Abtak Media Google News

Table of Contents

પાણી અને મિલકત વેરામાં તોતીંગ વધારા જ્યારે પર્યાવરણ વેરાના નામે નવા કરબોજ સામે કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો: વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી અને કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણીને સભાગૃહમાં બેનરો લઇ જતાં અટકાવાયા

વર્ષ-2023-2024નું રૂ.2637.80 કરોડનું અંદાજપત્ર બહુમતીથી મંજૂર: ભાજપના કોર્પોરેટરોએ વેરા વધારા સામે વિરોધ કરવાના બદલે બજેટના બે મોંઢે ગુણગાન ગાયા

રાજકોટ મહાનગર પાલિકામાં આજે સવારે મેયર ડો.પ્રદિપભાઇ ડવના અધ્યક્ષસ્થાને વર્ષ-2022-2023નું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ-2023-2024નું અંદાજપત્ર મંજૂર કરવા માટે બજેટ બોર્ડ મળ્યું હતું. જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસના ઉગ્ર વિરોધ વચ્ચે ભાજપના શાસકોએ બહુમતીના જોરે 40 કરોડના કરબોજ સાથેનું રૂ.2637.80 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. કોંગ્રેસના બંને કોર્પોરેટરોએ પાણી વેરો, મિલકત વેરામાં વધારા અને પર્યાવરણ વેરાના નામે નવા કર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો કે તેઓના પ્રજાલક્ષી વિરોધની શાસકોએ નોંધસુધ્ધા પણ લીધી ન હતી. આટલું જ નહિં રૂ.1400 કરોડનું બાકી લેણું વસૂલવા માટે મિલકત વેરામાં વ્યાજમાફી યોજના મૂકવાની દરખાસ્ત પણ ફગાવી દીધી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે આજે પોતાની ચેરમેન તરીકેની બીજી ટર્મનું ત્રીજું અને કુલ છઠ્ઠુ બજેટ બોર્ડ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરતાં જણાવ્યું હતું કે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા વર્ષ-2023-2024નું રૂ.100.36 કરોડના કરબોજ સાથે રૂ.2586.32 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજૂ કર્યું હતું.

અંદાજપત્રનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ રૂ.39.25 કરોડની નવી યોજનાનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જે રાજકોટવાસીઓની અપેક્ષા પરિપૂર્ણ કરવામાં મહત્વનો ભાગ ભજવશે તેવો વિશ્ર્વાસ તેમને વ્યક્ત કર્યો હતો. સાથોસાથ જણાવ્યું હતું કે કમિશનરે સૂચવેલા કરબોજમાં 60.39 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે. મહાપાલિકાની આર્થિક સ્થિતિ પર વિપરિત અસર ન પડે અને શહેરીજનોએ વિશેષ કરબોજ સહન ન કરવો પડે તે માટે રૂ.39.97 કરોડના કરબોજ સાથે રૂ.2637.80 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે.

 

જેમાં રહેણાંક, નળ કનેક્શન માટે હાલ વસૂલવામાં આવતા વાર્ષિક રૂ.840ના ચાર્જને વધારીને રૂ.1500 કરવામાં આવ્યો છે. જ્યારે બિનરહેણાંક મિલકતોમાં નળ જોડાણ પેટે વસૂલવામાં આવતા 1680 ચાર્જને વધારી રૂ.3000 કરવામાં આવ્યો છે. પાણી વેરામાં 78 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. મહાપાલિકાને પાણી વિતરણ માટે પ્રતિ દિન રૂ.34.32 લાખનો ખર્ચ થાય છે. વાર્ષિક રૂ.125.28 કરોડના ખર્ચ સામે પાણી વેરા પેટે માત્ર 30.49 કરોડની આવક થાય છે. આમ પાણી ચાર્જ કોર્પોરેશન દ્વારા 94.78 કરોડની સબસિડી આપવામાં આવે છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે રહેણાંક હેતુની મિલકતધારકો પાસેથી હાલ વસૂલવામાં આવતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે બિનરહેણાંક ધારકો પાસેથી વસૂલવામાં આવતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ વાર્ષિક રૂ.730 થી વધારી બમણો એટલે કે 1460 કરવામાં આવ્યો છે. મિલકત વેરાના દરમાં રહેણાંક મિલકતમાં કોઇ વધારો કરાયો નથી. જ્યારે કોમર્શિયલ મિલકતોમાં હાલ કાર્પેટ એરિયા મુજબ પ્રતિ ચો.મી. રૂ.22 વસૂલ કરવામાં આવે છે. જે વધારીને રૂ.25 કરવામાં આવ્યો છે.

