Abtak Media Google News

ગુજરાત લાયન્સના એન્ડ્રુ ટાયે પૂણે સામે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સેમ્યુઅલ બદ્રીએ મુંબઇ સામે હેટ્રીક ઝડપી ઇતિહાસ રચ્યો: ખંઢેરીમાં ફટકાબાજીથી ચાહકો ખુશ

ઇન્ડિયન પ્રિમિયર લીગની દસમી સિઝનમાં ગઇકાલે ગુજરાત લાયન્સના મીડિયમ પેસર એન્ડ્રુ ટાયે પૂણે સામે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્પિનર સેમ્યુઅલ બદ્રીએ મુંબઇ સામે હેટ્રીક ઝડપતા આઇપીએલમાં નવો ઇતિહાસ સર્જાયો છે. એક જ દિવસમાં બે હેટ્રીકના ઐતિહાસિક બનાવથી આઇપીએલનો રંગ જામ્યો છે.

રાજકોટના ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગઇકાલે પૂણે સામેના મુકાબલામાં ગુજરાત લાયન્સ તરફથી રમતા એન્ડ્રુ ટાયે સૌથી ઓછા રનમાં પાંચ વિકેટ મેળવી હતી. તેણે પૂણેની ઇનિંગની આખરી ઓવરના પ્રથમ બોલ પર અંકિત શર્માને (રપ) મેક્કુલમના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. તે પછીના બોલ પર મનોજ તિવારી (૩૧)ને ઇશાન કિશનના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ત્રીજા બોલ પર શાર્દુલ ઠાકુર (૦)ને ક્લિનબોલ્ડ કરીને હેટ્રીક પુરી કરી હતી.

જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્પીનર સેમ્યુઅલ બદ્રીએ  મુંબઇ સામેની ઇનિંગની ત્રીજી ઓવરમાં બીજા બોલ પર પાર્થિવ પટેલ (૩)ને ગેઇલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આ પછીના બોલ પર મેક્લેનાધન (૦) મન્દીપસિંઘના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. જ્યારે ચોથા બોલ પર કેપ્ટન રોહિત શર્મા (૦)ને ક્લિન બોલ્ડ કર્યો હતો. યોગાનુ યોગ બદ્રીએ પણ તેની હેટ્રીકની આખરી વિકેટ ક્લિનબોલ્ડ કરીને ઝડપી હતી. બદ્રીની હેટ્રીકના પરિણામે મુંબઇનો સ્કોર ૭/૪ થઇ ગયો હતો.

ગઇકાલની રાજકોટ ખાતેની મેચમાં લોકલ બોય રવિન્દ્ર જાડેજાએ મહેન્દ્રસિંઘ ધોનીને માત્ર પાંચ રને જ આઉટ કરી દેતા હજારો ચાહકો નિરાશ થઇ ગયા હતા. ગુજરાત લાયન્સના ફેન્સમાં પણ નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. ભલે હોમગ્રાઉન્ડ ગુજરાતનું હોય પરંતુ ગુજરાત પૂણે વચ્ચેના મુકાબલામાં ધોનીના ચાહકો વધુ હતા. ધોની સહિતના ખેલાડીઓની ફટકાબાજીની સૌ ક્રિકેટ રસિયાઓને આતુરતા હતી. અલબત, ફટકાબાજીની જગ્યાએ હેટ્રીક વધુ દિલધડક રહી હતી. બીજી તરફ ગુજરાત તરફથી સ્મિથ, મેક્કુલમ, રૈના તથા પૂણે તરફથી સ્મિથ, ત્રિપાઠી તથા તિવારીની ફટકાબાજીથી રાજકોટના ક્રિકેટ રસિકોના પૈસા વસૂલ થઇ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.