Abtak Media Google News

જીએસટી કાઉન્સિલ કમિટી દ્વારા કપાસની ખરીદી પર ઝીંકવામાં આવેલા ૫% દરનો ઉગ્ર વિરોધ: કાલ સુધીમાં નિર્ણય લેવા સરકારને અલ્ટીમેટમ

જીએસટી કાઉન્સિલ કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં કપાસની ખરીદી ઉપર પાંચ ટકા જીએસટી લાદવામાં આવ્યાં છે, જેનાં વિરોધમાં જિનર્સો હવે લડવાનાં મૂડમાં છે.

Advertisement

રાજકોટનાં પડધરી ખાતે સૌરાષ્ટ્ર જિનર્સ એસોસિએશની એક બેઠક મળી હતી, જેમાં ગુરૂવાર સુધીમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો સૌરાષ્ટ્રનાં તમામ જિનર્સો અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરશે તેવો નિર્ણય લેવાયો હતો.

સૌરાષ્ટ્ર જિનર્સ એસોસિએશનનાં પ્રમુખ ભરતભાઈ વાળાએ જણાવ્યું હતું કે પડધરી ખાતે સૌરાષ્ટ્ર જિનર્સ એસોસિએશની બેઠક મળી હતી, જેમાં નક્કી કર્યાં મુજબ જો સરકાર દ્વારા ગુરૂવાર સુધીમાં અનરજિસ્ટર્ડ ડિલર પાસેથી કપાસની ખરીદી ઉપરનો પાંચ ટકા જીએસટી રદ કરવામાં નહીં આવે તો તમામ જિનર્સ હડતાળ ઉપર ઉતરશે.

જીએસટીને કારણે નાણાનું રોકાણ વધારે થાય અને સરકાર જિનર્સની મુશ્કેલી સમજી શકતું નથી તો અમે હડતાળ ઉપર ઉતરીશું.  તેમણે વધુમાં કહ્યું કે જો જિનર્સ દ્વારા કપાસની ખરીદી બંધ કરવામાં આવશે તો માર્કેટિંગ યાર્ડમાં પણ કપાસનું વેચાણ બંધ થશે અને ખેડૂતોને પણ હાલાકી ભોગવવાનો વારો આવશે.

ઉલ્લેખનીય છેકે સરકાર દ્વારા કપાસની ખરીદી ઉપર પાંચ ટકા જીએસટી લાદવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાં સંદર્ભમાં જે જિનર્સ જીએસટી હેઠળ રજિસ્ટર્ડ ન હોય એની પાસેથી કપાસ ખરીદે તો પાંચ ટકા જીએસટી રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ભરવાનો રહેશે.  હવે જિનર્સ ખેડૂતો પાસેથી કપાસ ખરીદે છે અને ખેડૂતો રજિસ્ટર્ડ ન હોવાથી જિનર્સનાં પૈસા રોકાય છે.  તાજેતરમાં આ સંદર્ભમાં સૌરાષ્ટ્ર-ગુજરાતનાં તમામ જિનર્સો અમદાવાદ ખાતે જીએસટી અધિકારીને મળ્યાં હતાં, પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહોંતો.  ખાસ કરીને નિકાસકારોને મોટો માર પડતો હોવાથી તેમણે વિરોધ નોંધાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.