જ્યારે થિયેટર ચાર્જમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે. એન્વયારમેન્ટ અર્થાત પર્યાવરણ ચાર્જના નામે નવો વેરો નાંખવામાં આવ્યો છે. જેમાં માત્ર કોમર્શિયલ મિલકતો કે જેનું ક્ષેત્રફળ 50 ચો.મી. કે તેથી વધુ છે. તેના પર મિલકત વેરાના 10 ટકા લેખે બોજ લાદવામાં આવ્યો છે. જ્યારે ખૂલ્લા પ્લોટ પરના વેરામાં 500 ચો.મી.થી વધુ અને વાણિજ્ય હેતુ માટેના પ્લોટમાં વધારો કરાયો છે.

તેઓએ ઉમેર્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટમાં અલગ-અલગ 15 યોજનાઓ મૂકવામાં આવી છે. જેમાં 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે ફ્લાય ઓવરબ્રિજ, મોટામવા સ્મશાન પાસે પાર્કિંગની વ્યવસ્થા, પૂર્વ ઝોનમાં વોકિંગ ટ્રેક અને પ્લે ગ્રાઉન્ડ, રાજકોટ દર્શન સિટી બસ, સ્માર્ટ સ્કૂલ, ત્રણેય ઝોન કચેરી અને સિવિક સેન્ટરમાં હેલ્થ ડેસ્કની સુવિધા, ઝોન દીઠ એક બોક્સ ક્રિકેટની વ્યવસ્થા, કોમ્યુનિટી હોલ, કાઉન્સીલર્સ મોનિટરી એપ સહિતની યોજનાનો સમાવેશ થાય છે. બજેટમાં રૂ.39.97 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે.

વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી અને કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલને છઠ્ઠી વખત બજેટ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સાથોસાથ પાણી વેરામાં વધારો, મિલકત વેરામાં વધારો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં વધારો અને પર્યાવરણ વેરાના નામે નવો કરબોજ લાદવા સહિતની ચાર દરખાસ્તો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો કે, શાસક પક્ષ ભાજપના પદાધિકારીઓએ બહુમતીના જોરે એક ઝાટકે રાજકોટવાસીઓ પર 40 કરોડના કરબોજને હસતાં મોંઢે મંજૂર કરી દીધો હતો. ભાજપના 68 કોર્પોરેટરો પૈકી એકપણ કોર્પોરેટરે તોતીંગ કરબોજ સામે વિરોધ નોંધાવ્યો ન હતો. જનરલ બોર્ડમાં તમામ 13 દરખાસ્તોને બહાલી આપી દેવાઇ હતી.

Screenshot 4 24 બજેટ રાજકોટવાસીઓની અપેક્ષા પરિપૂર્ણ કરનારૂ અને વિકાસલક્ષી: મેયર

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલને અભિનંદન પાઠવતા ડો.પ્રદિપ ડવ

વિકાસનો પર્યાય એટલે રાજકોટ શહેર. “રંગીલા રાજકોટ” સાંસ્કૃતિક ઓળખ યથાવત રાખી, શહેરના વિકાસને આગળ વધારવાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ:2022-23નું રિવાઇઝડ અંદાજપત્ર અને આગામી નાણાકીય વર્ષ:2023-24નું રૂ.2637.80 કરોડનું વાસ્તવિક અંદાજપત્ર આજે મળેલ સામાન્ય સભાની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા રજુ કરવામાં આવેલ છે. સ્ટેન્ડિંગ કમિટીએ પ્રાથમિક સુવિધાના કામો ઉપરાંત આ અંદાજપત્રમાં કુલ રૂ.39.25 કરોડની નવી 15 યોજનાઓનો ઉમેરો કરેલ છે. જે યોજનાઓ શહેરીજનોની અપેક્ષા પરિપૂર્ણ કરી, શહેરનો સર્વાગી, સમતોલ વિકાસ સાધી, પ્રજા લક્ષી અભિગમનો સિલસિલો આગળ ધપાવવા બદલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને સ્ટેન્ડીંગ કમિટીની સમગ્ર ટીમને મેયર ડો.પ્રદિપ ડવે પાઠવ્યા હતાં.

