Abtak Media Google News

ખાળે ડૂચા અને દરવાજા મોકળા!!!

કાઉન્સિલ દ્વારા કુલ ૭ સભ્યોની કમિટીનું કરાયું ગઠન, નીતિનભાઈ પટેલની અધ્યક્ષ તરીકે નિમણુંક!!

હાલ દિનપ્રતિદિન ઓનલાઈન જુગાર રમવાનું ચલણ વધતું જઈ રહ્યું છે. ફિઝિકલ જુગારધામો ગેરકાયદેસર હોવાથી પોલીસને માહિતી મળતાની સાથે જ સંચાલક અને શકુનીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પરંતુ ઓનલાઈન ધમધમતા જુગાર, સટ્ટા સામે પોલીસ કંઈ કરી શકતી નથી અને મજબૂર બનીને મુક બધીર થઈ જોયા કરે છે. ઓનલાઈન જુગારધામો, કસીનો વિશ્વના એઓ છેડેથી બેસીને બીજા છેડામાં રમાડવામાં આવે છે તેમજ રમનાર શકુનીઓની ઓળખ પણ જાહેર કરવામાં આવતી નથી ત્યારે આ લોકોને કાયદાનો પાઠ ભણાવવો અસંભવ જેવું જ છે.

ત્યારે રાજ્યમાં એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે જેના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને બનાવવામાં આવ્યા છે. આ કમિટી ઓનલાઈન જુગાર, કસીનો અને રેસકોર્સ પાસેથી જીએસટી ટેક્સ વસુલવો કે કેમ ? તે અંગે વિચારણા કરીને નિર્ણય લેશે. જો ઓનલાઈન ધમધમતા જુગારધામો પાસે જીએસટી વસુલવામાં આવે તો તેને કાયદેસરતા મળી હોવાનું એકરીતે કહી શકાય છે. ત્યારે ફિઝીકલી રમતા ઘોડીપાસા, વર્લી ફીચર અને તીન પત્તિ પર લાલ આંખ અને ઓનલાઈન રમાતા મોટા જુગારને મંજૂરીની વાત ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી વાત છે.

ઓનલાઇન ગેમિંગ, રેસ કોર્સ અને કેસિનો દ્વારા આપવામાં આવતી સેવાઓનાં મૂલ્યાંકન માટે કાયદાકીય જોગવાઈઓમાં કોઈ ફેરફાર કરવો જરૂરી છે કે કેમ તે તપાસવા માટે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે મંત્રીઓનું એક કમીટીનું ગઠન કર્યું છે.

કાઉન્સિલે રાજ્ય સરકાર માટે ચાર મુદ્દા સંદર્ભની શરતો નિર્ધારિત કરી છે જેમાં હાલના કાનૂની જોગવાઈઓ અને અદાલતોના આદેશોથી સંબંધિત કેસિનોમાં અમુક વ્યવહારની કરપાત્રતાની તપાસ કરવામાં આવશે.

ચાર મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો આ સેવાઓનું મૂલ્યાંકન કરવા માટેના કોઈપણ વધુ સારા માધ્યમોને અપનાવવા કાનૂની જોગવાઈઓમાં કોઈ ફેરફાર કરવો જરૂરી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. જો ભલામણ કરવામાં આવે તો વૈકલ્પિક વેલ્યુએશન જોગવાઈઓના વહીવટની પણ સરકાર તપાસ કરશે. લોટરી જેવા જુગારના પ્રભાવની પણ સરકાર દ્વારા તપાસ કરવામાં આવશે.

સોમવારે જારી કરાયેલા મેમોરેન્ડમ મુજબ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતાવાળી સાત સભ્યોની કમિટી છ મહિનાની અંદર પોતાના અભિપ્રાય રજૂ કરશે.

સરકારના અન્ય સભ્યોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન ચૌહાણનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત તમિળનાડુ અને પશ્ચિમ બંગાળના નાણા પ્રધાનોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ગોવાના પરિવહન પ્રધાન અને કર્ણાટકના ગૃહ બાબતોના પ્રધાન પણ કમિટીનો ભાગ છે.

