Abtak Media Google News

ભૂજમાં 4400 કરોડના વિવિધ પરિયોજનાનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન: વિશાળ રોડ-શો યોજાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુજ ખાતે આશરે રૂપિયા 4400 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ અગાઉ તેમણે ભુજ જિલ્લામાં સ્મૃતિ વન સ્મારકનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોની મેદનીને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભુજમાં સ્મૃતિ વન સ્મારક અને અંજારમાં વીર બાલ સ્મારક કચ્છ, ગુજરાત અને સમગ્ર દેશની સહિયારી પીડાનાં પ્રતીક છે. જ્યારે અંજાર સ્મારકનો વિચાર આવ્યો અને સ્વૈચ્છિક કાર્ય, ‘કારસેવા’ દ્વારા સ્મારકને પૂરું કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો તે સમયની યાદો તેમણે તાજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિનાશક ભૂકંપમાં ગુમાવેલા લોકોની યાદમાં આ સ્મારકો ભારે હૈયે સમર્પિત કરવામાં આવી રહ્યા છે. અહીંના લોકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું તે બદલ તેમણે લોકોનો આભાર પણ માન્યો હતો.

Img 20220829 Wa0035

પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે, કચ્છની હંમેશા એક વિશેષતા રહી છે, જેની હું વારંવાર ચર્ચા કરું છું. અહીંના રસ્તા પરથી પસાર થતી વખતે પણ જો કોઇ વ્યક્તિ સપનાનું વાવેતર કરે તો તેને વટ વૃક્ષ બનાવવામાં આખું કચ્છ કામે લાગી જાય છે. કચ્છના આ સંસ્કારોએ અન્ય લોકોના મનમાં રહેલી દરેક આશંકા, દરેક આકલનોને ખોટા સાબિત કરી બતાવ્યા છે. કેટલાય લોકો એવું કહેનારા હતા કે, હવે કચ્છ ક્યારેય પોતાના પગ પર ઊભું નહીં રહી. પરંતુ આજે કચ્છના લોકોએ અહીંનું પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભૂજના પ્રવાસ દરમિયાન મીરજાપર હાઇવેથી જી.કે.જનરલ હોસ્પિટલ સુધી આશરે ત્રણ કિ.મી લાંબો રોડશોનું યોજ્યો હતો. રોડ શો દરમિયાન કચ્છવાસીઓએ પારંપારિક નૃત્ય અને  દેશનો તિરંગો લહેરાવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રૂડો આવકાર આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે  સ્મૃતિ વન તથા કચ્છ શાખા નહેર સહિત વિવિધ પ્રોજકેટના લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી દેશવાસીઓને સંબોધન કર્યું હતું.

પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીએ સંબોધનની શરૂઆત કચ્છી ભાષાથી કરતા જણાવ્યું કે, સ્મૃતિવન અને અંજારમાં વિર બાળક સ્મારક નું લોકાર્પણ કચ્છની,ગુજરાતની અને સમગ્ર દેશની સાચી વેદનાનું પ્રતિક છે. ભૂકંપમાં જે પરિવારોએ તેમના સ્વજનોને ગુમાવ્યા છે તેમને આ સ્મારક સમર્પિત કરુ છું. કચ્છમા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં વીજળી, રસ્તા,અને ડેરી સાથે સંકળાયેલા પ્રોજકેટ છે. આ કાર્યો જ કચ્છના વિકાસ માટે ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. મા આશાપુરાના દર્શન સરળતાથી થઇ શકે તે માટે આજે નવી સુવિધાઓનું શિલાન્યાસ પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત કેવી રીતે આગળ વધી રહ્યુ છે તેનું આ પ્રમાણ છે. આજે સ્મૃતિ વન જતી વખતે આખા રસ્તામાં કચ્છના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે,ખૂબ આશિર્વાદ આપ્યા છે. બે દસક પહેલા કચ્છે જે પણ સહન કર્યુ તે પછી કચ્છે જે હોંસલો બતાવ્યો તેની દરેક ઝલક આ સ્મૃતિ વનમાં છે.