છેવાડાના માનવી સુધી સુવિધા પહોચે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો હરહંમેશ કટીબદ્ધ છે. જેના પરિણામ રૂપે રાજકોટના શહેરીજનોએ ભારતીય જનતા પાર્ટીને ચાર દાયકાથી વધુ સમયથી શાસનની ધુરા સોંપેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના પ્રથમ ચૂંટાયેલા પૂર્વ મેયર સ્વ.અરવિંદભાઈ મણીઆર સહિતના તમામ પૂર્વ મેયરોએ શહેરના વિકાસની કંડારેલ કેડી પર શહેરનો વિકાસ આગળ ધપી રહ્યો છે અને રાજકોટ શહેર સ્માર્ટસીટી બનવા તરફ જઈ રહ્યું છે.રાજકોટ શહેરએ સૌરાષ્ટ્રનું પાટનગર છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ શહેરને દેશ વિદેશના નકશા પર મહત્વનું સ્થાન અપાવનારા પ્રોજેક્ટ જેવા કે, ખંઢેરી ખાતે નિર્માણાધીન ‘એઈમ્સ’ હોસ્પિટલ, હિરાશર ખાતે નિર્માણાધીન ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધા આગામી દિવસોમાં રાજકોટવાસીઓને મળનાર છે. સાથોસાથ નવું બસ પોર્ટ, નવી જી.આઈ.ડી.સી., રામવન (અર્બન ફોરેસ્ટ), નવું રેસકોર્ષ, સ્માર્ટ સિટી વિસ્તારમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ, અટલ સરોવર ડેવલોપમેન્ટ, શહેરી પરિવહન માટે ઇલેક્ટ્રિક બસ જેવા અનેકવિધ પ્રોજેક્ટ સરકારના સહયોગથી  તરફથી મળેલ છે.

મ્યુનિસિપલ કમિશનરે નાણાકીય વર્ષ:2023-24નું રૂ.100.36 કરોડના કરબોજ સાથેનું કુલ રૂ.2586.32 કરોડનું અંદાજપત્ર સ્ટેંન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરેલ. સ્ટેંન્ડિંગ કમિટીએ, ગહન ચર્ચા કરી શહેરીજનોને વિશેષ કરબોજ સહન ન કરવો પડે તે ધ્યાને રાખી, કમિશનરએ સુચવેલ કરબોજમાં રૂ.60.39 કરોડનો ઘટાડો કરી, કરવેરામાં માત્ર રૂ.39.97 કરોડ જેટલો વધારો મંજુર કરેલ છે.

શહેરમાં જુદા-જુદા વિસ્તારોને આવરી લેતી રૂ.39.25 કરોડની 15 નવી યોજનાઓ સાથેનું તેમજ કરબોજમાં નજીવા વધારા સાથેનું પ્રજાલક્ષી અને વાસ્તવદર્શી બજેટ રજુ કરવા બદલ પુષ્કરભાઈ પટેલ અને સ્ટેન્ડીંગ કમિટીની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.

Screenshot 5 32 દોષ સિર્ફ અંધેરો કા નહીં હોતા, કભી રોશની ભી અંધા બના દેતી હૈ: ચેરમેનનો શાયરાના અંદાજ

જનરલ બોર્ડ સમક્ષ મંજૂરી અર્થે બજેટ રજૂ કરતી વેળાંએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ કંઇક અલગ જ મૂડમાં જોવા મળ્યા હતાં. બજેટ સ્પિચના વાંચન દરમિયાન તેઓએ ત્રણવાર શાયરી લલકારી હતી. અલગ-અલગ યોજનાની માહિતી આપતા પૂર્વે તેઓએ શાયરાના અંદાજમાં સભાગૃહમાં કહ્યું હતું કે ‘વિચલીત થવા માટે ઘણા વિકલ્પો હશે, મંઝીલ સુધી પહોંચવા માટે એક વિચાર પૂરતો છે’ ત્યારબાદ તેઓએ કોંગ્રેસને આડા હાથે લેતાં જણાવ્યું હતું કે વિપક્ષના મિત્રોએ ક્યારેય સ્વપ્નમાં પણ વિકાસ જોયો નથી.

જેથી મારે આ તકે એ યાદ અપાવવું જરૂરી છે કે ‘દોષ સિર્ફ અંધેરો કા નહિં હોતા, કભી રોશની ભી અંધા બના દેતી હૈ… બજેટ સ્પીચ દરમિયાન તેઓએ રાજકોટના પ્રથમ ચૂંટાયેલા મેયર સ્વ.અરવિંદ મણિયારથી હાલના મેયર ડો.પ્રદિપ ડવ સહિતના તમામ પ્રથમ નાગરિકનો આભાર વ્યક્ત કર્યો હતો. બજેટ સ્પીચના અંતમાં તેઓએ વધુ એક વખત શાયરી રજૂ કરી હતી. જેમાં કહ્યું હતું કે કર્મોનો અવાજ હંમેશા શબ્દ કરતા ઊંચો જ હોય છે’ કદર હમેંશા કિરદારની હોય છે બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતાં મોટો લાગે છે. તેઓએ છઠ્ઠી વખત બજેટ મંજૂર કરવા સબબ સભાગૃહનો આભાર માન્યો હતો.

