Abtak Media Google News

પોલીસ યુનિફોર્મમાં ખાસ યુનિટ લગાવી રીઢા ગુનેગારને ભીડમાં પણ સરળતાથી ઓળખી લેશે: સીસ્ટમનો સૌપ્રથમ રાજકોટમાં ઉપયોગ થશે

શહેર પોલીસ મેળાવડામાં બનતા ગુના અટકાવવા અને તેમા રહેલા શકમંદ આરોપીને શોધી કાઢવા માટે નવતર પધ્ધતરી અપનાવવા જઈ રહી છે. સુરક્ષા પ્રણાલીમાં અવ્વલ રહેલા ઈઝરાયલમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તે ઈન્ટેલીઝન્ટ પેટ્રોલીંગ સીસ્ટમનો ભારતમાં સૌપ્રથમ રાજકોટના લોકમેળામાં ઉપયોગ કરવામાં આવનાર હોવાનું પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રથમ વિદેશયાત્રાની એકમાત્ર ઉપલબ્ધી સ્વરૂપ ઈઝરાયલ પાસેથી આ પધ્ધતિ મેળવવામાં આવી છે.

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું કે ગુજરાત રાજયના મુખ્યમંત્રી થોડા સમય પહેલા ગુજરાતના અધિકારીઓની ટીમ સાથે ઈઝરાયલ દેશની મુલાકાતે ગયા હતા જેમાં સુરક્ષા અને સલામતી માટે અલગ અલગ આધુનિક ટેકનોલોજીની ઉપયાગેતા બાબતે જાણકારી મેળવી હતી.

પ્રવાસથી પરત આવ્યા બાદ મુખ્યમંત્રીએ એક એવી ટેકનોલોજીનું ગુજરાત રાજયમાં અમલીકરણ કરવા નક્કી કર્યું કે જેનાથી લોકોની સુરક્ષા-સલામતી વધુ સુદ્રઢ બને. આ માટે ઈન્ટેલીજન્ટ પેટ્રોલીંગ સીસ્ટમ કે જે દ્વારા પોલીસ પેટ્રોલીંગ વધુ અસરકારક બની રહે રાજકોટ શહેરના જન્માષ્ટમી મેળામાં તેનો પ્રાયોગીક ધોરણે અમલ કરવા નકકી કરવામાં આવ્યું છે.

અગ્રવાલે જણાવ્યું કે આ ઈન્ટેલીજન્ટ પેટ્રોલીંગ સીસ્ટમમાં આરોપીઓના ફોટોગ્રાફસ અને અવાજનો નમુનો લગાવેલ હોય છે. પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ અધિકારી પોતાના ગણવેશ પર ઈન્ટેલીજન્ટ પેટ્રોલીંગ યુનિટને લગાવે છે તે કેમેરા ઘણી મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોની ભીડમાં પણ તેની રેન્જમાં ગુનેગારોના ચહેરાની સહેલાઈથી ઓળખ કરી ક્ધટ્રોલ રૂમ પર તેનો સંદેશો મોકલે છે.

ક્ધટ્રોલ રૂમ ખાતેના અધિકારી કોઈ આરોપી સાથે ચહેરો મેચ થતા તુરંત જ પેટ્રોલીંગ કરી રહેલા અધિકારીને સતર્ક કરી સંદિગ્ધ વ્યક્તિ વિશે જણાવતા પોલીસ અધિકારી તે સંદિગ્ધની પુછપરછ કરશે. ઈન્ટેલીજન્ટ પેટ્રોલીંગ યુનિટ ફીડ કરેલા ડેટા દ્વારા સંદિગ્ધ વ્યક્તિનો અવાજ ઓળખીને તે ગુનેગાર વ્યક્તિને મળતો હોવાનું ચોક્કસ કરશે. જેના કારણે પોલીસ અધિકારી તાત્કાલીક એ આરોપીની ધરપકડ કરી શકશે.

આ અત્યાધુનિક ઈઝરાયેલી ટેકનોલોજીના “ઈન્ટેલીજન્ટ પેટ્રોલીંગ સીસ્ટમના પ્રયોગ દ્વારા માનવીય મર્યાદાઓ ઘટાડો કરી ભીડમાં પેટ્રોલીંગ દરમ્યાન જાણીતા ગુનેગારો હીસ્ટ્રીશીટર, નાશતા ફરતા આરોપીઓ સહેલાઈથી ઓળખી શકાશે અને તે પણ કોઈ પણ જાતનો વેષ પલ્ટશે કર્યો હોય તેમ છતાં આ ટેકનોલોજીની મદદથી ગુનેગારોની સીસ્ટમ દ્વારા જ ઓળખ કરી પોલીસ અધિકારીને એલર્ટ કરાશે.

પોલીસ પાસે આવા આરોપીની જાણકારી ન હોય તો પણ સીસ્ટમ પોલીસને આવા ગુનેગારોની શકમંદોની પુરેપુરી માહિતી આપશે. આ ટેકનોલોજીની મદદથી ભીડમાં ગુનેગારોની/શકમંદોની ઓળખ શરળ બનશે અને પેટ્રોલીંગને અસરકારક બનાવશે. આમ આ ટેકનોલોજીનો ઉપયોગ નાગરિકોને સલામતી અને સુરક્ષા પુરી પાડવામાં મદદરૂપ નીવડશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.