Abtak Media Google News

મહાનગરપાલિકા રાજ્ય સરકારના અનુદાનથી આશરે રૂા.200 કરોડના ખર્ચે શહેરનો સૌપ્રથમ ફલાય ઓવર બ્રીજ બનનાર છે ત્યારે આ પ્રોજેકટના ભાગરૂપે ઇન્દિરા માર્ગ ઉપરના સેન્ટ્રલ ડિવાઇડરો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Advertisement

જામનગરમાં ત્રણ સ્થળે રેલવે ઓવરબ્રીજનું નિર્માણ થયું છે અને એક નિર્માણ ચાલુ છે પરંતુ શહેરમાં અત્યાર સુધી કહેવાતા રાજકીય વિકાસ વીરોએ એકપણ ફલાય ઓવર બ્રીજનું નિર્માણ કર્યુ ન હોવાથી જામનગર માત્ર સરકારી રેકર્ડ ઉપર જ મહાનગર છે જ્યારે વાસ્તવમાં એક મોટા ગામડા જેવું અથવા મધ્યમ કદના શહેર જેવું સ્વરૂપ ધરાવે છે. પાંચ વર્ષ પહેલા મહાનગરપાલિકાએ શહેરના સૌપ્રથમ ફલાય ઓવર બ્રીજની યોજના તૈયાર કરી ત્યારે તેનો અંદાજીત ખર્ચ 105 કરોડ જેટલો હતો.

આ યોજના મંજુર થઇ અને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ (અનુદાન) ફાળવવામાં આવી અને તેને આધારે ફરી આખરી મંજુરી અપાઇ અને ટેન્ડર ફાઇનલ થયું ત્યાં સુધીમાં આ પ્રોજેકટની અંદાજીત કિંમત વધીને 199 કરોડે પહોંચી ગઇ છે. આખરે આ યોજનાની કામગીરી માટે પ્રાથમિક અને અનુસંગીક કાર્યવાહી તાજેતરમાં હાથ ધરવામાં આવી છે.

સાત રસ્તાથી વાલકેશ્ર્વરી તરફના માર્ગ ઉપરની કેનાલનો સ્લેબ ભરવાની કામગીરી શરૂ થઇ છે. ગઇકાલથી આ ફલાય ઓવર બ્રીજના રૂટમાં આવતા ગુરૂદ્વારા ચોકડીથી અંબર ચોકડી સુધીના રોડ ઉપરના સીમેન્ટ કોક્રીટના ડીવાઇડર તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ઇન્દીરા માર્ગ ઉપરથી ડીવાઇડર કાઢીને તેનો અન્ય માર્ગ પર ઉપયોગ

જામનગર મહાનગરપાલિકાની પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાના કાર્યપાલક ઇજનેરનો હવાલો સંભાળતા ભાવેશભાઇ જાનીનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સીસી ડીવાઇડર કાઢતી વખતે આશરે 10થી 12 ટકા જેટલું નુકશાન થશે જ્યારે બાકીનું 88 ટકા જેટલું મટીરીયલ શહેરના ટાઉન હોલથી લાલબંગલા સુધીના ગૌરવપથ તેમજ હિરજી મિસ્ત્રી રોડ પર ડીવાઇડરનું કામ કરવામાં ઉપયોગમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.