Abtak Media Google News

અર્જુનલાલ હિરાણી કોલેજ દ્વારા આયોજીત આંતર કોલેજ રાઈફલ શુટીંગ સ્પર્ધાના વિજેતાઓને પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ સહિતનાઓએ પાઠવી શુભેચ્છા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિંગ આર્ટસ દ્વારા તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ રાઈફલ શુટીંગ સ્પર્ધા યોજાઈ હતી જેનું સમાપન થયું છે. આ સ્પર્ધામાં ૧૫ ગર્લ્સ કોલેજ અને ૧૭ બોયઝ કોલેજનાં ૩૩ ગર્લ્સ અને ૩૪ બોયઝ સ્પર્ધકોએ પોતાનું કૌવત રજૂ કર્યું હતું.

જય ઈન્ટરનેશનલ સ્કુલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ઉદઘાટન સમારોહમાં મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ, સિન્ડીકેટ મેમ્બર ડો.મેહુલભાઈ રૂપાણી તથા અર્જુનલાલ હિરાણી જનકલ્યાણ ટ્રસ્ટના યુવા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક હિરાણી તેમજ અતિથિ વિશેષ તરીકે સિન્ડીકેટ સભ્ય ડો.ધરમભાઈ કાંબલિયા, પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશ જોષી વગેરેએ ઉપસ્થિત રહીને સ્પર્ધકો તથા સ્પર્ધાનાં આયોજનને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે સ્પર્ધકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આંતર રાષ્ટ્રીય કક્ષાની શુટીંગ રેન્જ તૈયાર થઈ રહી છે જે આગામી દિવસોમાં કાર્યરત બની જશે. તેમણે પ્રતિવર્ષ શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોની સંખ્યા વધી રહી હોવાની નોંધ લઈને ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓને પણ પ્રતિદિન રમતગમતનું મહત્વ સમજાય રહ્યું છે. આવનારા સમયમાં આ સ્પર્ધકો પૈકી જ કોઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કરે તેવી તેમણે શુભકામનાઓ પાઠવી હતી.

સ્પર્ધાનાં ઉદઘાટન સમારોહ પ્રસંગે સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ રૂપાણીએ નિર્દેશ કર્યો હતો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રમત-ગમતનાં વિકાસ માટે સ્પોર્ટસમેનોને શકય એટલી તમામ સહાય કરવા માટે તત્પર છે. ડો.મેહુલભાઈએ આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને યુનિવર્સિટી તરફથી મેડલ આપવા ઉપરાંત તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવાની પણ જાહેરાત કરી હતી.

સિન્ડીકેટ સભ્ય ડો.હરદેવસિંહ જાડેજાએ કહ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સતામંડળો યુનિવર્સિટીના સ્પોર્ટસનું ધોરણ સતત વિકસતું રહે તે માટે પ્રયત્નશીલ છે. કાર્યક્રમને સંબોધતા ડી.વી.મહેતાએ સ્પોર્ટસના ઉતરોતર વિકાસ માટે તમામ પ્રકારનાં સહકારની ખાતરી આપી રમતવીરોને બિરદાવ્યા હતા તો યજમાન અર્જુનલાલ હિરાણી કોલેજનાં મેનેજિંગ ટ્રસ્ટી વિવેક હિરાણીએ તમામ રમતવીરોને શુભકામનાઓ પાઠવી હતી.

આ આંતરકોલેજ રાઈફલ શુટીંગ સ્પર્ધામાં બોયઝમાં ચિરાગ વસાણી, ભરત ભીમાણી, પલરાજસિંહ પાલા, જયારે પિસ્તોલ સ્પર્ધામાં બોયઝમાં પ્રાજિત તરાતિયા, રાજુ રાઠોડ એમ અનુક્રમે ૧ થી ૫ નંબર ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાઈફલ સ્પર્ધા ગર્લ્સમાં કિંજલ પરમાર, ઘ્વનિ પરમાર જયારે પિસ્તોલ સ્પર્ધામાં (ગર્લ્સ)માં રીના પીઠીયા, ખુશ્વી વેકરીયા અનુક્રમે ૧ થી ૫ નંબર પર વિજેતાપદ પ્રાપ્ત કર્યું હતું. આ તમામ વિજેતાઓને ઉપસ્થિત મહેમાનોએ શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.