસ જરૂર છે. હવે દેશમાં પક્ષાપક્ષીનું રાજકારણ બંધ કરીને વિશ્ર્વનાં દેશોને એક સંપ કરતા પહેલા દેશનાં રાજકીય પક્ષો અને તમામ સુરક્ષા સેનાનીઓએ એક થઈ આવા નાપાક આતંકીઓનો ખાતમો કરવા સજજ થવાનો સમય પાકી ગયો છે. જો હવે તુરંતમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ સંવેદન સરહદી કિનારો કાશ્મીર નંબર ટુ બનતા વાર નહીં લાગે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.