Abtak Media Google News

રાજકોટ બાર અને બેન્ચ વચ્ચે નવી કોર્ટ બિલ્ડીંગના ઉદ્ઘાટન બાદ સતત વિવાદના વમળો સર્જાઈ રહ્યા છે. અગાઉ ટેબલ વિવાદ, સવલતનો અભાવ અને હવે ઝેરોક્ષ મશીનનો વિવાદ વકર્યો છે. ત્યારે આ વમળો સમાન વિવાદો ફકત બાર અને બેન્ચ વચ્ચે ’સંકલન’ના અભાવે ઉદભવ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ’અબતક’ દ્વારા કોર્ટમાં વારંવાર ઉદભવતા વિવાદો અને તેના ઉકેલ સંબંધિત નોંધપાત્ર પ્રશ્નો બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે પ્રશ્નોનો જવાબ બેન્ચ દ્વારા આપવામાં આવ્યો છે. જે નીચે રજૂ કરવામાં આવેલ છે.

Advertisement

કોર્ટના અધિકૃત અધિકારીએ ’અબતક’ દ્વારા પૂછયેલા પ્રશ્નોનો આપ્યો જવાબ

પ્રશ્ન : કોર્ટ સંકુલને લગતા અંતિમ નિર્ણયો લેવાની સત્તા કોની?

જવાબ : કોર્ટ સંકુલને લગતા અંતિમ નિર્ણયો નામદાર ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા ન્યાયાલય રાજકોટને સત્તા છે.

પ્રશ્ન : રાજકોટની નવી કોર્ટમાં હાલમાં ઉપલબ્ધ સુવિધા અને આવતા દિવસોમાં કેવી વધારાની સવલતો ઉભી કરાશે?

જવાબ : નવનિર્મિત કોર્ટમાં હાલ દરેક ફ્લોર પર તમામ પ્રાથમિક સુવિધા જેવી કે, પીવાના પાણી માટે 24 આર.ઓ. પ્લાન્ટ કુલર સાથે, દરરોજ તમામ માળે બે વાર સફાઈ, ટેન્ડરીંગ પ્રક્રિયા દ્વારા કેન્ટીન મારફત નાસ્તા, જમવાની તથા ચા/ઠંડા પીણાંની સવલત, ટેન્ડર મારફત ઝેરોક્ષ મશીનની સુવિધા આપવામાં આવેલી છે. વધુમાં સ્પેશ્યલી એબ્લડ વ્યક્તિઓ માટેની તમામ પ્રાથમિક સુવિધા, બાળકો માટે ઘોડિયાઘર, વિશાળ સાઈન બોર્ડર, ટુ-વ્હીલ-ફોર વ્હીલ માટેનું વિશાળ પાર્કિંગ, અરજદારો માટે તમામ ફ્લોર પર ઇલેક્ટ્રિક સુવિધાઓ સાથે બેઠક વ્યવસ્થા, મહિલા-પુરુષ સાથે દિવ્યાંગો માટે કુલ 24 વોશરૂમ, 20 વ્યક્તિની ક્ષમતા સાથેના 6 લિફ્ટ, કોર્ટ તથા શાખાઓનું નામ સાથે સાઈન બોર્ડર વિગેરેની સુવિધા હાલ ઉપલબ્ધ છે. આ ઉપરાંત નજીકનાં ભવિષ્યમાં કોર્ટ સંકુલમાં એટીએમ મશીન, પોસ્ટ ઓફિસની સવલત માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

પ્રશ્ન : સુચારુ વ્યવસ્થાને લઈને કોર્ટ સંકુલમાં કેવા ફેરફારો કરાશે?

જવાબ : વકીલોની રજુઆતને ધ્યાને રાખી નામદાર હાઇકોર્ટ મારફત રાજ્ય સરકારે વકીલો માટે અલાયદુ બિલ્ડીંગ મંજુર કરેલ હોય જેના બાંધકામ સહિતના કાર્યો માટે ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવશે. ઉપરાંત હાલ કોર્ટ સંકુલ ખાતે તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં નામદાર ગુજરાત હાઇકોર્ટની સૂચના અને માર્ગદર્શન હેઠળ જનહિતને ધ્યાને લઇ યોગ્ય જણાય તેવા તમામ ફેરફારો કરી શકાશે.

