Abtak Media Google News
  • શહેરમાં ધમધમતા આશરે 300 સ્પા પૈકી અડધો અડધમાં લોહીનો વેપાર!!

રંગીલા રાજકોટમાં હવે દુષણો પણ ઝડપથી વધી રહ્યા છે. દારૂ-જુગાર જેવી બદ્દીને ડામવા દોડતી પોલીસે હવે ક્યાંક દેહ વિક્રયના ગોરખધંધા તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. શહેરમાં સ્પાના ઓઠા હેઠળ વધતા જતાં દેહ વિક્રયના કાળા કારોબાર પર લગામ લગાવવાની અત્યંત જરૂરિયાત ઉભી થઇ છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, શહેરમાં દિન પ્રતિદિન સ્પાની સંખ્યા વધી રહી છે અને તેમાં પણ મસાજના નામે આપવામાં આવતું ‘સર્વિસ’નું દુષણ ખુબ ઝડપથી વધી રહ્યું છે ત્યારે શહેરમાં વધતા જતાં દેહ વિક્રયના દુષણને ડામવા પોલીસે ઠોસ પગલાં લેવાની જરૂરિયાત ઉભી થઇ છે.

પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેરમાં એક આંકડા અનુસાર 300થી વધુ સ્પા પાર્લર ધમધમી રહ્યા છે. હવે તમામ સ્પામાં દેહ વિક્રયનો કાળો કારોબાર કરવામાં આવે છે તેવું જરા પણ નથી પરંતુ અડધો અડધ સ્પા પાર્લરમાં ‘સર્વિસ’ના નામે કંઈક જુદું જ પીરસવામાં આવે છે. સ્પા પાર્લરમાં મુંબઈ, દિલ્લી, બંગાળથી રૂપલલનાઓ બોલાવીને આ કાળો કારોબાર ચલાવવામાં આવે છે અને આવા ગોરખધંધા ચલાવતા ઈસમોને સહેજ પણ કોઈનો ભય ન હોય તેવી રીતે કોલિંગ મારફત ‘નોતરું’ આપીને લોકોને આકર્ષવામાં આવે છે.

મળતી માહિતી મુજબ શહેરના અનેક સ્પામાં તો ક્યાંક ‘રક્ષકો’ની જ મિલીભગત, મીઠી નજર અથવા સાંઠગાંઠ હોય સ્પા સંચાલકોને ખાખીનો પણ ખોફ હોતો નથી. તેવામાં છેલ્લા લાંબા સમયથી કોઈ જ ચેકીંગ ડ્રાઇવ કે ઝુંબેશ પણ હાથ નહિ ધરાતા આવા તત્વો બેફામ બની રહ્યા છે. અગાઉ ક્રાઇમ બ્રાન્ચ સહીતની મહત્વની બ્રાન્ચો દ્વારા અવાર નવાર ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય જેના પરિણામે સ્પા સંચાલકોમાં અમુક અંશે ખાખીનો ભય જોવા મળતો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી આવી કોઈ નક્કર કાર્યવાહી નહિ થતાં સ્પાના ઓઠા હેઠળ દેહ વિક્રયના ધંધા ચલાવતા તત્વો ખુલ્લેઆમ ગોરખધંધા ચલાવી રહ્યા છે.

‘સંત’ના નામવાળી બહુમાળી ઇમારતમાં ચેકીંગ હાથ ધરવામાં આવે તો કાળા કારોબારનો થઇ શકે છે ભાંડાફોડ

એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ‘સંત’ના નામવાળી એક બહુમાળી ઇમારતમાં જો ચેકીંગ હાથ ધરવામાં આવે તો દેહ વિક્રયના કાળા કારોબારનો ભાંડો ફૂટી શકે તેમ છે. આ સ્પા પર તો ભૂતકાળમાં અનેક દેહ વિક્રયના ગુન્હા દાખલ કરવામાં આવેલા છે પરંતુ બે અલગ અલગ નામ ધરાવતો સ્પા સંચાલક જાણે સુધરવાનું નામ સુધા જ ન લેતો હોય તેવી રીતે સતત કાળો કારોબાર ચલાવવામાં આવે છે. અધૂરામાં પૂરું હવે તો આ સ્પા સંચાલકે શહેરના અત્યંત મોંઘા અને હાર્દ સમાન માર્ગ પર એક ક્રિકેટરના નામની હોટેલની આસપાસ પણ અન્ય એક બ્રાન્ચ શરૂ કરી કાળા કારોબારને વિસ્તાર આપી દીધો છે.

એક સ્પામાં દિવસે ગોરખધંધા અને રાત્રે દારૂની રેલમછેલ!!

શહેરમાં ‘મહિલાઓ’ના નામ પર આપવામાં આવેલા એક ચોકથી અત્યંત નજીક ધમધમતા એક સ્પામાં દિવસભર તો દેહ વેપારનો કાળો કારોબાર કરવામાં આવે જ છે પણ રાત્રીના સમયમાં દરરોજ દારૂ-બિયરની પાર્ટીઓ પણ કરવામાં આવે છે. આ પાર્ટીમાં સ્પા સંચાલકથી માંડી મહિલા સ્ટાફ અને આમંત્રિત મહેમાનો પણ ઘણીવાર હાજર રહેતા હોય છે. ત્યારે પોલીસ જો સુવ્યવસ્થિત ચેકીંગ હાથ ધરે તો દેહ વ્યાપારનો ભાંડો તો ફૂટી જ શકે છે સાથોસાથ નશીલા પદાર્થનો જથ્થો પણ ઝડપાઈ શકે છે.

એક જગ્યાએ ચેકીંગ આવે તો વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ નાખી તાત્કાલિક અન્યોને એલર્ટ કરી દેવાય છે!!?

મળતી માહિતી મુજબ સ્પાના નામે ગોરખધંધા ચલાવતા ઈસમોએ ખાસ એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે. જે ગ્રુપનો ઉપયોગ મુખ્યત્વે પોલીસથી બચવા માટે કરવામાં આવે છે. જો એક સ્પામાં પોલીસનું ચેકીંગ કે રેઇડ આવે તો તાત્કાલિક સ્પા સંચાલક દ્વારા વોટ્સઅપ ગ્રુપમાં વોઇસ નોટ કે મેસેજ મૂકીને અન્યોને એલર્ટ કરી દેવામાં આવે છે. જો આ આખુ કારસ્તાન ઝડપી લેવું હોય તો પોલીસે અલગ અલગ ટીમો બનાવી એકસાથે મહા ચેકીંગ ઝુંબેશ હાથ ધરી દાખલો બેસાડવાની જરૂરિયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.