Abtak Media Google News

સમૃદ્ધ જીવન મલ્ટી પર્પઝ સોસાયટી નામની પેઢી શરૃ કરનાર આસામીઓએ દેશના નવ રાજ્યોમાં શાખા ખોલી નાગરિકોને રૂ.૨ હજાર કરોડ ઉપરાંતનો ધૂમ્બો માર્યો હતો જેની જામનગરમાં પણ ફરિયાદ થઈ હતી. આ ગુન્હામાં સીઆઈડી ક્રાઈમે મહારાષ્ટ્રના બે ડીરેકટરીઓની ધરપકડ કરી છે.

દેશના ગુજરાત સહિતના નવ રાજ્યોમાં સમૃદ્ધ જીવન મલ્ટી પર્પઝ સોસાયટી નામની પેઢી સ્થાપી તેના ડીરેકટરોએ લોભામણી સ્કીમો જાહેર કરી હતી. આ પેઢીને સૌરાષ્ટ્રના જામનગર સહિતના મોટાભાગના શહેરોમાં બ્રાંચ ખોલવામાં આવી હતી. આ શાખાઓમાં નોકરીએ રાખવામાં આવેલા વ્યક્તિઓ લોકોને જુદી જુદી આકર્ષક સ્કીમ બતાવી પૈસા મેળવી લેતા હતા.

ત્યાર પછી સૌરાષ્ટ્રમાં કેટલાક વ્યક્તિઓએ લાલચમાં આવી રૂ.૧ લાખથી રૂ.પ લાખની રકમ કંપનીની સ્કીમમાં રોકી હતી જેના કારણે અંદાજે રૂ.૪૪ કરોડ એકઠા થયા હતા તે રકમ ઉપરાંત દેશભરમાંથી અંદાજે રૂ.રર૦૦ હજાર કરોડ મેળવી લેવાયા હતા અને તમામ બ્રાંચને તાળા મારી તેના ડીરેકટરો ફરાર થઈ ગયા હતા.

આ બાબતની જામનગરમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ક્રાઈમ બ્રાંચે દસ શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી અને રાજ્યની સીઆઈડી ક્રાઈમે તપાસમાં ઝંપલાવી ડીરેકટરોના સગડ દબાવ્યા હતા જેમાં મહારાષ્ટ્ર રાજ્યના આ પેઢીના ડીરેકટર સુનિતા કિરણ થોરાટ તથા મહેન્દ્ર વસંત ગાડે સીઆઈડી ક્રાઈમના સકંજામાં આવી ગયા છે. તેઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.