Abtak Media Google News

કાલાવડ તાલુકામા આવેલી એક હોટેલમાં ત્રણ કહેવાતા પત્રકારોએ પહોચી, ફૂડ લાયસન્સ માંગી, ધાક ધમકી આપતા મામલો પોલીસ દફતરે પહોચ્યો છે. પોલીસે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે મામલો વીસ દિવસ પૂર્વેનો છે. ત્રણ પૈકીના એક શખ્સને મફતમાં જમવાનું આપવાની ના પાડતા આ કથિત પત્રકારોએ ધમકી આપી હતી.

રેસ્ટોરન્ટમાં જમી બીલ ચુકવવાના  બદલે ત્રણ શખ્સોએ ફુડ લાયસન્સ માંગી
મોબાઈલમાં રેકોડીંગ કરી રોફ જમાવ્યો

કાલાવડ તાલુકા મથકે જામનગર રોડ પર ચાર ભાગીદારોએ ક્રિષ્ના રેસ્ટોરન્ટ નામ ની ખાણી પીણીની હોટલ શરૂ કરી વ્યવસાય શરુ કર્યો હતો. ગત તા.3-9-2023ના રોજ હોટેલ સંભાળતા ભાગીદાર નીલેશભાઇ પોતાની હોટેલ પર હતા ત્યારે એક શખ્સ જમવા માટે આવ્યો હતો. હોટેલના નિયમ મુજબ પ્રથમ ટોકન લીધા બાદ થાળી પીરસવામાં આવે છે. આ શખ્સો ટોકન લીધા વિના જ જમવા બેસી ગયો હતો, જેને લઈને નીલેશભાઈએ તેઓને ટોકન લેવાનું કહ્યું હતું.હોટેલ સંચાલકના કહેવાથી શખ્સ ઉસ્કેરાઈ ગયો હતો અને કેવા લાગ્યો કે, તું મને ઓળખે છે? મારું નામ પ્રકાસ બસીયા છે.

પ્રેસ રિપોર્ટર છું. મારી પાસેથી રૂપિયા કેમ મંગાય? હવે તું જો તારી હોટેલ કઈ રીતે ચાલે છે?તેમ કહી જે તે સમયે આ શખ્સ ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ગઈકાલે આ શખ્સ પ્રકાશભાઇ બસીયા, ધર્મેશ  ગોહેલ તથા હરસુખ ગોહેલ નામ ના શખ્સ હોટેલ પર આવ્યા હતા. આ ત્રણેય શખ્સોએ પોતાનુ પ્રેસ રીપોર્ટર તરીકેનું આઇકાર્ડ બતાવી, મોબાઈલ રેકોર્ડીંગ શરુ કર્યું હતું અને નીલેશભાઈ પાસે ફુડનુ લાઇસન્સ માંગી, તુ પત્રકારો પાસે જમવાના પૈસા માંગે છે?

તારી હિમંત કેવી રીતે થઇ? તેમ કહીને ત્રણેય આરોપીઓ ભુંડી ગાળો આપી અપશબ્દો બોલ્યા હતા અને તુ હવે બહાર નીકળ એટલે લોખંડનુ બખ્તર પહેરીને નીકળજે. બાકી તારા હાથ પગ ભાંગી નાખવા છે. હજી પણ વધુ હવા કરીશ તો જાનથી પણ હાથ ધોઇ બેસીશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ત્રણેય શખ્સો હોટેલ પરથી નાશી ગયા હતા. આ બનાવ અંગે નીલેશભાઈએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.