જેતપુર: હુમલો અને લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો:સાતની ધરપકડ

કારખાનાના કર્મચારી પાસે લીફટ માંગી છરી ઝીંકી મોબાઈલ અને સોનાના ચેનની લૂંટ ચલાવી ‘તી

જેતપુરના સેલુકા ગામે રહેતા અને સીસીટીવી  કેમેરા રીપેરીંગ તથા ફીટીંગ કરવાનું તેમજ સાડી છાપકામની ડીઝાઇનની મશીન રીપેરીંગનું કામ કરતા યુવાન પાસે એક શખ્સે લીફ્ટ માંગી રસ્તમાં રોકી સાત જેટલા શખ્સોએ મોબાઈલ અને સોનાના ચેનની લુંટ ચાલવતા આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

સીટી પીઆઈ એ.આર. ગોહિલ અને એલસીબી પી.આઈ.  વી.બી. ઓડેદરા સહિતની ટીમને મળી સફળતા: રૂ 1.29 લાખનો મુદામાલ કબ્જે

મળતી વિગતો મુજબ સેલુકા ગામે રહેતા અને નેશનલ કોમ્પ્યુટર નામના કારખાનામાં કામ કરતા ચિરાગભાઈ કાંતિભાઈ રાદડિયા (ઉવ 38) ગત તા.05/07/2022 ના રોજ સાંજના આશરે સાડા ચારેક વાગ્યે ભાદરનાં સામાકાંઠે જેતપુરમાં આવેલ શ્રધ્ધા આર્ટ નામના કારખાનમાં ડીઝાઇન મશીન રીપેરીંગ કરવા માટે શેઠ સીકેશભાઇ નંદલાલ રાદડીયાનું બજાજ ડીસ્કવર મોટર સાયકલ લઇને ગયેલ અને ત્યાં મશીન રીપેરીંગ કરી સાંજના આશરે સાડા છ વાગ્યા આસપાસ નેશનલ કોમ્પ્યુટર નામના કારખાને જવા નીકળેલ તે વખતે રસ્તામાં ભાદરના નવા પુલ પાસે એક અજાણ્યા શખ્સે હાથથી ઇશારો કરી લીફટ માંગેલ જેથી ચિરાગે મોટર સાયકલ ઉભું રાખતા લાલ કલરની ટી-શર્ટ તથા પેન્ટ પહેરેલ આ શખ્સને ચિરાગે તમારે કયાં જાવુ છે તેમ પૂછ્યું હતું આ શખ્સે કહેલ કે હું આ વિસ્તારથી અજાણ છું નવો રહેવા આવ્યો છું મને થોડેક આગળ ઉતારી દેજો તેમ કહેતા ચિરાગે સ્કુટર આગળ ચલાવ્યું ત્યારે થોડેક આગળ જતા તેણે ચિરાગના પીઠના ભાગે છરી અડાડી કહેલું કે હું કહું તે બાજુ મોટર સાયકલ જવા દે નહીતર છરી મારી દઇશ તેમ કહી એક ગલીમાં લઇ ગયેલ અને થોડેક આગળ જતા ભાદરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સીઇટીપી પાણી નાં ફીલ્ટર પ્લાંટ નજીક મોટર સાયકલ ઉભી રાખવા કહેતા મોટર સાયકલ ઉભી રાખતા ત્યાં જગ્યા પર બીજા છ અજાણ્યા માણસો આવ્યા હતા અને  ધમકી આપી જે રૂપિયા છે તે કાઢી આપવા જણાવ્યું ચિરાગે મારી પાસે રૂપિયા નથી તેમ કહેતા,તે સાતે શખ્સોએ તારા શેઠ પાસેથી મંગાવી લે તેમ કહી ગાળો બોલી મોબાઇલ ફોન,ગળામાં પહેરેલ દોઢ તોલાની સોનાનો  ચેઇન સહિત રૂ 60000ની હુમલો કરી લુંટ ચલાવી હતી.

આ સાતેય શખ્સોમાં થી જેમાં ચાર શખ્સો એક સ્પ્લેન્ડર મોટર સાયકલ પર તેમજ અન્ય ત્રણ શખ્સો એક્ટીવા પર બેસી લુંટ ચલાવ્યા બાદ ચિરાગની પાછળ પાછળ સામા કાંઠે મેઇન રોડ સુધી આવ્યા અને  ત્યાંથી અલગ અલગ ગલીમાં જતા રહેલ ચિરાગે પીછો કરી સ્પ્લેન્ડર મોટર સાયકલના નંબર જોઇને લખી લીધેલ જેના રજી.નં. જીજે-03-બીસી-4486 હતા.આ અંગે ચિરાગે જેતપુર સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પી.આઈ એ.આર.ગોહિલ અને તેમની ટીમે વધુ તપાસ શરુ કરી હતી. સ્કૂટર નંબરના આધારે એક પછી એક સાતેય શખ્સોની ઓળખી લીધા હતા.જેતપુર દેરડીધાર આવાસ યોજના નજીક હોવાની પી.આઈ.એ.આર. ગાહિલ અને એલ.સીબી.ના પી.આઈ. વી.વી. ઓડેદરાને મળેલી બાતમીનાં આધારે  સ્ટાફે દરોડો પાડી જેતપરનો ઈકબાલ ભીખુશા સરવદી, ઈરફાન હુસેન બુખારી, ગોંડલ નવાજ ઉર્ફે લાંબુ ઈરફાન નુરા દોઢીયા, ઈનાયત રહેમાન કુરેશું,અમન યાસીન વલી , હસન કરીમ શેખ અને સુફીયાન ઉર્ફે જીદી મહેબુબ સવાણાની  ધરપકડ કરી લૂંટી લીધેલો સોનાનો  ચેન, છરી, સાત મોબાઈલ અને બે બાઈક મળી રૂ.1.29 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.