Abtak Media Google News

ગ્રાન્ટ ડીપીઆર અને બાંધકામ વેસ્ટ સહિતના મુદ્ે અધિકારીઓ પર તડાપીટ બોલાવતા ભાજપના કોર્પોરેટરો

પ્રજાના પ્રશ્ર્નો વધુ એક વખત સાઇડ લાઇન કરી જનરલ બોર્ડમાં એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ નિરર્થક ચર્ચાઓમાં વેડફી દેવાયો: કોંગ્રેસના કોર્પોરેટર હાજરી પૂરાવી બોર્ડમાંથી નીકળી ગયા

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠક વધુ એક વખત માત્ર તમાસો બનીને રહી ગયુ હતું. પ્રજાને સિધી જ અસર કરતા સવાલોની ચર્ચા કરવાના બદલે નગરસેવકોએ નિરર્થક ચર્ચામાં એક કલાકનો પ્રશ્ર્નોત્તરી વેડફી નાંખ્યો હતો. નગરસેવિકા મીનાબા જાડેજાનો પ્રથમ પ્રશ્ર્નો હતો પરંતુ તેઓને પોતાના પ્રશ્ર્નોનો સંતોષકારક જવાબ મળ્યો ન હતો. કેમ કે અન્ય સાથી કોર્પોરેટરોએ મૂળ સવાલનો જવાબ અપાઇ તે પૂર્વે જ પેટા પ્રશ્ર્નોનો મારો ચલાવ્યો હતો. ગ્રાન્ટ અલગ-અલગ પ્રોજેક્ટના ડીપીઆર અને બાંધકામ વેસ્ટ સહિતના મુદ્ે નગરસેવકોએ અધિકારીઓ પર તડાપીટ બોલાવી હતી.

વોર્ડ નં.2ના નગરસેવિકા મીનાબા જાડેજાનો પ્રશ્ર્ન પ્રથમ હોય તેઓએ અમૃત મિશન અને 15માં નાણાપંચ હેઠળ કોર્પોરેશનને મળેલી ગ્રાન્ટ અંગે પ્રશ્ર્ન પૂછ્યો હતો. તેઓના સવાલનો જવાબ મળે તે પૂર્વે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સહિતના અન્ય કોર્પોરેટરોએ પેટા પ્રશ્ર્નોનો મારો ચલાવ્યો હતો. જેના કારણે સવાલની વિસ્તૃત ચર્ચા થઇ શકી ન હતી. વણલખી પરંપરા મુજબ જનરલ બોર્ડમાં ગમે તેટલા પ્રશ્ર્નો મૂકવામાં આવે માત્ર એક થી બે પ્રશ્ર્નની ચર્ચા થાય છે.

આજે વિરોધ પક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોની ગેરહાજરીમાં જાણે શાસકોને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ એક કલાકના પ્રશ્ર્નોત્તરી કાળમાં સાચી-ખોટી ચર્ચા કરી હતી. કોંગી કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ માત્ર હાજરી પૂરાવવા માટે બોર્ડમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તેઓ પણ નીકળી ગયા હતા. વોર્ડ નં.16ના કોર્પોરેટર અને ટીપી સમિતિના ચેરમેન નરેન્દ્રભાઇ ડવે સોલીડ વેસ્ટ શાખા અધિકારીઓને બરાબર ધેર્યા હતા. તેઓએ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે આજી નદીમાં પૈસા લઇ બાંધકામ વેસ્ટ ઠાલવવાની છૂટ આપવામાં આવે છે.

