Abtak Media Google News

આમ્રપાલી ગ્રુપના અધુરા રહેલા પ્રોજેકટોને એનબીસીસી મારફતે પૂરા કરાવવાનો કંપનીનું રજીસ્ટ્રેશન રદ્ કરવાનો તથા કંપનીના ડીરેકટરો, અધિકારીઓ સામે ઈડી દ્વારા મની લોન્ડ્રીંગની તપાસ કરવાનો સુપ્રીમ કોર્ટનો આકરો હુકમ

આમ્રપાલી ગ્રુપ દ્વારા અધુરા રહેલા હાઉસીંગ પ્રોજેકટોના કારણે હેરાન પરેશાન ૪૨ હજાર ઘર ખરીદનારાઓ માટે સુપ્રીમ કોર્ટે આજે સિમાચિન્હરૂપ ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ અધુરા પ્રોજેકટોને નેશનલ બિલ્ડીંગ ક્નસ્ટ્રકશન કોર્પોરેશન લિમિટેડને પૂરા કરવાનદો આદેશ આપ્યો છે. સાથે જ આમ્રપાલી ગ્રુપની કંપનીનું રેરા રજીસ્ટ્રેશન કરવાનો તથા ઈડી મારફતે કંપનીના ડાયરેકટરો અને અધિકારીએ સામે મની લોન્ડ્રીંગની તપાસ કરવાનો પણ હુકમ કર્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આકરા વલણથી ઘણ ખરીદનારાઓ પાસેથી એડવાન્સ રૂપીયા લઈને લાંબા સમય સુધી પ્રોજેકટ અટકાવી દેનારી કંપનીઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

Advertisement

આમ્રપાલી ગ્રુપના કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટીસ અરૂણ મિશ્રાની બેંચે આપેલા ચૂકાદામાં સ્પષ્ટ કર્યું છે કંપનીએ ઘર ખરીદનારાઓ પાસેથી પ્રોજેકટ માટે રૂપીયા લઈને તેને અન્યત્ર ડાયવર્ટ કર્યા છે. જેથી આ બાબતને ગ્રાહકો સાથે છેતરપીંડી સમાન ગણી છે. કોર્ટે કંપનીના ડાયરેકટર અને અધિકારીએ વિરૂધ્ધ ફોરેન એકસચેંજ મેનેજમેન્ટ એકટ ફેમા અને એફડીઆઈના નિયમોના ઉલ્લંઘન બદલ મની લોન્ડ્રીંગની તપાસ કરવા ઈડીને તાકીદ કરી છે. આમ્રપાલીના તમામ પ્રોજેકટો માટે નોયડા અને ગ્રેટર નોયડા ઓથોરીટી દ્વારા અપાયેલી લીઝને પણ રદ કરવાનો હુકમ કર્યો છે. સાથે જ સ્પષ્ટ કર્યું છે કે નોયડા અને ગ્રેટર નોયડા ઓથોરીટીને તેની બાકી લેણી રકમ માટે ગ્રુપની સંપતિઓ વેચવાનો અધિકાર નથી.

ઘર ખરીદનારાઓના આમ્રપાલી ગ્રુપ પાસે રહેલી રકમ ત્રણ માસની અંદર સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રીમાં જમા કરવાનો આદેશ કરીને બેંચે આ માટે આર.વેંકટરમાનીને કોર્ટના રીસીવર તરીકે નિમણુંક કરી છે. વેંક્ટરમાનીને સુપ્રીમ કોર્ટે ઘર ખરીદનારાઓની બાકી રહેલી રકમ વસુલવા આમ્રપાલી ગ્રુપની સંપતિઓ ત્રીજા પક્ષને વેંચવા માટેની સતા આપી છે. કોર્ટે નોયડા અને ગ્રેટર નોયડા ઓથોરીટીના ભ્રષ્ટ સ્ટાફે આમ્રપાલી ગ્રુપ સાથે સાંઠગાંઠ કરીને મકાન ખરીદનારાઓના પૈસા હેરફેર કરવામાં મદદ કરવાનો તથા નિયમો અનુસાર કામગીરી નહી બજાવવા બદલ આકરી ટીકા કરીને આ બંને ઓથોરીટીને આમ્રપાલી ગ્રુપના વિવિધ પ્રોજેકટોમાં પહેલેથી જ રહેતા લોકોને આવાસ અંગેના પ્રમાણપત્રો આપવા તાકીદ કરી છે.

સુપ્રીમ કોર્ટની બેંચે આમ્રપાલી ગ્રુપની વિરૂધ્ધ આકરી ટીપ્પણી કરતા જણાવ્યું હતુ કે કંપનીએ આસમાનની ઉંચાઈ સુધી લોકો સાથે છેતરપીંડી કરી છે. કંપનીએ માત્ર ઘર ખરીદનારાઓ જ નહી પરંતુ બેંકો અને ઓથોરીટી સાથે પણ છેતરપીંડી કરી છે. જે ગંભીર પ્રકારની છે. આ ગ્રુપના પડદા પાછળ રહેલા પાવર ફૂલ લોકોને નહી છોડયાની ટીપ્પણી કરીને બેંચે બધાની વિરૂધ્ધ ફોજદારી કેસ ચલાવવામાં આવશે તેમ સ્પષ્ટ કર્યું હતુ ઉલ્લેખનીય છે કે દિલ્હી, દિલ્હી એનસીઆર, નોયડા, ગ્રેટર નોયડા, ગુંડગાવ વગેરેમાં આમ્રપાલી ગ્રુપ દ્વારા બનાવેલા વિવિધ હાઉસીયગ પ્રોજેકટમાં રૂપીયા ભરીને ૪૨ હજાર જેયલા લોકોએ બુકીંગ કરાવ્યું હતુ બાદમાં કંપનીએ પ્રોજેકટો લટકાવીને ઘર ખરીદનારાઓને લટકાવી રાખ્યા હતા જેથી આ મુદે સુપ્રીમ કોર્ટે આજે તેના ચૂકાદમાં કડક વલણ અપનાવ્યું હતુ.

આ કેસની વધુ સુનાવણી ૯મી ઓગષ્ટે હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.