Abtak Media Google News

લોનના ચેકની ઝેરોક્ષ આપી પણ અસલી ચેક ન આપ્યો

જુનાગઢ વર્તમાન સમયમાં બેકીંગ તેમજ ફાઈનાન્સ ક્ષેત્રમાં નત નવા નિયમોના કારણે મધ્યમ વર્ગીય સજજનો કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે. જુનાગઢના એક સજજનની પાસ થયેલી લોન દસ્તાવેજ થયા બાદ ફાઈનાન્સ કંપની લોનના ચેક ન આપતા તે કફોડી પરિસ્થિતિમાં મુકાવા પામ્યા છે.

તેમણે પોતાના સાથે ખોટુ થયાનો અહેસાસ થતા તેમના હાઈકોર્ટ એડવોકેટ જીતેન્દ્ર બી વાજા મારફત ડીએચએફએલ કંપનીના સીઈઓને કાયદાકિય નોટિસ ફટકારતા ડીએચએફએલની સ્થાનિક કચેરીથી લઈ વડી કચેરી અને કર્મચારીઓમાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર જુનાગઢ હાઈકોર્ટના એડવોકેટ જીતેન્દ્ર બી.વાજાએ ડીએચએફએલ કંપનીના સીઈઓને સંબોધી કાયદાકીય નોટીસ ફટકારવામાં આવી છે કે તેમના અસીલની મંજુર થયેલી ૧૪.૮૦ લાખથી વધુ રકમની લોન માટે ૬.૮૦ લાખના ચેકની ઝેરોક્ષ કોપી તેમના અસીલને આપવામાં આવી હતી.

આ ઝેરોક્ષના આધારે તેમના અસીલે દસ્તાવેજ કરી લીધેલ કંપની દ્વારા અગાઉ તેવી ખાતરી આપવામાં આવેલ કે દસ્તાવેજ જમા કરાવતાની સાથે જ તમામ રકમના કંપની દ્વારા ચેક ઈસ્યુ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આ લોનમાં નિયમ મુજબ દસ્તાવેજ જમા કરાવતા કંપની દ્વારા સીલસીલાબઘ્ધ ખોટા વાયદાઓ આપી લોન ધારકને દોડાદોડી કરાવી હતી.

આખરે તેમણે ન્યાય પાલિકાના શરણે જવાનું નકકી કરી હાઈકોર્ટના વિદ્ધાન ધારાશાસ્ત્રી જે.બી.વાજાની સલાહ લેતા તેમણે આઈપીસીની ધારા ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨ (બી) તેમજ કંપની એકટ મુજબ ડીએચએફએલ કંપનીના સીઈઓને ત્રણ દિવસમાં લોનની રકમ આપવા નહી તો ઉપરોકત ધારા મુજબ કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી હતી. ડીએચએફએલ સ્થાનિક વર્તુળોમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.

ડીએચએફએલની સ્થાનિક કચેરીઓના કર્મચારીઓને આ અંગે સવાલ પુછતા તેઓ રીતસર ગુમસુમ થઈ ગયા હતા. તેમજ તેઓને આ અંગે કોઈ જાણકારી ન હોય સાથે ઉપલા લેવલેથી અધિકારીઓની વાતચીત કરવાની સફળ મૌખિક સુચનાઓ અપાતી હોય આ અંગે તમામ ભેદી મૌન સેવી લીધું હતું. સામાપક્ષે ફરિયાદી દ્વારા નોટીસની મુદત પુરી થતાની સાથે જ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.