Abtak Media Google News

ભાગીદારના રૂપિયા ચાવ કરી જવા યાર્નના વેપારીએ ખોટી લૂંટની ઘટના ઉપજાવી કાઢી !!

 

સુરતમાં ગત મંગળવારની રાતે રૂ. 55 લાખની લૂંટની ઘટના સામે આવી હતી. જે બાદ પોલીસની મહત્વની શાખાઓ દોડતી થઈ ગઈ હતી. મામલામાં હવે ફરિયાદી જ આરોપી હોવાનું ફલિત થયું છે. ફરિયાદીએ લૂંટની ખોટી સ્ટોરી ઉપજાવી કાઢ્યાંનું સામે આવ્યું છે. પોલીસે હાલ આ મામલે ફરિયાદી સહિત 3 લોકોની ધરપકડ કરી છે.

સુરતના ડિંડોલી મધુરમ સર્કલથી ચલથાણ તરફ જતા નહેરવાળા રોડ પર યાર્નના વેપારીની કાર પર કાદવ ફેંકી કાર રોકાવ્યા બાદ મોપેડ પર આવેલા બે ઇસમો કારમાંથી 55 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. આવી ફરિયાદ યાર્નના વેપારીએ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસમાં જોડાયો હતો. જેમાં પોલીસ તપાસમાં આ ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદીએ જ તેના બે મિત્રો સાથે મળી હાઈવે પર સુમસાન રસ્તા પર લૂંટનો આ સ્ટંટ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

આ મામલે ડિંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો આ દરમિયાન મોપેડ પર આવેલા બે ઇસમોએ નજર ચૂકવી કારમાં રહેલી 55 લાખ રૂપિયા ભરેલી બેગ આચંકી મોપેડ પર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ બનાવને લઇને યાર્નના વેપારીએ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ બંના ગંભીર પ્રકારનો હોય સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી અને સુરન ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો

આ ઘટનામાં પોલીસે ખોટી ફરિયાદ નોંધાવનાર યાર્નના વેપારી અંકિત કનોડિયા, તેના મિત્ર મોહમ્મદ ઉમર મોહમ્મદ યુસુફ શેખ અને ઉમરના મિત્ર ઇમરાન ઇબ્રાહીમ પઠાણની ધરપકડ કરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પણ જોડાયો હતો. પોલીસને આ ફરિયાદ શંકા ઉપજાવે તેવી લાગી હતી. જેથી પોલીસની એક ટીમ આ મામલે પણ તપાસમાં જોડાઈ હતી અને આખરે યાર્નના વેપારીની કડક પૂછપરછ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

ભાગીદારના રૂ.30 લાખ હડપ કરવા તરકટ રચ્યું!!

યાર્નના વેપારી અંકિત કનોડિયા દ્વારા રૂપિયા ઉસેટવાનું અદભૂત માઇન્ડ દોડાવ્યું હતું. વ્યવસાય પેટેના ત્રણ ભાગીદારો વચ્ચેના 55 લાખ રૂપિયામાં તેનો તો હિસ્સો આપવો ન જ પડે ઉપરંત તેના ભાગીદારોના રૂપિયા પણ તે ઉસેટી લઈ શકે તેવો પ્લાન ઘડ્યો હતો. બંને ભાગીદારોના રૂપિયા સાથે લઇ 55 લાખ રૂપિયા આફવા તે જઈ રહ્યો છે તેવું બતાવી લૂંટનો સ્ટંટ ઉભો ક્રયો અને તેવું સાબિત કર્યું કે ભાગીદારના 30 લાખ રૂપિયા સાથે તેના 25 લાખ રૂપિયા મળી 55 લાખ રૂપિયા લૂંટાઈ ગયા છે. ખરેખર તો 30 લાખ રૂપિયા તેની પાસે જ હતા અને લૂંટનો ખોટો સ્ટંટ ઉભો કરી આ 30 લાખ રૂપિયા ઉસેટવાનું જબરજસ્ત કાવતરું રચ્યું હતું. જોકે, તેમાં તેને સફળતા હાથ લાગી નહીં. આખરે ગુનેગાર ગમે તેટલો સાતીર હોય પરંતુ પોલીસ તો તેને પકડી જ પાડે છે.

