Abtak Media Google News

રાજ્યના પાણી પુરવઠા અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે રાજ્યમાં આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ઘેરઘેર નળ યોજના દ્વારા પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. આજે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં કુલ રૂપિયા ૫ કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરતાં ઉપર મુજબ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. મંત્રીશ્રી કુંવરજીભાઇના હસ્તે રાણીંગપર ગામે રાણીંગપર બેડલા રોડ રૂ. ૩.૩૪ કરોડના ખર્ચે બનનાર રસ્તાનું  ખાતમુહૂર્ત અને  રૂપિયા ૧.૬૭ કરોડના ખર્ચે ભાડલા તથા આધીયા ગામના બે માઈનોર બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળિયા વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનો પણ અભિગમ છે કે આગામી પાંચ વર્ષમાં દેશમાં દરેકને ઘેર નળ દ્વારા પીવાનું પાણી પહોંચે તેમ છે. રાજ્ય સરકારે પીવાના પાણી માટે ચાલુ વર્ષના બજેટમાં ગત વર્ષના બજેટ કરતાં વધુ ૩૬ ટકા રકમ એટલે કે રૂ ૪૩૦૦ કરોડ ફાળવેલ છે. લોકોને પીવાનું પાણી નિયમિત મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી પુરવઠાની યોજનાઓ બનાવવા માટે બોર્ડની વાસ્મો યોજના માં ૧૦% લોકફાળો ભરીને લાભ લેવા જણાવ્યું છે. જે ગામોમાં અનુસુચિત જાતિની નિયમ મુજબ ની વસ્તી હશે ત્યાં દસ ટકા લોક ફાળો ભોગવવાનો નહીં પડે. તેમણે ખેતીનો વ્યવસાય કરતા ખેડૂત વર્ગને પૂરક અથવા સ્વતંત્ર વ્યવસાય તરીકે પશુપાલનને અપનાવવા અને પશુપાલન ખાતાની વિવિધ પ્રોત્સાહક યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સૌથી વધુ પાક વીમો રાજકોટ જિલ્લાને મળેલ છે અને તેમાં પણ જસદણ, વિછીયા તાલુકાને સૌથી વધુ લાભ મળેલ છે. મગફળીનો પાક વીમો ચૂકવાઈ ગયેલ છે અને કપાસનો પાક વીમો ટૂંકસમયમાં અપાશે. વધુમાં કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે હાલની પાક વીમા પદ્ધતિમાં બદલાવ લાવવા રજૂઆત કરેલ છે.

તેમણે આ તકે આ વિસ્તારના સિંચાઈ, રસ્તા, પાણી અને બ્રિજના હાથ ધરવામાં આવનાર વિકાસના કામોની રૂપરેખા આપી હતી. તેમજ તેમણે જે ગ્રામ વિસ્તારના ગરીબ અને નિરાધાર લોકો બીપીએલ યાદીમાં નામ નોંધવામાં બાકી હોય તેમને સમય મર્યાદામાં નામ નોંધણી કરવા અપીલ કરી હતી.

આ પ્રંસગે અગ્રણીશ્રી રાવજીભાઈ સરવૈયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી મગનભાઈ અને શ્રી ધીરુભાઈ રામાણીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.

આ પ્રંસગે સરપંચોમાં શ્રી ઠાકરશીભાઈ, રાજેશભાઈ અન્ય ગામોના સરપંચો, સહકારી મંડળીના પ્રમુખ શ્રી સોમાભાઈ આગેવાનોમાં વલ્લભાઇ નાકરાણી, સુરેશભાઈ, શાંતુભાઈ,મુના મહારાજ, પ્રતાપભાઈ, રામભાઈ વિનુભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.