Abtak Media Google News

પંચાયતીરાજ થકી પાર્લામેન્ટ ફતેહ કરવાનો વ્યુહ

દમણમાં આજથી બે દિવસીય ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદ: કેન્દ્રીય પંચાયત મંત્રી ગિરિરાજસિંહ અને રાજય સરકારના પંચાયત મંત્રી બચુભાઇ ખાબડ સહિતનાની ઉપસ્થિતિ

અલગ અલગ રાજયોની વિધાનસભાની ચૂંટણી ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં જાજરમાન વિજય મેળવવા માટેના સોગઠા ગોઠવાશે

ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા આજથી બે દિવસ દમણની મુલાકાતે છે કેન્દ્ર સરકારના પંચાયત વિભાગ દ્વારા દમણ ખાત બે દિવસીય ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ ગુજરાત સહિત છ રાજયોના જિલ્લા પંચાયતના પ્રમુખો સાથે ચર્ચા કરશે. જેમાં પંચાયતી રાજના કામો ઉપરાંત લોકસભાની આગામી ચૂંટણી અંગે પણ વિસ્તૃત  ચર્ચાઓ કરવામાં આવશે બે દિવસમાં અલગ અલગ સાત સેશન યોજાશે.

લોકસભાની ચુંટણી પહેલા યોજાનારી અલગ અલગ રાજયોની વિધાનસભાની ચૂંટણી સત્તાના સેમીફાઇનલ જંગ સમાન છે. મઘ્યપ્રદેશમાં ગત વખતે ભાજપનો પરાજય થયો હતો જો કે પાછળથી જયોતિરાદિત્ય સિંધિયા સહિતના ધારાસભ્યોના પક્ષ પલ્ટાના કારણે એમપીમાં ભાજપની સરકાર બની હતી. મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ ખુબ જ તરલ છે. ગોવામાં ભાજપની સરકાર છે પણ પૂર્ણ બહુમત નથી. છતીસગઢમાં પણ સ્થિતિ સુધારવાની આવશ્યકતા છે. આવામાં આજથી દમણ ખાતે શરૂ થયેલી પંચાયતી રાજ પરિષદમા ભાજપ શાસીત છ રાજયોના જિલ્લા પંચાયતના પ્રમુખોને આમંત્રીત કરવામાં આવ્યા છે. તે ઘણી જ સુચક બાબત છે પંચાયતરાજ થકી ભાજપે પાર્લામેન્ટ ફતેહ કરવાની વ્યુહ રચના ઘડી છે. પાયાને મજબુત કરવામાં આવશે. જેથી લોકસભાની ચુંટણીમાં પક્ષે કોઇ મોટા પડકારનો સામનો કરવો ન પડે, સામાન્ય રીતે પંચાયતી રાજની ક્ષેત્રીય પરિષદમાં કેન્દ્રીય પંચાયત મંત્રી જ હાજર રહેતા હોય છે. પક્ષના રાષ્ટ્રીય  અઘ્યક્ષ હાજરી આપતા હોતા નથી. પરંતુ ભાજપના જે.પી. નડ્ડા આ પરિષદમાં બે દિવસ હાજર રહેશે. સાથો સાથ છ રાજયોમાં જિલ્લા પંચાયતના પ્રમુખો સાથે પણ બેઠક કરશે જે સાબિત કરે છે કે ભાજપે લોકસભા તથા અલગ અલગ વિધાનસભાની ચુંંટણીમાં જીત મેળવવા માટે તૈયારીઓ આરંભી દીધી છે.

કેન્દ્રમાં સતત ત્રીજી વખત પૂર્ણ બહુમત સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ પ્રેરિત એનડીએની સરકાર બને તે માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પુરજોશમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે દમણ ખાતે આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા તથા કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રી ગિરિરાજસિહની અઘ્યક્ષતામાં ક્ષેત્રીય પંચાયતીરાજ પરિષદની બે દિવસીય કોન્ફરન્સનો આરંભ થયો હતો આજે પ્રથમ દિવસે કોન્ફરન્સનું ઉદઘાટન સહિત ચાર સેશન યોજાશે દરમિયાન આવતીકાલે ત્રણ સેશન યોજાશે.

બે દિવસીય કોન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ, છતીસગઢ, દિવ-દમણ, દાદરાનગર હવેલી અને ગોવાના જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે ચર્ચાઓ કરશે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય રાજયોના મુખ્યમંત્રી પણ સામેલ થાય તેવી શકયતા પણ જણાય રહી છે. આજે સવારે આ કોન્ફરન્સનો આરંભ થઇ ચૂકયો છે. રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોધર પણ આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દમણ પહોંચી ગયા છે.

ગુજરાત ભાજપના 71 ધારાસભ્યો રાજસ્થાન 46 મઘ્યપ્રદેશ જશે

ગુજરાતના ભાજપના ધારાસભ્યોને સવિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં રાજસ્થાન અને મઘ્ય પ્રદેશ સહિતના રાજયોની વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. ભાજપના 71 ધારાસભ્યો રાજસ્થાનમાં જયારે 46 ધારાસભ્યો મઘ્યપ્રદેશમાં જશે. બન્ને રાજયોમાં અલગ અલગ વિધાનસભાની બેઠકોમાં સર્વે અને પ્રચાર સહિતની કામગીરીમાં જોડાશે ત્યારબાદ તેઓ હાઇકમાન્ડ સમક્ષપોતાનો રિપોર્ટ રજુ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.