Abtak Media Google News

દોષિતને રાહત આપવી કે નહીં તે એક્ઝિક્યુટિવના વિશેષાધિકારને આધીન છે: મદ્રાસ હાઇકોર્ટ

મદ્રાસ હાઇકોર્ટની બેંચે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, કોઈ પણ અદાલતે આજીવન કેદની ફટકારેલી સજાનો અર્થ આજીવન જેલના સળિયા પાછળ રહેવું થાય છે. દોષિતને વચગાળાની રાહત આપવાનો નિર્ણય કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરીને જ થઈ શકે અને આ પ્રક્રિયા એક્ઝિક્યુટિવની વિશેષાધિકારને આધીન છે.

Advertisement

જસ્ટિસ એસ. વૈદ્યનાથન અને જી. જયચંદ્રનની ડિવિઝન બેન્ચે ગયા વર્ષે એક મહિલા દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું. જેમાં કોર્ટને રાજ્ય સરકારને તેના પતિને વચગાળાની રાહત આપવા પર વિચાર કરવા આદેશ આપવા જણાવાયું હતું, જે છેલ્લા ૧૭ વર્ષથી જેલમાં છે.

મહિલાના પતિને એડિશનલ સેશન્સ જજ દ્વારા વર્ષ ૧૯૯૯ માં પાંચ રિમાન્ડ કેદીઓની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા આપવામાં આવી હતી. જોકે સેશન્સ કોર્ટે આદેશ આપ્યો હતો કે, સજા સળંગ ચાલવી જોઈએ. હાઇકોર્ટે પાછળથી તેને સમવર્તી સજામાં ઘટાડી દોષિત એક જ સમયે તમામ સજા એકસાથે આપી શકે છે તેવી છૂટછાટ આપી હતી.

મહિલાએ દાવો કર્યો હતો કે, તેના પતિએ ૧૭ વર્ષથી વધુ જેલની સજા ભોગવી છે, તે ૨૦૧૮ માં પસાર કરાયેલ ગો હેઠળ વચગાળાની મુક્તિ માટે હકદાર છે. ઉલ્લેખનીય છે કે, ગો હેઠળ આજીવન કેદની સજાના આરોપી ૧૦ વર્ષ સુધીની સજા કાપ્યા બાદ અમુક શરતોને આધીન રહી વચગાળાની રાહત માટે અપીલ કરી શકે છે.

જો કે સરકારી વકીલે દલીલ કરી હતી કે, મૂર્તિ વચગાળાની રાહત માટે હકદાર નથી. સરકારી વકીલે ઉમેર્યું હતું કે, જેલ સત્તાધીશોએ દોષિતની વિનંતીને ધ્યાનમાં લેવા માટે સલાહકાર બોર્ડની રચના કરવાની પ્રક્રિયા શરૂ કરી છે પરંતુ મહામારીને કારણે પ્રક્રિયામાં વિલંબ થયો છે.

સરકારને પ્રક્રિયા ઝડપી બનાવવાની સૂચના આપતા ન્યાયાધીશોએ અરજીનો નિકાલ કર્યો હતો.  બેન્ચે સરકારને સલાહકાર બોર્ડ સમક્ષ એવી જ વિનંતી કરવા માટે પણ કહ્યું હતું, જે અન્ય એક મહિલા દ્વારા કરવામાં આવી હતી, જેના પતિ થંગારાજ ૨૨ વર્ષથી જેલમાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.