Screenshot 2 33

ટ્રેક્ટર દીઠ ફિક્સ રકમ વસૂલવામાં આવતી હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ અને બાંધકામ વેસ્ટના કારણે આજી નદી બૂરાઇ રહી છે. એકતા સોસાયટી અને રાધા-કૃષ્ણનગર ભારે વરસાદમાં ડૂબી જશે તેવો ભય પણ તેઓએ વ્યક્ત કર્યો હતો. શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવાએ અધિકારીઓને આડે હાથે લેતાં જણાવ્યું હતું કે શહેરમાં આડેધડ બાંધકામ વેસ્ટનો નિકાલ કરવામાં આવે છે. કોર્પોરેશન તંત્ર આ માટે આરટીઓ અને પોલીસની મદદ લઇ ખાસ ડ્રાઇવ ચલાવશે તેવી માત્ર ખોટી બાંહેધરી આપી રહ્યું છે. વાસ્તવમાં કોઇ જ પ્રકારની કામગીરી થતી નથી. પરિણામે બાંધકામ વેસ્ટ ખડકાયા બાદ ત્યાં ભવિષ્યમાં ગેરકાયદે બાંધકામ પણ ઉભા થઇ જાય છે. સમગ્ર ઘટના બાદ મેયર ડો.પ્રદિપ ડવે અધિકારીઓને ગંભીરતા સાથે કામ કરવા માટે કડક ભાષામાં તાકીદ કરી હતી.

ભાજપના 13 કોર્પોરેટરોએ જનરલ બોર્ડ સમક્ષ કુલ 26 પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. જે પૈકી એકમાત્ર મીનાબા જાડેજાના બે પ્રશ્ર્નોની અધ્ધકચરી ચર્ચા થઇ હતી. ખોટી વાતોમાં અને તડાફડીમાં સમય વેડફાઇ ગયો હતો.

મોંઢામાં મગ ભરીને બેઠા રહેતા નગરસેવકોને પણ વાચા ફૂટી

કોર્પોરેશનના વર્તમાન પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ આગામી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે. નવી નિયુક્તીના આડે હવે માત્ર ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે પોતાને લોટરી લાગશે તેવી આશા સાથે આજે કેટલાક એવા નગરસેવકોએ પણ પ્રશ્ર્નોનો મારો ચલાવ્યો હતો. જે છેલ્લા બે વર્ષથી બોર્ડમાં મોંઢામાં મગ ભરીને બેસી રહે છે. કોઇપણ ચર્ચામાં ભાગ લેતા નથી. માત્ર પોતાની ફરજના ભાગરૂપે બોર્ડમાં હાજરી આપે છે. હવે પછીની અઢી વર્ષની મેયરની ટર્મ મહિલા ઉમેદવાર માટે અનામત છે. જેના માટે હાલ ત્રણ નામોની ચર્ચા ચાલી રહી છે. સૌથી ચર્ચાતા બે નામોમાં ડો.દર્શનાબેન પંડ્યા અને જ્યોત્સનાબેન ટીલાળાના નામનો સમાવેશ થાય છે. આ બંને નગરસેવિકાઓ સામાન્ય રીતે બોર્ડમાં કશું બોલતા હોતા નથી. પરંતુ આજે આશ્ર્ચર્યજનક રીતે આ બંને કોર્પોરેટરોએ ચર્ચામાં ભાગ લીધો હતો અને પેટા સવાલો પણ પૂછ્યા હતા.

પ્રથમ બોર્ડમાં જ મ્યુનિ.કમિશનર આનંદ પટેલ ગેરહાજર !

ડીએમસી અનિલ ધામેલીયાએ નગરસેવકોના પ્રશ્નોના મારાનો કર્યો સામનો

રાજકોટ મહાનગરપાલિકાના નવ નિયુક્ત મ્યુનિ.કમિશનર આનંદ પટેલ આજે પોતાના પ્રથમ બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા. જેના કારણે ડીએમસી અનિલ ધામેલીયાએ નગરસેવકોના પ્રશ્ર્નોનો જવાબ આપવો પડ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજથી રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આરંભ થયો છે. જેમાં ભાગ લેવા માટે મ્યુનિ.કમિશનર આનંદ પટેલ પણ ગયા હોવાના કારણે તેઓ બોર્ડમાં હાજરી આપી શક્યા ન હતા. તેઓની રાજકોટના મ્યુનિ.કમિશનર તરીકે નિયુક્તી થયા બાદ આ પ્રથમ બોર્ડ હતું. જેમાં તેઓની પરીક્ષા થશે. તેવું માનવામાં આવતું હતું. પરંતુ તેઓ હાજર ન રહેતા નવનિયુક્ત ડીએમસી અનિલ ધામેલીયાએ નગરસેવકોના પ્રશ્ર્નોના જવાબો આપવા પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.