Abtak Media Google News

ભારત અને નેપાળમાં યુરોપના શિક્ષણ જેવી ઉચ્ચકક્ષાનો અભ્યાસ આપવા ‘ઈન્ટરનેપ ઈન્ડ’ પ્રોજેકટમાં સ્થાન મળ્યું

દેશની સર્વશ્રેષ્ઠ આર્કિટેક્ટર કોલેજનું બિરૂદ મેળવનાર એવી સ્થાપત્યકલા શિક્ષણ ક્ષેત્રની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા વી.વી.પી. સંચાલિત ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરએ પોતાના ઉચ્ચ શૈક્ષણિક માપદંડની પરંપરાને આગળ વધારતી વધુ એક ગૌરવશાળી સિધ્ધી પ્રાપ્ત કરેલ છે.

Advertisement

સ્પેન, પોર્ટુગલ, ભારત અને નેપાળની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની યુરોપિયનએશિયન ભાગીદારીયુકત ‘ઈન્ટરનેપ ઈન્ડ’ નામના ઉચ્ચ શિક્ષણનાં આંતર રાષ્ટ્રીયકરણ હેતુ નિર્મિત અને યુરોપિયન યુનિયન દ્વારા અનુદાનિત પ્રોજેકટમાં ભારતની કુલ પાંચ ઉચ્ચ શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓને સામેલ કરાયેલ હતી તેમાં સૌરાષ્ટ્રની એકમાત્ર સંસ્થા ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરની તેના ઉચ્ચ શૈક્ષણિક માપદંડોના આધારે પસંદગી થયેલ છે. પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ‘ઈન્ટરનેપ ઈન્ડ’ પ્રોજેક્ટમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરવા બદલ વી.વી.પી. સંચાલિત ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરને ચોમેરથી પ્રસંશા તથા અભિનંદન મળી રહેલ છે. આ પ્રોજેકટ ભારત તથા નેપાળમાં ઉચ્ચ શિક્ષણનાં આંતરરાષ્ટ્રીયકરણને મૂર્તિમંત કરવા જરૂરી વ્યુહરચના તથા ક્ષમતા નિર્માણ કરવા, માળખાગત સુવિધાઓના વિકાસ તથા નેટવર્કીગની સર્વગ્રાહી પ્રક્રિયાઓ કરવામાં કાર્યરત છે. આ પ્રોજેકટ થકી વિદ્યાર્થીઓથી માંડીને અધ્યાપકો, સંશોધકો તથા વહિવટી કર્મચારીઓ માટે આંતરરાષ્ટ્રીય શિક્ષણ તથા બૌધ્ધિક આદાન-પ્રદાનની તકોનું નિર્માણ થશે.