પ્રશ્ન : કેન્ટીન ટેન્ડરને લઈને બનાવવામાં આવેલી કમિટીના સભ્યો કોણ?

જવાબ : નામદાર ગુજરાત વડી અદાલના માર્ગદર્શન મુજબ ત્રણ ન્યાયાધીશોની કમિટી બનાવવામાં આવેલ છે અને કેન્ટીન બાબતોના તમામ નિર્ણયો સદર કમિટી દ્વારા જ લેવામાં આવેલ છે.

પ્રશ્ન : બાર રૂમમાં ઝેરોક્ષ મશીન મુકવા માટે બાર દ્વારા કોઈ રજુઆત કરવામાં આવી હતી કે કેમ?

જવાબ : ના. કોઈ રજુઆત મળી ન હતી. બેન્ચને આ બાબતે જાણ થતાં મશીન ઉપાડી લેવા માટે ટકોર કરવામાં આવી હતી પણ ત્યારે બાર દ્વારા આ મશીન વકીલોની સવલત માટે મુકવામાં આવેલ હોય અને તેના ભાડા બાબતે પણ યોગ્ય પગલું લેવામાં આવશે તેવો મૌખિક જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીવાર ઝેરોક્ષ મશીન બાબતે ફરિયાદ આવેલ હતી ત્યારે કોર્ટ દ્વારા નોટીસ આપવામાં આવી હતી. ત્યારે ઝેરોક્ષ મશીનનું સંચાલન કરનાર સંજય પંડિત (વકીલ નહિ)એ નોટીસ સ્વીકારવાનો ઇન્કાર કરેલ હતો. તેમણે જણાવેલ કે, આ મશીન બાર દ્વારા મુકવામાં આવેલ છે જેથી અમોએ બારને નોટીસ આપેલ હતી. નોટીસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, મશીન હટાવી લો નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેના જવાબમાં બારએ એવુ જણાવેલુ કે, 2008માં મંજૂરી મેળવેલી છે પણ તે મંજૂરી જૂની કોર્ટ માટે લેવામાં આવેલ હતી અને તેમાં શરતોને આધીન મંજૂરી આપવામાં આવેલ જેથી કોર્ટ ગમે ત્યારે મંજૂરી પરત ખેંચી શકે છે અને નવી કોર્ટમાં મશીન મુકવા માટે કોઈ પૂર્વમંજૂરી લેવામાં આવેલ નથી. અંતે કોર્ટ દ્વારા મશીન હટાવી દેવામાં આવ્યું હતું.

પ્રશ્ન : બાર અને બેન્ચ વચ્ચેના ગરિમાપૂર્ણ સંબંધ માટે કેવા પ્રયત્નો કરાશે?

જવાબ : હાલ બાર અને બેન્ચ વચ્ચે સુમેળભર્યા સંબંધો હોય ભવિષ્યમાં પણ આજ પ્રકારના સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે તેવા તમામ પ્રયત્નો બેન્ચ તરફથી કરવામાં આવી રહ્યા છે તથા કરવામાં આવશે.

ડીસ્ટ્રીકટ કોર્ટમાં રાબેતા મુજબ સુનાવણી

નવી કોર્ટ બીલ્ડીંગ ખાતે બાર એસો.ના રૂમમાંથી ઝેરોક્ષ મશીન ઉપાડવાના મુદ્દે બાર એસોશીએશન દ્વારા ડીસ્ટ્રીકટ જજની કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવા અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવાના કરેલા ઠરાવ બાદ આજરોજ ડીસ્ટ્રીકટ કોર્ટ કાર્યવાહી રાબેતા મુજબ ચાલી રહ્યાનું લાઇવ દેખાય રહી છે.

ઝેરોક્ષ મશીનના ભાડા અંગે તપાસ કરીને જણાવીશ : પ્રમુખ બકુલ રાજાણી

બાર એસોસિએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણીએ કોર્ટ કેમ્પસમાં અસુવિધાઓ અંગે જણાવ્યું હતું કે, લિફ્ટ બંધ થઇ જાય છે, ઝેરોક્ષ આછી નીકળે છે, ઝેરોક્ષ માટેનું એક જ મશીન હોવાથી કતાર લાગે છે, એસી આવ્યા નથી સહીતની બાબતો જણાવી હતી. વધુમાં તેમને ઝેરોક્ષ મશીન મુકવા માટે ભાડાની શું રકમ નક્કી કરવામાં આવેલ અને તે કોને ચૂકવવામાં આવશે તેવું પૂછતાં બકુલભાઈએ પોતાના આ બાબતે જાણ નહિ હોવાથી તપાસ કરીને જણાવશે તેવું કહ્યું હતું.

