આજથી દીપાવલી મહાપર્વનો ઉલ્લાસભેર પ્રારંભ

આજે રમા એકાદશીનું વ્રત કરવાથી પાપોનો ક્ષય થાય છે: લોકો ઘેર-ઘેર રંગોળી, તોરણ, દિવડાં પ્રગટાવી મહાપર્વ ઉજવશે

આજથી આસો વદ અગીયારસી ભાઈબીજ સુધીના સાત દિવસના મહાપર્વનો પ્રારંભ થશે. આસોવદ અગીયારસ તા.૨૪-૧૦-૧૯ના દિવસે રમા એકાદશી છે. રામ ભગવાન રાવણને મારી અને લંકા નગરીથી દશેરાના દિવસે પરત અયોધ્યા જવા નીકળે છે. ત્યારબાદ અયોધ્યાવાસીઓને રામ ભગવાનના પરત ફરવાના સમાચાર અને રાવણ ઉપર વિજય મેળવવાના સમાચાર અગીયારસના દિવસેથી મળે છે. આથી બધા જ લોકો ઘરે રંગોળી કરી અને સાત દિવસનો દીપાવલી મહાપર્વ ઉત્સવ મનાવે છે. દિવાળીની સાથે દીપાવલી પર્વમાં ઘણા જ તહેવારોનું મહત્વ અલગ અલગ રીતે રહેલું છે.

રમા એકાદશીનું વ્રત કરવાથી પાપોનો ક્ષય થાય છે અને વૈકુંઠલોકની પ્રાપ્તી થાય. ઘરમાં કુટુંબમાં માન-સન્માનની પ્રાપ્તી થાય છે. આ દિવસે ઉપવાસ અથવા તો એકટાણુ રહી અને એકાદશીની કથાનું શ્રવણ કરવું જોઈએ.

અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારો પર્વ એટલે દીપાવલી, દિવાળી-નૂતન વર્ષ દરેકના જીવનમાં એક નવી આશાનું કિરણ ઉગે છે. દિવાળી એટલે જીવનના ચોપડાનું સરવૈયુ કાઢવાનો દિવસ. વેરઝેર, રાગ દ્વેષ, ઈર્ષા, જીવનમાંથી કટૂતા વગેરે દૂર કરી ભાઈચારો બનાવી રાખવાનું સૂચન કરે છે. દિવાળીના પાંચ દિવસ લોકો ભેગા મળી વેરઝેર ભુલી સાથે મનાવે છે. ત્યારે આજથી દીપાવલી પર્વનો શુભારંભ  થઈ રહ્યો છે. આજે એકાદશી ત્યારબાદ ક્રમશ: વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દીપાવલી, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભપાંચમ સુધી લોકો દિપોત્સવી ઉજવશે. ધનતેરસે લક્ષ્મી પૂજન તો દિવાળીએ ચોપડા પૂજન કરાશે. આ બંને દિવસ વેપારીઓ, ધંધાર્થીઓ પોતાના વેપાર-ધંધાના સ્થળે લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન કરશે. ધનતેરસે નવી ઈલેકટ્રીક વસ્તુઓ, વાહનો, સોનાની પણ ખરીદી કરવામાં આવતી હોય છે. ધનતેરસે ખરીદેલી વસ્તુઓ, કરેલા કાર્યો ફળદાયી ગણવામાં આવે છે.

ભારતીય પરંપરામાં દિવાળીનો તહેવાર સૌથી મોટો ગણવામાં આવે છે. ધર્મ-અધ્યાત્મની દ્રષ્ટિએ આ પર્વને સૌ કોઈ સુખ-સંપત્તિ-શાંતિ-સમૃદ્ધિ પ્રદાન કરનારું ગણી ઉજવે છે. દિવાળીનું મહત્વ જોઈએ તો જ્યાં લોકો સામૂહિક ‚પે પ્રકાશ પ્રગટાવે ત્યારે સવેડા સૌંદર્ય પ્રસરે છે. ઘેર-ઘેર દિવાઓની હારમાળા આપવા મનને પ્રકાશી ભરી દે છે. ત્યારે દિવાળી એટલે અંધકારી પ્રકાશ તરફ લઈ જતો પર્વ અને જીવનમાં નવી ઉર્મિનો સંચાર કરનારો પર્વ.