Abtak Media Google News

પ્રવાસન મંત્રી ગણપત વસાવાએ દિપ પ્રાગટય કરી લોકમેળાને ખૂલ્લો મૂકયો

વિશ્વ વિખ્યાત સુરેન્દ્રનગર ભાતીગળ તરણેતર મેળાનો પ્રારંભ તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦-૦૦ કલાકે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના શિવપૂજનથી થયુ છે.. આ પ્રસંગે રાજયના પ્રવાસન, વન અને મહિલા બાળ તથા કલ્યાણ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા દિપ પ્રાગટય કરીને મેળો ખુલ્લો મૂકયો હતો.

મંત્રીશ્રીના હસ્તે ગ્રામીણ રમોત્સવ તેમજ માહિતી ખાતા દ્વારા ગુજરાતની વિકાસગાથા અને લોકકલા- સંસ્કૃતિની ઝાંખી કરાવતું સુંદર તસ્વીરી પ્રદર્શન ઉપરાંત અન્ય પ્રદર્શન સ્ટોલોનું ઉદ્દઘાટન કરવામાં આવશે તથા રાત્રે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાવટીના કલાકારો ભજન-સંધ્યા અર્પણ કરશે.

તા.૧૩મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦.૨૫ કલાકે પાળીયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી પ.પૂ. નિર્મળાબા ઉનડબાપુની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ અને શિવપૂજન થશે. રાત્રે ૯.૩૦ કલાકે પંચાયતના સ્ટેજ ઉપર સુરેન્દ્રનગર માહિતી કચેરી આયોજીત લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે.

તા.૧૪ મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૫-૦૦ કલાકે ગંગા અવતરણ આરતી થશે અને મેળાના મેદાનમાં માટલા દોડ, રસ્સા ખેંચ, સ્લો સાઈકલીંગ, પરંપરાગત રાસ અને હુડા જેવા કાર્યક્રમો યોજાશે. જયારે બપોરે રાસ-ગરબા, દોરડા, છત્રી હરીફાઈ, પાવા હરીફાઈ જેવા કાર્યક્રમ યોજાશે અને રાત્રે લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે.

તા.૧૪મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧.૦૦ કલાકે રાજયના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેશે અને ગ્રામિણ રમતોત્સવની મુલાકાત લઈ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામ વિતરણ કરશે. આ પ્રસંગે સાંસદશ્રી દેવજીભાઈ ફતેપરા તથા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે લોકમેળો માણવા માટે ગુજરાતભરમાંથી તેમજ અન્ય રાજયોમાંથી મોટી સંખ્યામાં જનમેદની વાહનો દ્વારા આવતી હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર પ્રવાસીઓની સલામતી અને અનુકૂળતા માટે થાનગઢથી તરણેતર જતા વાહનો જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસના ચાર રસ્તેથી આગળ મેળામાં પ્રવેશ ન કરે.

તેમજ સરા તરફથી આવતા વાહનો તરણેતર ગામના ત્રણ રસ્તેથી આગળ મેળામાં પ્રવેશ ન કરે તે માટે જાહેર જનતાની જાનમાલ તથા અકસ્માત નિવારવા સલામતી જાળવવા, સાર્વજનિક લોકમેળામાં જવા આવવા માટે રાહદારીઓનું નિયમન કરવા તથા બંદોબસ્ત કરવાનું જરૂરી જણાતા સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ તા. ૧૫/૯/૨૦૧૮ સુધી એક જાહેરનામા દ્વારા કેટલાક નિયંત્રણ મૂકયા છે.

તરણેતર મેળા માટે આજથી ચાર દિવસ સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે

રેલમંત્રી પીયુષ ગોયલની પહેલ પર પશ્ચીમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝન પર થાન સ્ટેશન પાસે દર વર્ષે આયોજીત થનાર તરણેતર મેળા દરમિયાન, મુસાફરોની સુવિધા માટે તા.૧૨ સપ્ટેમ્બર થી તા.૧૫ સપ્ટેમ્બર સુધી (ચાર દિવસો માટે) વાંકાનેર તથા મોરબી વચ્ચે સ્પેશ્યલ ડેમુ ટ્રેન ચલાવવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર પી.બી.નિનાવે દ્વારા પ્રકાશિત પ્રેસનોટ મુજબ આ ડેમૂ સ્પેશ્યલ ટ્રેન તા.૧૨ થી ૧૫ સપ્ટેમ્બર બપોરે ૧૪:૦૦ કલાકે મોરબીથી ઉપડીને ૧૪:૦૪ કલાકે નજરબાગ, ૧૪:૧૩ કલાકે રફાલેશ્વર, ૧૪:૨૩ કલાકે મકનસર ૧૪:૩૧ કલાકે ઘુવા તથા ૧૪:૫૦ કલાકે વાંકાનેર પહોંચશે.

પરતમાં આ ટ્રેન બપોરે ૧૫:૦૦ કલાકે વાંકાનેરથી ઉપડીને ૧૫:૧૧ કલાકે ઘુવા, ૧૫:૧૯ કલાકે મકનસર, ૧૫:૨૪ કલાકે રફાલેશ્વર તથા ૧૫:૩૭ કલાકે નજરબાગ તથા ૧૫:૫૦ કલાકે મોરબી પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.