ઓનનલાઇન જુગાર પર કર લગાવવો કે કેમ તે વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. મહારાષ્ટ્ર ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ(એએઆર)ના ચુકાદા મુજબ, જીએસટી હેઠળ ઓનલાઇન માહિતી અને ડેટા આધારિત ઓઆઈડીએઆર સેવાઓ હેઠળ ઓનલાઇન જુગારને વર્ગીકૃત કરવામાં આવે છે. જો આ જુગાર ભારતની બહારથી ચલાવાતો હોય તો પણ કરપાત્ર છે. જો કે, ડ્રીમ ૧૧ જેવી તાજેતરની રમતો કે જે કાલ્પનિક રમતો ગેમિંગ સેવાઓ પ્રદાન કરે છે તે કુશળતા અથવા જુગારની રમત તરીકે લાયક છે કે કેમ તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

ઓનલાઇન ગેમિંગ પર જીએસટી લાગુ થવું, કૌશલ્યની રમતની સમાન રમતનું વર્ગીકરણ, કરપાત્ર મૂલ્ય કે જેના પર જીએસટી ચૂકવવાની જરૂર છે એટલે કે ઇનામની રકમ સહિતના કુલ મૂલ્ય પર કર લગાવવો કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવશે અને સરકાર તે બાદ પોતાનો નિર્ણય લેશે તેવું કેપીએમજીના ઇનડાયરેક્ટ ટેક્સ પાર્ટનર હરપ્રિતસિંઘે કહ્યું હતું.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, રેસકોર્સના કિસ્સામાં લેવામાં આવતી ફી પર ટેક્સ ચૂકવવામાં આવે ત્યારે તે મુજબ આગળનો નિર્ણય લેવામાં આવશે.

સાત સભ્યોની કમિટી ૬ મહિનામાં લેશે નિર્ણય

કુલ ૭ સભ્યોની કમિટી આ મુદ્દાની સ્પષ્ટતા બાબતે નીમવામાં આવી છે જે ચાર મુદ્દાઓની સમીક્ષા કરીને ૬ મહિનાની મુદ્દતમાં પોતાનો અભિપ્રાય રજૂ કરનાર છે. આ કમિટીના અધ્યક્ષસ્થાને રાજ્યના નાયબ પ્રધાન નીતિનભાઈ પટેલને રાખવામાં આવ્યા છે. જેથી ઓનલાઈન જુગાર, કસીનો અને રેસકોર્સને શું કાયદેસર કરીને ટેક્ષના દાયરામાં સમાવેશ કરવામાં આવશે કે કેમ? તેની નિર્ણય નીતિનભાઈ પટેલ કરનાર છે.

ચાર મુદ્દાઓનો અભ્યાસ કરી નિર્ણય લેશે કમિટી

કમિટી દ્વારા આ બાબતે કુલ ૪ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવનાર છે. રાજ્ય સરકાર માટે ચાર મુદ્દા સંદર્ભની શરતો નિર્ધારિત કરી છે જેમાં હાલના કાનૂની જોગવાઈઓ અને અદાલતોના આદેશોથી સંબંધિત કેસિનોમાં અમુક વ્યવહારની કરપાત્રતાની તપાસ કરવામાં આવશે. ચાર મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો આ સેવાઓનું મૂલ્યાંકન કરવા માટેના કોઈપણ વધુ સારા માધ્યમોને અપનાવવા કાનૂની જોગવાઈઓમાં કોઈ ફેરફાર કરવો જરૂરી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઓનલાઈન ધમધમી રહેલા જુગારધામોને કરના દાયરામાં લેવામાં આવશે કે કેમ? જો લેવામાં આવે તો ટેક્સના સ્લેબમાં ક્યાં ક્યાં માપદંડોને ધ્યાને લેવામાં આવશે? તે તમામ મુદ્દાઓ પર હાલના તબક્કે પ્રશ્નાર્થ ઉદ્ભવયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.