શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા કોરોના સંક્રમિત: પદાધિકારીઓમાં ચિંતાનું મોજુ

સુરૂભાના 2 બાળકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા: પત્નીનો રિપોર્ટ નેગેટીવ, હોમ આઈસોલેટ થયા

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન સતત વધી રહ્યું છે. મહાપાલિકામાં પણ કોરોનાએ હવે એન્ટ્રી કરી છે. શાસક પક્ષના દંડક અને વોર્ડ નં.13ના કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળાનો આરટીપીસીઆર રિપોર્ટ આજે સવારે પોઝિટિવ આવ્યાનું જાણવા મળી રહ્યું છે. તેમના દિકરા અને દિકરી પણ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે તેમના ધર્મપત્નીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. હાલ સુરૂભા હોમ ક્વોરન્ટાઈન થઈ સારવાર લઈ રહ્યાં છે. દંડકને કોરોના થતાં પદાધિકારીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, બે દિવસથી શરીરમાં કળતરની તકલીફ હતી. તાવ કે શરદી, ઉધરસ જેવી અન્ય કોઈ તકલીફ જણાતી ન હતી. છતાં સાવચેતીના ભાગરૂપે મેં કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. ઘરના તમામ સભ્યોના કોરોના રિપોર્ટ કરાવ્યા છે. જેમાં મારા ધર્મપત્નીનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે અને પુત્રી તથા પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમે ત્રણેય હાલ હોમ ક્વોરન્ટાઈન હેઠળ છીએ અને ડોકટરની સલાહ મુજબ કોવિડની સારવાર લઈ રહ્યાં છીએ. શરીરમાં અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ નથી છતાં તેઓના સંપર્કમાં આવેલા લોકોએ તકેદારીના ભાગરૂપે કોરોનાનો રિપોર્ટ કરાવી લેવા તેમણે અપીલ કરી છે.

શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પદાધિકારીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. શહેર ભાજપના હોદ્દેદારો પણ ચિંતીત જણાય રહ્યાં છે. કારણ કે, સતત પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે હોવાના કારણે અન્ય કોઈ પણ કોરોનાથી સંક્રમિત થશે તેવો ભય પણ અંદરખાને સત્તાવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. હવે મહાપાલિકામાં શાસક વિંગમાં કોરોનાની એન્ટ્રી થતાં કોર્પોરેટરો, પદાધિકારીઓ અને અધિકારીઓ રીતસર ભયભીત થવા લાગ્યા છે.