વકીલોની બેઠક વ્યવસ્થાના પ્રશ્નના કાયમી નિકાલ માટે અલાયદુ બિલ્ડીંગ તૈયાર કરાશે

વકીલોની રજુઆતને ધ્યાને રાખી નામદાર હાઇકોર્ટ મારફત રાજ્ય સરકારે વકીલો માટે અલાયદુ બિલ્ડીંગ મંજુર કરેલ હોય જેના બાંધકામ સહિતના કાર્યો માટે ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવશે. આ નવું બિલ્ડીંગ 1200 સ્કવેર મીટરના બિલ્ટઅપ એરિયામાં તૈયાર કરવામાં આવશે અને ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ એક માળનું એક બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે.

બારના ‘વિશ્વાસ’ ના સંજય પંડિત (વકીલ નહીં !!)ને સુચારૂ વ્યવસ્થા માટે મશીનનો વહીવટ સોંપાયો

નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગનું કર્મુતામાં લોકાપર્ણ  થયા બાદ વિવાદ સમવાનું નામ લેતુ નથી હજુ   વકીલોની  વ્યવસ્થાના ઠેકાણા નથી ત્યાં વકીલોએ પોતાની સુચારૂ  વ્યવસ્થા માટે બાર રૂમમાં ઝેરોક્ષ  મશીન મૂકવામાં આવ્યુંહતુ. જેમાં જૂની કોર્ટ બિલ્ડીંગ ખાતે  વર્ષ  2008થી  બાર અસેોસીએશન દ્વારા ઝેરોક્ષ  મશીનની જવાબદારી સંજય પંડિત (વકીલ નહીં !!) ને સોપવામાં આવી હતી બાદ નવા કોર્ટ બિલ્ડીંગમાં ટેન્ડર  પ્રક્રિયાથી ઝેરોક્ષ મશીનનો કોન્ટ્રાકટ  આપવામાંઆવ્યો છે.  જેમાં અરજદાર ઝેરોક્ષ  કરવા જતા હોવાથી  વકીલોને સમયનો વ્યય થતો હોવાથી વકીલોએ  પોતાની સુચારૂ  વ્યવસ્થા માટે  નવી કોર્ટ બિલ્ડીંગ ખાતે બાર એસો.ના રૂમમાં ઝેરોક્ષ  મશીન રાખી જૂની કોર્ટ બિલ્ડીંગના ઝેરોક્ષનું  સંચાલન કરતા સંજય પંડિત   (વકીલ નહીં !!) ને સુચારૂ  વ્યવસ્થાના  ભાગ રૂપે ઓપરેટર તરીકે સંચાલન  સોંપવામા આવ્યું છે.

નવી કોર્ટ બિલ્ડીંગમાં ઝેરોક્ષ મુદ્દે વકીલોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

ટેબલ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો ત્યાં વધુ એક વિવાદથી વકીલોમાં રોષ

