Abtak Media Google News

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તાલુકા દીઠ ૧ કૃષિ મહોત્સવના આયોજનને આખરી ઓપ અપાયો : કૃષિ મહોત્સવ સાથે પશુ આરોગ્ય મેળા પણ તાલુકા મથકે યોજાશે: મહોત્સવના સફળ અમલીકરણ માટે સંબંધિત જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સમિતિની રચના

ગુજરાતની કૃષિક્રાંતિની વિશ્વ ઓળખ સમાન કૃષિ મહોત્સવ-ર૦૧૯ની રાજ્યવ્યાપી શૃંખલા આગામી ૧૬  અને ૧૭ જૂન-ર૦૧૯ના દિવસો દરમ્યાન યોજાશે.

આ વર્ષે કૃષિ મહોત્સવ રાજ્યના ૩૩ જિલ્લામાં તાલુકા દીઠ ૧ સ્થળે યોજવાના આયોજનને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ વર્ષ ર૦૦૪થી તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના ધરતીપુત્રોને આધુનિક કૃષિ તરફ પ્રેરિત કરવા શરૂ કરાવેલી કૃષિ મહોત્સવની આ ૧૫ મી કડીના વ્યાપક આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું.

કૃષિ મહોત્સવ-ર૦૧૯ તહેત આધુનિક કૃષિ તાંત્રિકતાઓ, જળ સંચય અને જળ સિંચન થકી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, કૃષિ યાંત્રિકીકરણ થકી ઓછા ખર્ચે સમયસરના ખેતી કાર્યો, સંકલિત પોષણ વ્યવસ્થા થકી જમીનની તંદુરસ્તીની જાળવણી, કૃષિ અને બાગાયતી પાકોની ઉત્પાદકતા વધારી તેનું મુલ્યવર્ધન, સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ, આદર્શ પશુપાલન, સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અંગેનું માર્ગદર્શન, ખેતી ખર્ચમાં ઘટાડાની સાથે ઉત્પાદનમાં વધારો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના (પીએમ-કિસાન) જેવા વિષયોને આવરી લેવાયા છે.

દરેક જિલ્લાના તાલુકા દિઠ ૧ કૃષિ મહોત્સવના આ આયોજનને સફળતાપૂર્વક પાર પાડવાના હેતુથી સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને ૧૦ સભ્યોની અમલીકરણ સમિતીને જવાબદારી સોંપવામાં આવશે. જે તે જિલ્લાના ડી.ડી.ઓ. આ સમિતિના સહ અધ્યક્ષ રહેશે. તેમ પણ આ બેઠકમાં નિર્ધારીત થયુ હતું.

મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કૃષિ મહોત્સવની ઉજવણીનું જે પ્રારૂપ તય કરવામાં આવ્યું છે તે અનુસાર જે તે તાલુકાના પ્રગતિશીલ કિસાનોના કૃષિ અનુભવોનું આદાન-પ્રદાન, કૃષિ તજ્જ્ઞોનું માર્ગદર્શન, પશુપાલન વિષયક વ્યાખ્યાનો અને પ્રશ્નોત્તરી તથા કિસાન ગોષ્ઠિ અને સરકારની વિવિધ કૃષિ કલ્યાણ યોજનાના લાભોનું વિતરણ આ મહોત્સવના દિવસે કરાશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, કૃષિ મહોત્સવ સાથોસાથ પશુ આરોગ્ય મેળાઓના રાજ્યવ્યાપી આયોજનથી પશુઓના જટિલ-ગંભીર રોગની સ્થળ પર તપાસ-નિદાન સારવારનો ઉપક્રમ પણ કૃષિ મહોત્સવ સાથે પશુ આરોગ્ય મેળા યોજીને કરવામાં આવશે.

એટલું જ નહી, આધુનિક પશુઉછેર-પશુપાલન સંબંધિત જાણકારી અને માર્ગદર્શન પશુપાલન વૈજ્ઞાનિકો-તજ્જ્ઞો પૂરાં પાડશે.

કૃષિ મહોત્સવની આ ૧પમી શ્રેણીના આયોજનની બેઠકમાં કૃષિ મંત્રી આર. સી. ફળદુ, મંત્રીઓ સૌરભભાઇ પટેલ, જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, જવાહરભાઇ ચાવડા, રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, કૃષિના અધિક મુખ્ય સચિવ સંજ્ય પ્રસાદ અને કૃષિના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.