Img 20220829 Wa0045

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યું કે,અમરિકામાં 9/11 જે બહુ મોટો આંતકી હુમલો થયો હતો તે પછી ત્યા એક સ્મારક તૈયાર કરવામાં આવ્યું મે તેને પણ જોયુ છે,  જાપાનમાં હિરોસિમામાં થયેલ ત્રાસદી પછી તેની સ્મૃતિને સાચવતું એક મ્યુઝિયમ પણ જોયુ છે, અને આજે સ્મૃતિવન જોઇને હું દેશવાસીઓને ખૂબ નમ્રતાથી કહેવા માંગુ છું કે આપણુ સ્મૃતિવન દુનિયાના સારામા સારા સ્મારકોની તુલાનામાં એક ડગલુ પણ પાછળ નથી. કચ્છમાં કોઇ મહેમાન આવે તો સ્મૃતિવન જોયા વગર જવા દેશો નહી તેવી કચ્છવાસીઓને વિનંતી કરી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, કચ્છ માટે આજે સ્મૃતિ અને સમૃદ્ધીનો દિવસ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે એક વર્ષમાં ગુજરાતને આશરે 47 હજાર કરોડ રૂપિયાથી વધુ વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી છે. આજે આ રકમના દસ ટકા એટલેકે 47 કરોડ રૂપિયા ના વિકાસના કામોની ભેટ એકલા કચ્છને આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે થયેલા વિવિધ વિકાસલક્ષી કામોથી કચ્છનો વિકાસ વેગવંતો બનશે. કચ્છવાસીઓને નર્મદાનું જળ આપવાનું વચન પણ પુર્ણ કર્યુ છે.

આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરોડા રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ કચ્છ-ભૂજ-માંડવી 143 કિ.મી લાંબી બ્રાન્ચ કેનાલની ભેટ આજે ગુજરાતને મળી છે. વિરોધપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે આપણે એ પણ યાદ કરવું જોઇએ કે એવા કોણ લોકો હતા  કે જેમણે પાંચ-પાંચ દાયકા સુઘી કચ્છને નર્મદાના પાણીથી વંચીત રાખ્યા,તરસ્યુ રાખ્યું,સુકુ ભટ્ટ રાખ્યુ હતું. આપણે બઘા જાણીએ છીએ કે વિરોઘ કરવા વાળા અર્બન નકસલવાદીઓ કોણ હતા. આ લોકોએ ગુજરાતને અને કચ્છને વિકાસથી વંચીત રાખવાના પ્રયત્ન કર્યા જેમાં એક નામ છે મેધા પાટકર. સૌ જાણે છે કે મેઘા પાટકર જેવા વ્યક્તિ કઇ પાર્ટી સાથે જોડાયેલા છે, કોણે તેમણે સાંસદની ચૂંટણી લડવાની ટીકિટ આપી હતી. ગુજરાતના ભોળી જનતાને ભ્રમીત કરવાના પ્રયાસ કર્યા પરંતુ ગુજરાતની શાણી અને ખમીરવંતી પ્રજાએ આવા લોકોના મનસુબા ફાવા દિધા નથી.

Img 20220829 Wa0005

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મા નર્મદાનું પાણી કચ્છની સુકી ધરાને પહોંચાડવા માટે નર્મદા યોજનાના વિરોઘીઓ અને ગુજરાત વિરોધીઓ સામે ખૂબ સંઘર્ષ કર્યો તે અંગે ગુજરાતની જનતા જાણે છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે સત્તા સંભાળી ત્યારે માત્ર 17 દિવસમાં નર્મદાના દરવાજાને મુકવાની પરવાનગી આપી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસના દરવાજા ખોલી દીધા હતા. હવે ડબલ એન્જિનની સરકારથી રાજયમાં વિકાસના કામોએ ગતી પકડી છે. કચ્છવાસીઓને પણ ડબલ એન્જિનની સરકારનો ડબલ લાભ મળતો થયો છે. ભારતના સૌથી મોટા 30 હજાર મેગા વોટ હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં બની રહ્યો છે. રિન્યુએબલ એનર્જીની બાબતમાં કચ્છમાત્ર ગુજરાત જ નહી ભારતનું સૌથી મોટુ ઉત્પાદન કેન્દ્ર બનશે. 26મી જાન્યુઆરી 2001ના કચ્છમાં આવેલ ભૂકંપને આજે પણ આપણે ભૂલ્યા નથી. આ કુદરતી હોનારતમાં આપણે આપણા સ્વજનો ગુમાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.