બોક્સકારમાં કોઈ રકમ હાજર જ નહીં હોવાનું આવ્યું સામે !!

યાર્નના વેપારી અંકિત પાસે પોતાના 25 લાખની સગવડ થઈ શકે તેમ નહતી. જેથી પોતાના મિત્ર મોહમ્મદ ઉમર મોહમ્મદ યુસુફ શેખ કે જેને ત્યાં પોતાની બુલેટ રીપેર કરવા જતો હતો. તેમજ ઉમરના મિત્ર ઇમરાન પઠાણ સાથે મળી તેણે આ લૂંટ કરવાની યોજના બનાવી હતી. ડિંડોલી મધુરમ સર્કલથી ચલથાણ રોડ કેનાલ હાઈવેના સુમસાન રોડ પર જગ્યા પસંદ કરી આ લૂંટનો સ્ટંટ કર્યો હતો. આ ઉપરાંત ગાડીમાં હકિકતમાં કોઈ રકમ હતી જ નહીં. અન્ય બંને ભાગીદારોના દસ અને 20 લાખ મળી કુલ 30 લાખ રૂપિયા વેપારીએ પોતાની પાસે તેના ફ્લેટમાં રાખ્યા હતા. ત્યાંથી પોલીસે તે રૂપિયા પણ રિકવર કર્યા છે.

 યાર્નના વેપારીએ જ મિત્રો સાથે મળી સ્ટંટ કર્યો !!

પોલીસ તપાસમાં યાર્નના વેપારી અંકિત કનોડિયાએ તેના મામાના દીકરા ઓમપ્રકાશ ગુપ્તા અને જીજાજીના ભાણેજ અભય આનંદ ટીબરા સાથે મળી વોટરજેટ મશીનરી નાખી ભાગીદારીમાં સુરતમાં ટેક્સટાઈલનો ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું હતું. તે માટે કડોદર ચાર રસ્તા નજીક અરવિંદ ભાઈ પટેલ નામના ઇસમને મળી કડોદર ખાતે એક જગ્યા ખરીદી હતી. જેના પેમેન્ટ પેટે 55 લાખ રૂપિયા અરવિંદભાઈને આપવાના હતા. જે પૈકી 10 લાખ રૂપિયા અભય તથા 20 લાખ રૂપિયા આશિષ દ્વારા આપવામાં આવ્યા હતા. જ્યારે 25 લાખ રૂપિયા યાર્નના વેપારી અંકિતના ભાગે આપવાના આવતા હતા.

55 લાખની લૂંટની શું હતી ઘટના?

સુરતના વીઆઇપી રોડ શ્યામ મંદિર પાસે રહેતા અંકિત કનોડિયા યાર્નના વેપારી છે. બે દિવસ પહેલાં તેઓ પ્રોપર્ટીની ડીલના 55 લાખ રૂપિયા આપવા માટે તેના કાકા વિનોદ કનોડીયા સાથે કડોદરા જતા હતા. આ દરમિયાન તેઓ ડિંડોલીના મધુરમ સર્કલથી ચલથાણ તરફ જતા નહેરવાળા રોડ પરથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. તે સમયે મોપેડ પર આવેલા બે ઇસમોએ તેમની કાર નજીક આવી કારના ડ્રાઈવર સાઈડના કાચ પર કાદવ ફેંક્યો હતો. જેથી કાર ચલાવનાર અંકિત કનોડિયાને દેખાવવાનું બંધ થઈ જતા તેઓએ કાર રોડની સાઈડમાં ઉભી રાખી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.