જનરલ બોર્ડમાં ભાજપના સાત કોર્પોરેટરો ગેરહાજર

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા બોર્ડમાં હાજરી પૂરાવી નિકળી ગયા

કોર્પોરેશનમાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના સાત કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતાં. જ્યારે કેબિનેટ મંત્રી બન્યા બાદ આજે પ્રથમ વખત ભાનુબેન બાબરિયા કોર્પોરેશન કચેરીએ આવ્યા હતાં. ભાજપના કોર્પોરેટરોની સંકલન સમિતિમાં તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સુભલામ-સુફલામ યોજનાનો આરંભ કરાવવા સહિતના કાર્યક્રમ હોવાના કારણે ભાનુબેન હાજરી પુરાવ્યા બાદ જનરલ બોર્ડની બેઠક છોડી નીકળી ગયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ છેલ્લાં બે બોર્ડથી સતત ગેરહાજર હોવાના કારણે આજે તેમને જનરલ બોર્ડમાં આવવું ફરજિયાત હતું. નિયમ મુજબ જો કોઇ કોર્પોરેટર સતત ત્રણ વખત બોર્ડમાં ગેરહાજર રહે તો તેઓને ગેરલાયક ઠેરવવામાં આવે છે. આજે બોર્ડમાં નરેન્દ્રસિંહ જાડેજા, હાર્દિક ગોહેલ, ભાવેશ દેથરિયા, પરેશ પીપળીયા, જયશ્રીબેન ચાવડા, અનિતાબેન ગૌસ્વામી અને વજીબેન ગોલતર ગેરહાજર રહ્યાં હતાં. તેઓના રજા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતાં.

પૂર્વ મેયર ગૌરીબેન સિંધવને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ

રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ મેયર ગૌરીબેન ડાયાભાઇ સિંધવનું ગત ત્રીજી ફેબ્રુઆરીના રોજ દુ:ખદ અવસાન થયું છે. તેઓ રાજકોટના પ્રથમ દલિત મહિલા મેયર હતાં. આજે જનરલ બોર્ડમાં અધ્યક્ષસ્થાનેથી એક શોક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પૂર્વ મેયરને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બોર્ડમાં તમામ નગરસેવકોએ પોતાના સ્થાન પર ઉભા થઇ બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

પ્રજાના કામોને અગ્રતા આપવા અધિકારીઓને જયમીન ઠાકરનું સૂચન

આજે કોર્પોરેશનમાં બજેટ બોર્ડમાં વોર્ડ નં.2ના ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરે મહાપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રજાના કામો અને પ્રશ્ર્નોને પ્રાધાન્ય આપવા માટે સૂચન કર્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે જનપ્રતિનિધિ હોવા છતાં અમારી પાસે માત્ર 5 ટકા લોકો જ કામ અને ફરિયાદો લઇને આવે છે. જ્યારે 95 ટકા લોકો પોતાનું કામ અને ફરિયાદ લઇને અધિકારીઓ કે કર્મચારીઓ પાસે આવતા હોય છે. 18 વોર્ડ ઓફિસમાં અરજદારોનું સતત ધસારો રહે છે. અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ ખંતથી નિભાવી રહ્યાં છે.

પરંતુ જો તેઓ કોર્પોરેટર સાથે કામ ખભ્ભે-ખભ્ભા મિલાવી કામ કરે તો શહેરમાં કોઇ સમસ્યા રહે નહિં. ભાજપના 68 કોર્પોરેટરોએ પ્રજાના પ્રશ્ર્નો હલ કરવા અધિકારીઓ સાથે મળીને કામ કરવાનું તેઓએ આહવાન કર્યું હતું. સાથે એવો પણ ટોળો માર્યો હતો કે કોંગ્રેસના કોર્પોરેટરોએ કામ સાથે કશું લાગતું-વળગતું નથી. જેના કારણે ચાર ચૂંટાઇ આવ્યા બાદ માત્ર બે જ બચ્યા છે.

