Abtak Media Google News

વિંછીયામાં રૂા.૩૪૧૪ લાખ અને જસદણ તાલુકાના રૂા.૩૫૦૭ લાખના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

રાજકોટ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ તાલુકાના શાંતિનગર ગામે રૂા.૩૫૦૭ લાખના ૩૭ વિકાસ કામોનું તેમજ વિંછીયા તાલુકાના છાસિયાં ગામે રૂા.૩૪૧૪ લાખના ૨૬ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાનું પ્રજાસત્તાક પર્વ રાજકોટ જિલ્લામાં ઉજવાઈ રહ્યું છે ત્યારે સમગ્ર જિલ્લામાં રાજ્ય સરકારના વિવિધ વિકાસકામો થઈ રહ્યા છે. જસદણ-વિંછીયા તાલુકાની પ્રજાને વીજળી, રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર, આરોગ્ય, બ્રીજ સહિતની સુવિધાઓ પ્રાપ્ત થશે. આમ, પ્રજાની સુખાકારી માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.

7537D2F3 11

સુંદર રસ્તાનું નિર્માણ થવાથી વાહન ચાલકોને અવર-જવર માટેની સુવિધા મળશે અને પોલીસ જવાનોને સુંદર રહેઠાણ મળે તે માટે પોલીસ આવાસ બનાવવામાં આવશે. સૂર્ય રૂફ ટોપ યોજનાનો વધુમાં વધુ લોકોએ લાભ લેવો જોઈએ. જસદણમાં સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવાશે. જેથી લોકોને ઘરઆંગણે જ આરોગ્યની સુવિધા પ્રાપ્ત થશે. શ્રેષ્ઠ પશુ દવાખાનું પણ બનાવવામાં આવશે. આમ ખાતમુહૂર્ત કરેલા વિકાસકામોનું ટૂંકાગાળામાં લોકાર્પણ કરી નક્કર પરિણામ આપીશું તેમ મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સ્ટેટ હાઈવેથી ડુંગરપુર- કનેસરા- કોઠી ગામના ૧૫.૬ કિલોમીટરના રોડના પહોળાઈ અને મજબૂતીકરણના કામોનું અને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા જસદણ ખાતે રૂા. ૯.૫૨ કરોડના ખર્ચે બનનારા- બી-૪૮ પોલીસ આવાસોનું ભૂમિપૂજન મંત્રી બાવળીયાએ કર્યું હતું. ભંડારિયા ગામે રૂા.૨૯૩.૫૩ લાખના ખર્ચે ૬૬ કેવી સબ સ્ટેશનની સુવિધા ઉભી કરાઈ છે.

વિંછીયામાં રૂા.૧૧૬ લાખના અને ભડલીમાં રૂા. ૯૬ લાખના ખર્ચે ગ્રુપ સુધારણા યોજના, વિછીયા  હડમતીયા  છાસિયા રોડના ૨૭૫૦ લાખના કામો તેમજ ભૂગર્ભ ગટરના રૂા. ૨૫૨.૧૭ લાખના કામોનું મંત્રીએ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે માર્કેટ યાર્ડ ચેરમેન કડવાભાઈ જોગથરીયા, પ્રાંત અધિકારી પ્રિયંક ગલચર, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ઝાલા, નાયબ ઈજનેર એ. ડી. સૈયદ, પીજીવીસીએલના અધિકારી જે. જે. ગાંધી, તાલુકા વિકાસ અધિકારી નિર્ભય ગોંડલીયા અને બી. આર. બગથરીયા, નગરપાલિકા અધિકારી પરાક્રમસિંહ મકવાણા, પાણી પૂરવઠા અધિકારી ત્રિવેદી, મામલતદાર ઝાલા, અગ્રણી રવજીભાઈ સરવૈયા, ભૂપત રોજાસરા, રામજીભાઈ ધડુક, સરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધી મનસુખભાઈ જાદવે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.