Abtak Media Google News

‘મારા રોઝા રહેવાનું પુણ્ય પણ ગુજરાત પોલીસને મળે..’ ઝમીલાબેને ઈચ્છા વ્યકત કરી: ગરીબ પરિવારને જૂનાગઢ પોલીસે અનાજ-કરિયાણાની કિટ અપાવી

જુનાગઢ શહેરમાં રહેતા કેન્સરગ્રસ્ત મહિલા ઝમીલાબેન વડોદિયાને કિમોથેરાપીનો અંતિમ ડોઝ અપાવવામાં જુનાગઢ પોલીસે સતત મહેનત કરી મદદરૂપ બની ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ એ સુત્ર સાર્થક કર્યું છે.

જૂનાગઢ શહેરના સુખનાથ ચીક વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને જીવન ગુજારતા ઝમીલાબેન નુરમામદ વડોદિયા રહે. મેમણ વાડા, મસ્જિદ પાસે, જુનાગઢએ પોતાના પુત્ર અને પતિ નૂરમામદ સાથે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, હાલમાં લોક ડાઉનનું જાહેરનામું હોઇ, પોતાના પતિ નુરમામદ મજૂરી કરે છે તેમજ છોકરો માંગનાથ રોડ ઉપર દુકાનમાં કામ કરે છે, પરંતુ હાલમાં લોક ડાઉન ચાલુ હોઇ, પોતાને ખાવાના પણ સાંસા હોવાનું જણાવી, પોતાને કેન્સરની બીમારી છે અને જેની સારવાર સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ચાલે છે. પોતે કેન્સરની સારવાર અનુસંધાને ચાર જેટલા કિમો થેરાપીના શેક લીધેલા હોય અને હવે એક જ શેક બાકી છે. પોતાને કિમોથેરાપીનો શેક લેવા માટે અમદાવાદ જવું જરૂરી છે અને વાહનોની અવાર જવર બંધ હોઈ, પોતાની પાસે કોઈ આર્થિક સગવડ પણ ન હોવાનું જણાવી, ગળગળા થઈ ગયેલ હતા. કેન્સરગ્રસ્ત મહિલાએ શક્ય હોય તો, પોતાને નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ રાજકોટ કે, જે તિરુપતિનગર નિર્મલા કોન્વેન્ટ સ્કુલની સામે આવેલ છે,  ત્યાં એક બાકી પાંચમો કિમોથેરાપીનો શેક લેવડાવી દેવામાં આવે તો, પોતે પોલીસ ખાતાની આભારી થશે તેવું જણાવેલ હતું. પોતાની પાસે માં અમૃતમ કાર્ડ હોય, જે નાથાલાલ પારેખ હોસ્પિટલમાં આપવામાં આવે તો, સારવાર મળી શકે તેમ હોવાનું જણાવી, પોતાને અહીંયા થી રાજકોટ પહોંચાડવાની સગવડ કરી આપવા વિનંતી કરી હતી.

જેથી જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા ઝમીલાબેન નુરમામદના માટે એક ઈકો ગાડીની સગવડ કરી આપી અને જુનાગઢ એસડીએમ જે.એમ. રાવલનો સંપર્ક કરી, કચેરી સાથે સંકલન કરી, મામલતદાર એચ.વી.ચૌહાણ,  નાયબ મામલતદાર કિરીટભાઈ સોલંકી,  અનિલભાઈ નંદાણીયા, પરમાર સહિતની ટીમ દ્વારા રાજકોટ સારવાર કરવા માટે પાસ પણ ઇસ્યુ કરવામાં આવેલ હતો.

બીજા દિવસે જમીલાબેન તેમજ ઈકો ગાડીના ડ્રાઈવર જાવીદભાઈ થૈમ અને ઝમિલાબેનનો દીકરો સારવાર કરવા માટે રાજકોટ ખાતે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ પહોંચ્યા હતા. કેન્સર હોસ્પિટલ ખાતે તપાસ કરતા, માં અમૃતમ કાર્ડ જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ચાલુ હોય, તેથી સારવાર માટે આશરે આઠથી દશ હજાર રૂપિયાની જરૂર પડશે, તેવું જણાવતા, ઝમીલાબેન મુંજાયેલા અને ફરીથી જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કરતા, તેઓએ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાને આ બાબતે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ ખાતે જઈને ઝમીલાબેનને સારવાર માટે મદદ કરવા જણાવતા, પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળા તથા સ્ટાફ દ્વારા નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલના ડોકટરને મળી, ઝમીલાબેન ની સારવાર માટે ભલામણ કરેલ તેમજ ઝમીલાબેનની સાથે આવેલ તેના દિકરા તથા ડ્રાઇવરની રહેવાની વ્યવસ્થા કરી અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેનું માં અમૃતમ કાર્ડ કેન્સલ કરાવી, નાથાલાલ પારેખ હોસ્પિટલ ખાતે ચાલુ કરાવી, ઝમીલાબેન કેન્સરની સારવાર કરાવવામાં આવેલ હતી.  ઝમીલાબેનને એક દિવસ હોસ્પિટલમાં એડમિટ કરી, કિમોથેરાપીનો શેક લેવડાવવામાં આવેલ હતો. હાલમાં રમઝાન માસ ચાલતો હોય, પોતે રોઝા રહેતા હોય, રોઝા રહેવાનું જે પુણ્ય મળશે, તે પુણ્ય પણ ગુજરાત પોલીસને મળે…!!! તેવી કેન્સર ગ્રસ્ત મહિલા ઝમીલાબેને ઈચ્છા વ્યક્ત કરી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા ઝમીલાબેનના પરિવારને અનાજ કરિયાણાની કીટની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક  સૌરભસિંઘ દ્વારા કેન્સર ગ્રસ્ત મહિલા દર્દીને કપરા સંજોગોમાં મદદ કરવાના કારણે , સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.