Abtak Media Google News

વ્યાસપીઠ પર શાસ્ત્રી જગદીશચંદ્ર વ્યાસ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે

 

કોટડા સાંગાણી તાલુકાના સતાપર ગામે આવેલા 48 પાળીયાઓનું સ્થાનક જેનો ઈતિહાસ વીરતાથી ભરપૂર છે. સતાપર ગામમાં બહારગામથી આવતી લગ્નની જાનોમાં રૂપિયા તથા ઘરેણાં લૂંટવા આવેલા લુટેરાઓની સામે યુદ્ધ લડી ઘરેણા અને રોકડ બચાવી ગામની આબરૂને અકબંધ રાખવા વીરગતિને વરેલા 48 શૂરવીરોના પાળીયાઓના સાનિધ્યમાં આજથી તા. 14/12ને બુધવારથી શ્રીમદ ભાગવત કથાનો ભક્તિમય પ્રારંભ થયો હતો. ભાગવત કથાના વ્યાસપીઠ પરથી જગદીશચંદ્ર રમણીક લાલ વ્યાસ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા સવારે 8:30 થી 11:30 અને બપોરે 2:30 થી 5:30 સુધી વૃંદાવન ધામ, પાદર નદીના કાંઠે જુના ગામમાં મૂળ સતાપર તાલુકો કોટડા સાંગાણીમાં આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમ્યાન વિવિધ પ્રસંગોની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. કથાની પુર્ણાહુતી તા. 20/12ને મંગળવારના રોજ થશે. શ્રીમદ ભાગવત સપ્તાહ કથા દરમિયાન બપોર અને સાંજે બંને સમય ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કથાના સુંદર આયોજનમાં મુખ્ય માર્ગદર્શન મહંત ત્રિભુવનદાસ બાપુ સીતારામ આશ્રમ સતાપર દ્વારા કરવામાં આવ્યું છે.

 

વીરગતિને વરેલા પાળીયાઓમાં
જાગૃત થયેલા સુરાપુરાનો ઇતિહાસ

 

લુંટારાઓને ઝેર કરી ઉન્નત મસ્તકે વીરગતિને વરેલા પાળીયાઓમાં જાગૃત થયેલા સુરાપુરાના 48 પાળીયાઓ આવેલા છે. જેમાં વણવીર આપા મેતા પરિવાર (આહીર), 2ાજા આપા જાર્ટીયા પરિવાર (આહીર), આંબા બાપા કરગથરા પરિવાર (મીસ્ત્રી),  માંડણ બાપા ઉકાણી પરિવાર (પટેલ), બીજલ બાપા ધગલ પરિવાર (રબારી),  સહિતના 43 પાળીયાઓ આ વાતની સાક્ષી પુરતા હજુ ઉભા છે.

ભાદર નદીના ઉતરકાંઠે ખેલાયેલા આ યુધ્ધમાં એક સતીમાતાનો પાળીયો પણ હયાત છે. જુનાગઢ નવાબની મીઠી નજર તળે ફાલ્યા ફુલ્યા ભેંસાણનાં સુબાના મળતીયા વિધર્મીઓએ લગ્નની જાનુ સાથે ગામની આબરૂ લુંટવાનો પ્રયાસ કરેલો પણ મર્દ આહીર ગામનાં મુખી વણવીર આપા મેતાની આગેવાનીમાં આ ધીંગાણુ ખેલાયેલું જીભની માનેલ બેન બ્રાહ્મણની દિકરી બેન સોનલને બચાવવા જતા વીર આહીર માણસીયા આપા મેતા પણ વીરગતિને પામેલા તથા ગામના અનેક યુવાનો પણ આ યુધ્ધમાં ઘાયલ થયેલા.

બીજી એક ઘટનામાં રોજડી ગામનું ધણ વાળતા હાદા ખુમાણની ટોળીનો પીછો કરતા ગોંડલ સ્ટેટના કાર્યમાં હંમેશા અગ્રેસર 2હેતા વીર કલોજી લુણસરીયાએ ગાયુ બચાવી ખુમાણો સાથે યુધ્ધ કરેલુ મર્દ કલોજી લુણસરીયાની ખાંભી પણ અહી આ વાતની શાખ પુરાવે છે. તેમની સાથે કલોજી લુણસરીયાના બે ભાઈઓ અને જાડેજા શાખાના બે ભાણેજો પણ આ યુધ્ધમાં કામ આવેલ અને જાડેજા તથા ઝાલા લખાયેલ પાળીયા પણ અહીં ઉભા છે. અઢીસો-ત્રણસો વરસના વાણા વીતી ગયા હોય ઘણા પાળીયામાં લખાણ બરોબર વાંચી શકાતું નથી. સમસ્ત ગામ તથા પંથકમાં આ 48 સુરાપુરાના પાળીયાનું સ્થાનક અનેરી શ્રધ્ધા ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.