• કિશાનપરા ચોકથી મહિલા કોલેજ અન્ડરબ્રિજ સુધી, બાલાજી હોલથી આવાસ યોજના સુધી વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા રૂ.3.50 કરોડની ફાળવણી

ચોમાસાની સિઝનમાં રાજકોટના રાજમાર્ગોની દશા ગામડાના રોડથી પણ બદ્તર બની જતી હોય છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે મંજૂર કરવામાં આવેલા બજેટમાં ટકાઉ રોડ બનાવવાનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે. સાથોસાથ 15 વર્ષ માટે વ્હાઇટ ટોપિંગ સેલની રચના કરવામાં આવશે. તેવી ઘોષણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવી છે.

શહેરના કિશાનપરા ચોકથી મહિલા કોલેજ અન્ડરબ્રિજ સુધીના મુખ્ય માર્ગ પર રોડની બંને બાજુ કાલાવડ રોડ ઉપર તથા બાલાજી હોલથી આવાસ યોજના સુધી ધોળકીયા સ્કૂલ વાળા રોડ ઉપર અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી વ્હાઇટ ટોપિંગ કરવામાં આવશે. જેનાથી રસ્તાની આવરદા પણ ઘણી વધી જશે. બજેટમાં આ કામ માટે રૂ.3.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સાથોસાથ ભવિષ્યમાં તમામ મુખ્ય માર્ગોની આવરદામાં વધારો થાય અને રાહદારીઓએ રસ્તા પર ચોમાસાની સિઝનમાં ખાડાની સમસ્યામાંથી લાંબા ગાળાની રાહત મળે અને હાલાકીમાં ઘટાડો થાય તે માટે જરૂરિયાત મુજબ ટેકનોલોજીથી તબક્કાવાર મુખ્ય માર્ગો પર વ્હાઇટ ટોપિંગ કરવા માટે વિઝીબીલીટી સર્વે, કોસ્ટ એનાલીસીસ, ફંડીગ તથા અમલીકરણ સહિતની બાબતો માટે વહિવટી સરળતા અને ઝડપી કામગીરી માટે વ્હાઇટ ટોપિંગ સેલનું ગઠનની જાહેરાત કરવામાં આવી છે.

પ્રથમ બજેટમાં જયમીન ઠાકર પાસ: વાસ્તવિકતાને જ પ્રાધાન્ય

કોર્પોરેશનની તિજોરીને ધ્યાનમાં રાખી યોજનાઓ જાહેર કરાઇ: રૈયા એક્ષચેન્જ પાસેનો બ્રિજ ઉડ્યો

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરે આજે પ્રથમ બજેટને બહાલી આપી હતી. જેમાં તેઓ 100 ટકા માર્ક્સ સાથે પાસ થયા છે. તેવું ચોક્કસ કહી શકાય. લોકસભાની સામાન્ય ચૂંટણીના આડે માત્ર ત્રણ મહિનાનો સમય બાકી હોવા છતાં તેઓએ બજેટમાં મોટી-મોટી યોજનાઓ જાહેર કરવાના બદલે વાસ્તવિકતા પર વધુ ધ્યાન આપ્યું છે. કોર્પોરેશનની તીજોરીને ધ્યાનમાં રાખીને જે યોજના ખરેખર જરૂરી હતી તેનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે ઓવરબ્રિજ બનાવવાની જે ઘોષણા ગત વર્ષે બજેટમાં કરવામાં આવી હતી. તેને ઉડાડી દેવામાં આવી છે.

ખોટી વાહવાહી મેળવવા માટે કોર્પોરેશનની આર્થિક ક્ષમતા ન હોય તેવી કોઇ જ યોજના જાહેર કરવામાં આવી નથી. વિસ્તારમાં વધારો થતા કોર્પોરેટરોની ગ્રાન્ટમાં ખરેખર વધારો કરવાની તાકીદ જરૂરિયાત હતી. જેમાં 33 ટકા જેવો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બજેટમાં જે 18 યોજનાઓ જાહેર કરવામાં આવી છે. તે તમામ ખરેખર શહેરના વિકાસ માટે ખૂબ જ અગત્યની છે. વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રાન્ટ આધારિત બજેટ ખરા અર્થમાં સાકાર થાય તેવા પણ પ્રયાસો કરાશે. તેવું તેમને જણાવ્યું હતું.

સિનિયર સિટીઝન, દિવ્યાંગ સહિતનાઓને લાયબ્રેરી સભ્યપદ ફ્રી, બીઆરટીએસ અને સિટી બસમાં મફત મુસાફરી

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટમાં તમામ વર્ગના લોકોની ખેવના કરવામાં આવી છે. સિનીયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત બાળકો, જુવેનાઇલ, ડાયાબીટીસગ્રસ્ત બાળકોને લાયબ્રેરી સભ્ય પદ ફીમાં માફી આપવાની ઘોષણા કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓને બીઆરટીએસ અને સિટી બસમાં પણ ફ્રી મુસાફરીનો લાભ આપવામાં આવશે. સુક્ધયા સમૃધ્ધિ યોજનામાં ફાળો જે અત્યાર સુધી રૂ.365 હતો જેમાં કમિશનરે રૂ.1000 કરવાનું સૂચન કર્યું હતું. જે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.1500 કરાયો છે. દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયરમેનનું સન્માન કરવામાં આવશે. વૃક્ષારોપણ અને પર્યાવરણની જાળવણી માટે શ્રેષ્ઠ કામગીરી કરનારને વિશ્ર્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂને પર્યાવરણ મિત્ર એવોર્ડ આપવામાં આવશે. વિશ્ર્વ પ્રાણી દિવસે 4 ઓક્ટોબરના રોજ પ્રદ્યુમન પાર્કમાં મુલાકાતીઓને નિ:શુલ્ક પ્રવેશ અપાશે.

સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પરથી ફરિયાદ કરી શકાશે

શહેરીજનોએ રોજબરોજની ફરિયાદો નોંધાવવા માટે કોર્પોરેશન કચેરી સુધી લાંબુ ન થવું પડે તે માટે કોર્પોરેશન દ્વારા કોલ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ કોલ સેન્ટર ફરિયાદ નિવારણ સિસ્ટમનો વ્યાપ વધારી અને વોટ્સએપ સિવાયના તમામ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ સાથે તેને ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. જેથી શહેરીજનો હવે સોશિયલ મીડીયાના કોઇપણ માધ્યમથી કોર્પોરેશનમાં ફરિયાદ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.