Abtak Media Google News

પાટીદાર ફેકટર કરતા ખેડૂત ફેકટર મોટુ, કોઈ એક સમાજથી ચૂંટણી જીતી શકાતી નથી, મોહનભાઈએ ધારાસભ્ય તરીકે ૨૨ વર્ષમાં જેટલા પ્રશ્ન ન ઉઠાવ્યા તેટલા મેં ૧૨ મહિનામાં ઉઠાવ્યા: લલીત કગથરા

બુધવારે લલીતભાઈ કગથરા ઉમેદવારી ફોર્મ ભરશે: રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીત કગથરાએ પાટીદાર ફેકટર કરતા ખેડૂત ફેકટર મોટુ ગણાવી કહ્યું કે કોઈ એક સમાજથી ચૂંટણી જીતી શકાતી નથી. તમામ સમાજનો સાથ અને સહકાર ખૂબ જ‚રી છે. ભાજપના મોહનભાઈએ ધારાસભ્ય તરીકે ૨૨ વર્ષમાં જેટલા પ્રશ્ર્ન નથી ઉઠાવ્યા તેટલા પ્રશ્ર્ન મેં ૧૨ મહિનામાં ઉઠાવ્યા છે. ઉપરાંત લલીતભાઈ કગથરાએ જનપ્રતિનિધિ તરીકે સદાય જનતાની સાથે રહેવાનો કોલ પણ આપ્યો હતો.

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલીત કગથરા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વાકાંનેર ધારાસભ્ય પીરજાદા, મહેશ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, ભોળાભાઈ ગોહેલ, ગજેન્દ્રભાઈ રામાણી, વિનુભાઈ ધડુક, હરદેવસિંહ જાડેજા, સુરેશભાઈ બથવાર, નરેશભાઈ સાગઠીયા, અશોકસિંહ વાઘેલા, યોગેશભાઈ પટેલ અને વિરલભાઈ ભટ્ટે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે લલીતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે પોતાના ૨૨ વર્ષના શાસનમાં ટંકારાને બસ સ્ટેન્ડ અપાવ્યું નથી. જયારે મેં ૧૨ મહિનાના શાસનમાં બસ સ્ટેન્ડ માટે જગ્યા પણ મંજૂર કરાવી આપી છે.Dsc 8516

રાજકોટ જિલ્લામાં પાક વીમાના પ્રશ્નો, ખેત પેદાશોના ઓછા ભાવ, ખાતર અને બિયારણના વધારે ભાવ વગેરે પ્રશ્ર્નોથી ખેડૂતો ત્રસ્ત થયા છે. વધુમાં તેઓએ પાક વીમા અંગે જણાવ્યું હતું કે, પડધરી તાલુકામાં ૧૨૫ મીમીથી ઓછો વરસાદ પડયો હોવાથી ૧૦૦ ટકા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ વીમા કંપનીએ ઝીરો ટકા પાક વીમો પાસ કર્યો છે. આનાથી સાબીત થાય છે કે કાં તો વીમા કંપની ખોટી છે અથવા તો સરકાર ખોટી છે. વીમા કંપનીએ ક્રોપ કટીંગ કરાવ્યું તેના આંકડા સરકાર હજુ રજૂ કરતી નથી. સરકાર કપાસ માટે ૫૭ ટકા અને મગફળી માટે ૪૮ ટકા પ્રિમીયમ ભરે છે છતાં કેમ વીમા કંપનીની દલાલી કરે છે તે મોટો પ્રશ્ર્ન છે.

લલીતભાઈ કગથરાએ પોતાની જીતનો દાવો કરતા જણાવ્યું કે, ભાજપના મોહનભાઈ કુંડારીયા અને તેઓ ૨૦૦૨ની ધારાસભાની ચૂંટણી વખતે સામસામે આવ્યા હતા. ત્યારે ગોધરાકાંડ ગાંજયુ હોય કોંગ્રેસને મોટો ફટકો પડયો હતો તેમ છતાં તેવો માત્ર ૮૦૦૦ મતે જ હાર્યા હતા. મોહનભાઈએ ૨૨ વર્ષ ધારાસભ્ય તરીકે કાર્યરત રહ્યાં હતા. આ દરમિયાન તેઓએ જેટલા પ્રશ્ર્નો ઉઠાવ્યા છે તેનાથી વધુ મેં માત્ર ૧૨ મહિનામાં જ ઉઠાવ્યા છે.Dsc 8518

લલીતભાઈ કગથરાએ કહ્યું કે, કોંગ્રેસ શાસક પક્ષ તરીકે જયારે ભાજપ વિપક્ષ તરીકે ચાલે તેમ છે કોંગ્રેસમાં વિપક્ષના ગુણ નથી જયારે ભાજપમાં શાસકના ગુણ નથી. જેટલા સૈનિકો કોંગ્રેસના અત્યાર સુધીના લાંબા શાસનમાં શહિદો નથી થયાં તેનાથી વધુ ભાજપના માત્ર ૪.૫ વર્ષના શાસનમાં સૈનિકો શહિદ થયા છે. મુફતી સાથે સરકાર ચલાવનાર ભાજપ પક્ષ એક મિનિટ પણ દેશમાં રાજ કરવાનું અધિકાર ધરાવતું નથી. પાટીદાર ફેકટર અંગે લલીતભાઈએ કહ્યું કે, કોઈ એક સમાજથી ચૂંટણી જીતી શકાતી નથી. પાટીદાર ફેકટર કરતા ખેડૂત ફેકટર મોટુ છે. ખેડૂતો કોઈપણ સમાજના હોય શકે છે. દરેક સમાજને સાથે રાખીને હું ચાલવાનો છું.

વધુમાં લલીતભાઈ કગથરાએ જણાવ્યું કે, પડધરીમાં ખેડૂતો સરકારના અણધડ નિર્ણયથી ત્રસ્ત છે. જેથી ત્યાંના લોકો મને પુરો સાથ સહકાર આપવાના છે ઉપરાંત જસદણમાં પણ ભોળાભાઈ જાદવ, ગજેન્દ્રભાઈ રામાણી અને વિનુભાઈ ધડુક તેઓની સાથે છે. આ વિસ્તારમાં પણ લોકોનો પુરો સાથ સહકાર મળી રહ્યો છે. રાજકોટના લોકોને અપીલ છે કે, માત્ર ઉંચી આંગળી કરે તેવા પ્રતિનિધિની બદલે જે લોકો સાથે રહી લોકોના કામ કરે તેવા પ્રતિનિધિને મત આપવો.

અંતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, આગામી તા.૩ના રોજ ૯:૩૦ કલાકે બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા બાદ સરદાર વલ્લભભાઈ પટેલને હારતોરા કરીને લલીતભાઈ કગથરા ઉમેદવારી ફોર્મ ભરવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.