Screenshot 6 29

મિલકત વેરામાં વ્યાજમાફીની કોંગ્રેસની દરખાસ્ત ફગાવાઇ

રાજકોટ મહાનગર પાલિકાને અંદાજે બાકી મિલકત વેરા પેટે 1400 કરોડનું લેણું નીકળે છે જે ઝડપથી વસૂલાય તે માટે મિલકત વેરામાં વ્યાજમાફીની યોજના લાવવાની દરખાસ્ત કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ રજૂ કરી હતી. જેને ભાનુબેન સોરાણીએ ટેકો આપ્યો હતો. જો કે, જ્યારે દરખાસ્તનું વાંચન કરી મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે કોંગ્રેસની મિલકત વેરામાં વ્યાજમાફી યોજનાની દરખાસ્ત અંગે કોઇ ચર્ચા પણ કરવામાં આવી ન હતી અને ભાજપના શાસકોએ એક ઝાટકે આ અરજન્ટ બિઝનેશ દરખાસ્તને ફગાવી દીધી હતી. કોંગ્રેસે ખૂબ તર્કબધ્ધ રીતે વેરામાં વ્યાજમાફી આપવાની દરખાસ્ત રજૂ કરી હતી. જેેમાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે કોરોના મહામારીનો સામનો કર્યા બાદ રાજકોટની જનતાએ બેરોજગારી, આર્થિક તંગી, મંદી જેવી અનેક સ્થિતિનો સામનો કર્યો છે.

આવામાં જો મિલકત વેરામાં વ્યાજમાફી યોજના આપવામાં આવે તો મહાપાલિકાની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય અને વર્ષો જૂનું લેણું છૂટી જાય, આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મિલકત વેરામાં 100 ટકા વ્યાજમાફી આપવાની કોંગ્રેસની દરખાસ્તને ફગાવી દેવામાં આવી હતી.

ભાજપના ચાર કોર્પોરેટરોએ બોર્ડમાં બજેટના કર્યા વખાણ

Screenshot 7 27

દેવાંગ માંકડ, મનિષ રાડીયા, જયમીન ઠાકર અને અશ્વિન પાંભરે અંદાજપત્રને વિકાસલક્ષી ગણાવ્યું

વર્ષ-2023-2024નું બજેટ મંજૂર કરવા માટે આજે કોર્પોરેશનમાં બજેટ બોર્ડ બેઠક મળી હતી. જેમાં ભાજપના ચાર કોર્પોરેટરોએ બજેટને વિકાસલક્ષી ગણાવી તેના વખાણ કર્યા હતાં. દેવાંગ માંકડે બજેટને આવકારતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સતત કૃપા દ્રષ્ટિના કારણે રાજકોટમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની છે.

શહેરમાં દૈનિક પાણી વિતરણ વ્યવસ્થા માટે 365 એમએલડી પાણીની જરૂરીયાત છે. જે પૈકી 135 એમએલડી આજી ડેમમાંથી, 65 એમએલડી પાણી ન્યારી ડેમમાંથી અને 40 એમએલડી પાણી ભાદર ડેમમાંથી ઉપાડવામાં આવે છે જ્યારે 125 એમએલડી પાણી નર્મદાનું લેવામાં આવે છે. વર્ષ-2021માં રાજકોટને 995 એમસીએફટી નર્મદાના નીર મળ્યા હતાં. જ્યારે 2022 1500 એમસીએફટી નર્મદાનું પાણી મળ્યું છે અને આ વર્ષે 400 એમસીએફટી પાણી આજીડેમમાં ઠાલવી દેવામાં આવ્યું છે.

સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને વોર્ડ નં.2ના કોર્પોરેટર મનિષ રાડીયાએ બજેટને વખાણતા જણાવ્યું હતું કે ભાજપના શાસકો જ્યાં માનવી ત્યાં સુવિધા અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્ર્વાસના સંકલ્પ સાથે કામ કરી રહી છે. આગામી નાણાકીય વર્ષના બજેટમાં શહેરના વિકાસને વેગ મળે તે માટે માતબર નાણાની જોગવાઇ કરવામાં આવી છે. 15 નવી યોજનાનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે ખરેખર આવકાર દાયક છે. વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ તેઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા. સાથોસાથ કોંગ્રેસની માનસિકતા હમેંશા કોઇ નવું કામ ન કરવા માટેની રહી છે.

તેવો ટોળો મારતા એક શાયરી ગૃહમાં રજૂ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ‘નથી આવડતું તેનો ઉપાય છે, નથી સમજાતું તેનો પણ ઉપાય છે, નથી કરવું તેનો કોઇ ઉપાય નથી’ વોર્ડ નં.2ના કોર્પોરેટર જયમીન ઠાકરે પણ બજેટને રાજકોટવાસીઓની અપેક્ષાને પરિપૂર્ણ કરનારું ગણાવ્યું હતું. જ્યારે સેનિટેશન કમિટીના ચેરમેન અશ્ર્વિન પાંભરે જણાવ્યું હતું કે બજેટમાં સ્વચ્છ ભારત અભિયાન મિશનને સાકાર કરવા માટે માતબર જોગવાઇ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.