નવેમ્બર ૨૦૨૧ સુધીના સમયગાળાનો આ પ્રોજેકટ યુરોપીયન યુનિયનના એરામાસ પ્રોગ્રામ દ્વારા અનુદાનિત છે. યુરોપિયન યુનિયન યુરોપમાં ઉચ્ચ શિક્ષણનાં આંતરરાષ્ટ્રીયકરણનું પ્રવર્તક છે જેના અનુભવનો લાભ ‘ઈન્ટરનેપ ઈન્ડ’ પ્રોજેકટ થકી ભારત તથા નેપાળને પણ મળી શકશે. જાતિગત અસમાનતાને દૂર કરી સર્વગ્રાહી સમાવિષ્ટતા થકી બધાને ઉચ્ચ શિક્ષણમાં ઉચ્ચ ગુણવતા સાથેની સમાન તકો પ્રદાન કરવાનું ‘ઈન્ટરનેપ ઈન્ડ’ પ્રોજેકટનું લક્ષ્ય છે. ‘ઈન્ટરનેપ ઈન્ડ’ પ્રોજેકટ દ્વારા ઉમર, જાતિ, વિકલાંગતા, વર્ણ, વંશીયતા, મૂળ ધર્મ અને આર્થિક કે અન્ય સ્થિતિ પ્રત્યે ઉપેક્ષિત બનીને સર્વેનાં સામાજીક સમાવેશ થકી ઉચ્ચશિક્ષણ ક્ષેત્રનાં લાભાન્વીતો માં વિવિધ ગતિવિધિઓ તથા તકો થકી ઉચ્ચ શિક્ષણનાં આંતરરાષ્ટ્રીયકરણને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. ‘ઈન્ટરનેપ ઈન્ડ’ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય સંશોધન યોજનાઓ અને સંસ્થાકીય યોજનાઓને ‘ઈન્ટરનેપ ઈન્ડ’ના ભાગીદારો તથા પોતાના આંતરરાષ્ટ્રીય માળખા વચ્ચેના સહયોગને પ્રોત્સાહિત કરે છે. ‘ઈન્ટરનેપ ઈન્ડ’ પ્રોજેકટ સંસ્થાકીય સંયુક્ત પહેલને ડબલ ડિગ્રી, સંયુકત પી.એચ.ડી. ઈલર્નીગ સહિતનાસંયુક્ત શૈક્ષણિક ક્રિયા કલાપો, વર્ચ્યુઅલ મુક્ત ચર્ચાઓ, સહયોગપૂર્ણ યોજનાઓ થકી આગળ વધારે છે. આમ, વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી નેટવર્કની યોજનાઓ તથા પ્રવૃતિઓમાં ભાગીદાર બની પોતાના ભવિષ્યના વ્યવસાયિક જીવનને સમૃધ્ધ કરવાની તક આપતા, તકનીકી તથા વહિવટી કર્મચારીગણને પ્રસ્તુત નેટવર્કનાં ઉપયોગ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષિત કરી પોતાની ઉચ્ચ શિક્ષણ ની સંસ્થામાં આંતરરાષ્ટ્રીયકરણને પ્રોત્સાહિત કરવાની તક આપતા અધ્યાપકો તથા સંશોધકોને આંતરરાષ્ટ્રીય પ્રવૃતિઓ અથવા સંશોધનની તકો થકી પોતાની યોજનાઓ અથવા પોતાની ક્ષમતાના વિકાસ હેત નાણાંકિય ભંડોળ પ્રાપ્તિ કરાવતા તેમજ વ્યવસ્થાપકોને પોતાની ઉચ્ચ શિક્ષણની સંસ્થાની ગુણવતામાં હકારાત્મક અસર પહોંચાડીને આંતરરાષ્ટ્રીય ઓફીસનાં નિર્માણ થકી અથવા અન્યો સાથે પોતાના અનુભવોની વહેંચણીની તકો આપતા ‘ઈન્ટરનેપ ઈન્ડ’ પ્રોજેકટમાં સમગ્ર ભારતમાંથી માત્ર પાંચ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને સહભાગી બનવાની તક મળેલ છે. જેમાં સૌરાષ્ટ્રની એકમાત્ર સંસ્થા ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરનો સમાવેશ થવા પામેલ છે.

પ્રસ્તુત પ્રતિષ્ઠીત પ્રોજેકટમાં ગૌરવપૂર્ણ પ્રતિષ્ઠાન મેળવનાર ઈપ્સા હાલ આ પ્રોજેકટ અંતર્ગત ભારતના મધ્યપૂર્વ ભુભાગની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ત્રણ મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ જઙઅ દિલ્હી, જઙઅ  ભોપાલ તથા ચંદીગઢ કોલેજ ઓફ આર્કિટેકચર-ચંદીગઢનો વિગતવાર અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણની વ્યુહરચનાને ધડી અમલમાં મુકવાનો અંતિમ ધ્યેય હાંસલ કરવા ઈપ્સાનાં આચાર્ય પ્રો. દેવાંગ પારેખ, પ્રોજેકટ મેમ્બર પ્રો. હકિમુદિન ભારમલ, પ્રો. હિતેશ ચાંગેલા પ્રો.ગૌરવ વાઢેર તથા પ્રો.રિધ્ધિ શાહ અવિરણપણે કાર્યરત છે.

સમગ્ર સૌરાષ્ટ્રનાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ સિધ્ધી મેળવનાર વી.વી.પી. સંચાલિત ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીગણ કૌશિકભાઈ શુકલ, હર્ષલભાઈ મણીઆર તથા ડો. સંજીવભાઈ ઓઝા તેમજ ઈપ્સાના ડિરેકટર આર્કિ. કિશોરભાઈ ત્રિવેદી સહર્ષ બિરદાવી માર્ગદર્શન આપી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.