Abtak Media Google News

સસ્તા અનાજના દુકાનદારો લાભાર્થીઓને સાથે રાખી ધરણા અને રેલી સહિતના કાર્યક્રમો યોજી વિરોધ દર્શાવશે

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક જ ઝાટકે એપીએલ-૧ કેટેગરીના શહેરી ગ્રાહકોનું કેરોસીન ૧લી સપ્ટેમ્બરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સામે સસ્તા અનાજના દુકાનદારોએ મોરચો માંડવાની તૈયારી બતાવી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરના સસ્તા અનાજના દુકાનદારો લાભાર્થીઓને સાથે રાખી ધરણા અને રેલી સહિતના કાર્યક્રમો યોજી કેરોસીન બંધ કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવશે.

૧ સપ્ટેમ્બરથી સમગ્ર રાજયના મહાપાલિકા વિસ્તારના મધ્યમ વર્ગીય કુટુંબો એટલે કે એપીએલ-૧ કેટેગરીના રેશનકાર્ડ ધારકોને કેરોસીન આપવાનું બંધ કરવાનો અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેની અમલવારીથી રાજકોટ શહેરના ૧,૫૫,૫૫૭ રેશનકાર્ડ ધારકોને કેરોસીન મળતું બંધ થઈ જશે. ઉપરાંત સસ્તા અનાજના દુકાનધારકોની રોજી પર પણ મોટી અસર સર્જાશે ત્યારે આ નિર્ણયના વિરોધમાં સસ્તા અનાજના દુકાનદારો મોરચો માંડવાની તૈયારીમાં છે. તેઓના જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારની ખાસ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કર્યા વગર જ મધ્યમ વર્ગના અહિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત આ નિર્ણયથી સસ્તા અનાજના દુકાનદારોને મોટો ફટકો પડશે.

કેરોસીન બંધ કરવાના નિર્ણય સામે સસ્તા અનાજના દુકાનદારો આગામી દિવસોમાં રેલી, ધરણા સહિતના કાર્યક્રમો યોજશે. આ કાર્યક્રમોમાં સસ્તા અનાજની દુકાન દીઠ ૨૦૦ જેટલા લાભાર્થીઓને લઈ આવવામાં આવશે. આમ મોટી સંખ્યામાં એકત્ર થઈને સસ્તા અનાજના દુકાનદારો અને લાભાર્થીઓ કેરોસીન બંધ કરવાના નિર્ણયનો વિરોધ નોંધાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.