નવા કોર્ટ બીલ્ડીંગમાં વકીલોના ટેબલ સહિતના વિવિધ પ્રશ્ર્નોનો હજુ ઉકેલાયા નથી ત્યાં  બાર એસોસીએશનના રૂમમાં ઝેરોક્ષ મશીન  ઉપાડી લેવાની નોટીસ આપ્યા બાદ બાર રૂમમાંથી ઝેરોક્ષ મશીન જપ્ત કરી લેવાના  વિરોધમાં વકીલોમાં રોષ ભભૂક્યો છે અને વકીલોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી અને  વકીલો  કાળી રીબીન બાંધી કોર્ટના મુખ્ય દરવાજે ધામા નાખી સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.  ઝેરોક્ષ મશીન પરત નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો યોજી વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વધુ વિગત મુજબ શહેરના જામનગર રોડ ઉપર નવનિર્માણ પામેલ કોર્ટમાં ટેબલ મુદ્દો ઉકેલાયો નથી ત્યાં ઝેરોક્ષ મશીન ઉપાડી લેવા બાર અને બેન્ચ  આમને-સામને આવી ગયા છે.  બાર એસોસીએશન દ્વારા બાર રૂમમાં રાખવામાં આવેલું ઝેરોક્ષ મશીન ઉપાડી લેવા રાજકોટના પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીક જજ આર.ટી. વછાણએ નોટીસ આપી હતી. નોટીસ મળતા જ બાર એસોસીએશનના હોદેદારો અને વકીલો ડિસ્ટ્રીક જજને મળવા દોડી ગયા હતાં ત્યારે ડિસ્ટ્રીક જજે બાર રૂમમાંથી ઝેરોક્ષ મશીન તમે નહીં ઉપાડો તો અમે ઉપાડી લેશું તેમ કહેતા વકીલોમાં નારાજગી પ્રસરી ગઈ હતી. બાર રૂમમાંથી ઝેરોક્ષ મશીન ઉપાડી લેવા નોટીસ આપ્યા બાદ રજીસ્ટાર દ્વારા ઝેરોક્ષ મશીન જપ્ત કરવામાં આવ્યું હતું. બાર  રૂમમાંથી ઝેરોક્ષ મશીન જપ્ત કરવામાં આવતા વકીલોમાં રોષ ભભૂક્યો હતો. જેને પગલે વકીલો બાર રૂમમાં એકઠા થયા હતાં અને વકીલો ડિસ્ટ્રીક જજને મળવા પહોંચ્યા હતા અને જપ્ત કરેલું ઝેરોક્ષ મશીન પરત કરવા રજૂઆત કરી હતી. પરંતુ ડિસ્ટ્રીક જજે કાનુની કાર્યવાહી થઈ ગઈ હોવાનું જણાવી ઝેરોક્ષ મશીન પરત નહીં આપતા વકીલોમાં નારાજગી જોવા મળી હતી.નવનીર્મિત કોર્ટ બીલ્ડીંગમાં ટેબલો બાદ ઝેરોક્ષ મશીનના મુદ્દે વકીલો સાથે અન્યાય થઈ રહ્યો હોવાની  બાર એસોસીએશન દ્વારા યુનિટ જજ અને બારકાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનને ટેલીફોનીક રજૂઆત કરવામાં આવી હતી.  જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસને રજૂઆત કરવાની  બાર એસોસીએશનના હોદેદારોએ તૈયારી બતાવી છે. વકીલોએ  ડિસ્ટ્રીક જજની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી કાળી રીબીન ધારણ કરી કોર્ટના દરવાજે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

કેન્ટીનમાં ગુણવત્તા યુક્ત ફૂડ નહિં મળતું હોવાની ફરિયાદ

નવનિર્મિત કોર્ટના ઉદઘાટન સમયથી સમયાંતરે વાદવિવાદ સામે આવતો રહ્યો છે ત્યારે ટેબલ અને   ઝેરોક્ષ મશીનનો મુદ્દો સળગી રહ્યો છે. ત્યારે વધુ એક સમસ્યાનું ફણગુ ફૂટ્યું હોય તેમ સખી મંડળને  કેન્ટીનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ તેમાં ચા, નાસ્તો અને ભોજન હાયજેનિક અને ગુણવત્તા યુક્ત ન હોવાનું, કેન્ટીનમાં સાફ સફાઈ થતી નહિ હોવાનું, કેન્ટીનમાં પીવાના પાણીની વ્યવસ્થા નહિ  હોવાથી પાણી વેચાતું લેવું પડે છે. કોઈપણ વસ્તુની ખરીદી ઉપર બિલ આપવામાં આવતું નથી  કેન્ટીનનું મુખ્ય કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદે રીતે ચા અંગેનો પેટા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે  તેનું પણ કાઉન્ટર અલગ

મૂકવામાં આવ્યું છે. કેન્ટીનમાં મળતી ચીજ વસ્તુઓ બજાર ભાવ કરતા ઊંચા ભાવે આપવામાં આવે છે. તેટલું જ નહીં પરંતુ કેન્ટીન સંચાલકો અને સ્ટાફ દ્વારા વકીલો સાથે અશોભનીય  વર્તન કરવામાં આવતું હોવાની વકીલો દ્વારા ડિસ્ટ્રીક જજને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.