Abtak Media Google News

મિસા એકટ હેઠળ ઈર્મરજન્સીમાં જેલમાં ધકેલાયેલા ૨૬૦૪ ‘લોકતંત્ર સેનાની’ને શિવરાજ સરકારે શરૂ કરેલું ૨૫ હજાર રૂ.ના પેન્શન અટકાવવાનો નિર્ણય કરતી કમલનાથ સરકાર

એક સમયે પૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દીરા ગાંધીના ત્રીજા પુત્ર સમાન ગણાતા અને સ્વ. સંજય ગાંધીના એકદમ નજીકના મનાતા કમલનાથે તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સત્તાના સુત્રો સંભાળ્યા છે. અગાઉની શિવરાજસિંહ સરકાર દ્વારા ઈર્મરજન્સી દરમ્યાન જેલમાં પૂરાયેલા ૨૫૦૦ જેટલા લોકતંત્ર સેનાનીઓને અપાતુ ૨૫ હજાર રૂ.નું પેન્શન બંધ કરવાનો કમલનાથે નિર્ણય કર્યો છે. આ પેન્શન અટકાવવા પાછળ કમલનાથ સરકારે યોગ્ય તપાસ કરીને નવી પ્રક્રિયાને હાથ ધરવાની વાતને કારણભૂત ગણાવી હતી.

મધ્યપ્રદેશની અગાઉની શિવરાજસિંહ સરકારે ૨૦૦૮માં ઈન્દીરા સરકાર દ્વારા ૧૯૭૪માં જાહેર કરાયેલી ઈર્મરજન્સી દરમ્યાન મિસા અને ભારતીય સુરક્ષા કાયદા હેઠળ જેલમાં પૂરાયેલા આગેવાનોને પેન્શન આપવાની શરૂઆત કરી હતી. જેમાં ૨૬૦૪ પીડીતોને ‘લોકતંત્ર સેનાની’ ગણાવીને દર માસે ૨૫ હજાર રૂ.નું પેન્શન ચૂકવવાની યોજના બનાવાય હતી આ યોજના છેલ્લા ૧૦ વર્ષથી મધ્યપ્રદેશમાં ચાલી રહી હતી.

૨૯મી ડીસેમ્બરે મધ્યપ્રદેશની સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને દરેક કલેકટર તંત્રને મોકલી આપ્યો છે. આ પરિપત્રમાં જણાવાયું છે કે આર્થિક તંગીને નિવારીને ‘લોકતંત્ર સેનાની સન્માન નિધિ’ માટે યોગ્ય નાણાંકીય વ્યવસ્થા કરવા સરકાર વિચારી રહી છે. આ માટે વિધાનસભામાં ખરડો લાવવા વિચારી રહી છે. જે દ્વારા આ લોકતંત્ર સેનાનીને સુવ્યવસ્થિત, પારદર્શકતાપૂર્વક અને સાચો લાભ મળી શકે. આ નવો નિર્ણય ન આવે ત્યાં સુધી આ પેન્શન અટકાવી રાખવાની સૂચના આ પરિપત્રમાં આપી છે.

આ અંગે કોંગ્રેસના પ્રવકતા નરેન્દ્ર સલુજાએ જણાવ્યું હતુ કે લોકતંત્ર સેનાનીનું પેન્શન બંધ નથી કરી દેવાયું પરંતુ ખોટા લાભાર્થીઓને ઓળખી કાઢીને તેમને અપાતા લાભો બંધ કરવા આ નિર્ણય લેવાયો છે. આ અંગે કમલનાથ સરકારે દરેક જિલ્લા તિજોરી કચેરી અને બેંકને આ પેન્શનનું પેમેન્ટ સ્થગીત પર મૂકી દેવા હુકમ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ ૧૯૭૫મા ઈર્મરજન્સી જાહેર કરીને ૨૧ મહિના સુધી દેશમાં લોકતંત્રને ગળાટુંપો આપવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈર્મરજન્સી લગાવવાનો વિચાર તેમના પુત્ર સ્વ.સંજય ગાંધીનો હતો. જે દરમ્યાન દેશભરમાંથી વિરોધી પાર્ટીઓનાં હજારો નેતાઓ, પત્રકારોને મિસા હેઠળ જેલમાં પુરી દેવાયા હતા. મધ્યપ્રદેશમાં જેલમાં પુરાયેલાઓમાં મોટાભાગે ભાજપના નેતાઓ હતા જેમના લાભાર્થે શિવરાજ સરકારે આ પેન્શન યોજના બનાવી હતી. જેને સ્વ. સંજય ગાંધીના એક સમયના અતિ નજીકના ગણાતા કમલનાથે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.