Abtak Media Google News

“હિંસક ટોળાઓનો ભોગ બને છે નિર્દોષ લોકો, દેશની લોકશાહી અને સંપત્તિ ઉપરાંત પોલીસ જ્યારે ટોળા એકત્રીત કરનારા ન્યાયધિશની ભૂમિકામાં આવી જાય છે !”

વિશ્વમાં એવુ માનવામાં આવે છે કે સૌથી સારી શાસન વ્યવસ્થા લોકશાહિ વ્યવસ્થા છે. વિશ્વમાં કયાંક રાજા (નવાબ) શાહિ, સરમુખત્યારશાહિ તો કયાંક સામ્યવાદી શાસન વ્યવસ્થાઓ છે. પરંતુ એક લોકશાહી શાસન વ્યવસ્થા જ એવી છે કે જેમાં આમ જનતાનો અવાજ હોય છે એટલે કે દર પાંચ વર્ષે જે તે દેશના લોકો લોકોની, લોકો વડે ચાલતી અને લોકો માટેની સરકાર પોતાનો મત આપીને મનગમતી સરકાર ચૂંટે છે. આ સરકારમાં જનતાનો અવાજ તો હોય છે. ઉપરાંત તે જનતાને આધિન હોય છે. જયારે અન્ય રાજા(નવાબ) શાહિ, સરમુખત્યારશાહિ કે સામ્યવાદી સરકાર જનતાના ગુપ્ત મતદાનથી બનતી નથી અને આ શાસકો પોતાને અનુકુળ કાયદાઓ બનાવી પોતાને જ આધિન એવુ તંત્ર ચલાવતા હોય છે.

લોકશાહિમાં એક પ્રસ્થાપિત બંધારણ અને કાયદાઓ હોય છે જે અનુસાર જ સમગ્ર દેશનો જનતા અભિમુખ વહિવટ ચાલતો હોય છે. આ બંધારણ અને કાનુન દેશના આમ નાગરીક થી લઈ દેશના રાષ્ટ્રપતિ સુધીનાને સમાન રીતે લાગુ પડે છે અને તમામે તે મુજબ જ વ્યવહાર વર્તન કરવુ ફરજીયાત છે આવા વ્યવહારોમાં જીવનની આજીવીકા, લગ્ન, ચુંટણી , કરવેરા, લોકોને અમુક બાબતે અસંતોષ હોય તો સરકાર સામે પ્રદર્શન કરવા આંદોલન કરવાની પધ્ધતિથી લઈ સામાજીક સહજીવન સુધીના વ્યવહારો માટે વિશદ કાયદાઓ બનેલા હોય છે જેમ લોકશાહિમાં અમુક અધિકારો જેવા કે વાણીસ્વાતંત્ર્ય, ધાર્મિક સ્વાતંત્ર્ય, મિલ્કત ધારણ કરવાનો હકક, મત આપવાનો હક્ક વિગેરે છે તમે આ દેશના બંધારણ અને કાયદાને અનિવાર્ય પણે પાળવાની ફરજ પણ છે જો લોકો આવા કાનુન નો ભંગ કરે તો ફોજદારી (ક્રિમિનલ) અને કાં તો દિવાની (સિવિલ) પ્રકારની ન્યાયીક પ્રક્રિયાનો સામનો કરવા જવાબદાર રહે છે.

દેશમાં આઝાદી પછી અમુક રાજકારણીઓ અમુક સંસ્થાઓ અને અમુક જ્ઞાતિના આગેવાનોએ લોકશાહિના જે મુકત અભિવ્યકિત અને જાહેરમાં એકઠા થવા, હરવા-ફરવા માટેના જે હકકો છે તેનો મનસ્વી રીતે દુરૂપયોગ કરી પોતાના અંગત હતેુ બર લાવવા માટે ટોળાઓ તો એકઠા કરે છે અને દેખાવ ખાતર લોકશાહિ ઢબે તાકાત બતાવી દેવાના પ્રવચનો અને એલાનો કરવાના ફડાકા મારવામાં આવે છે. પરંતુ આવા નેતાઓનો આવા એકઠા કરેલા લોકોના ટોળા ઉપર કોઈ કાબુ નથી હોતો જે ટોળા હવે પછી આક્રમક અને ઝનુની હુમલાઓ શરૂ કરવાના હોય છે. સભા કે રેલીમાં ઉગ્ર મીઝાઝથી આકરા શબ્દોમાં “તાકાત દર્શાવી દેવાના પ્રવચનો બાદ આ ટોળા આક્રમકતા, ઝનુન, સુત્રોચ્ચાર, પથ્થર મારો અને છેલ્લે હિંસક બનીને જાહેર સંપતિથી લઈ ખાનગી મિલ્કતોને પણ આગ ચાંપવામાં આવે છે. ટોળા પૈૈકીના કેટલાક લોકો પોતાના વ્યકિતગત ગમાઅણગમાનો હિસાબ અન્ય નિર્દોષ આમ જનતા સાથે ખરાબ વ્યવહાર કરીને વસુલ પણ કરે છે.

મનોવૈજ્ઞાનિકોના મતે જયારે કોઈ બુધ્ધિશાળી અને સમજુ વ્યકિત આવા હિંસક ટોળાનો એક ભાગ બને છે. ત્યારે તે બુધ્ધિશાળી વ્યકિત પણ પોતાની મતી એક બાજુ રાખીને તે પણ ટોળા સાથે હૈસો હૈસો કરવા મંડી પડે છે. જેને મનોવૈજ્ઞાનીક ભાષામાં “મોબ સાયકોલોજી કહે છે હવે તેનું સુકાન કોઈના હાથમાં નથી હોતુ જેમ કે સમુદ્રના વાવાઝોડાના તોફાનમાં સપડાયેલા શઢવાળા વહાણ જેવી સ્થિતિ તેની હોય છે. ફક્ત તારાજી, હિંસા, અવ્યવસ્થા, તોડફોડ અને મારામારી સુધીના પગલા આ ટોળુ લેતુુ હોય છે તેને કોઈ સંસ્કાર, લાગણી કે દેશભાવના હોતી નથી ફક્ત ઝનુન આક્રમકતા અને તોડફોડ કરીને બસ બતાવી દેવાની વૃતિ હોય છે જો આવા ટોળામાં કોઈ અપવાદરૂપ વ્યકિત સામેલ હોય તો તેનું તેમાં કોઈ ઉપજણ હોતુ નથી કોઈ તેની વાત માનતુ નથી અને તેને પણ કમને ટોળા સાથે ચાલવુ પડે છે અરે પછી તો  ઉશ્કેરનાર નેતાનું પણ ટોળુ માનતુ નથી  !

હવે જયારે યુધ્ધ શરૂ થાય ત્યારે યુધ્ધે ચડેલાઓ જેમ પ્રથમ આક્રમકતા પછી ઝનુન અને પછી હિંસકતા ધારણ કરે તેમ આ ટોળુ લોકશાહિના બંધારણીય કાયદાઓ તોડીને પથ્થર મારો, તોડફોડ, આગજની અને પછી મારામારી પણ કરવા લાગે છે. લોકશાહિના આ આંતરીક યુધ્ધમાં આ હિંસક ટોળા સામે લોકશાહિ કે સરકારના પ્રતિનીધી તરીકે સરકારના કોઈ રાજકીય પદાધિકારીઓ કોઈ અન્ય વહીવટી તંત્રો કે ખાતા નથી હોતા પણ લોકશાહિની રક્ષા કાજે સુરક્ષાતંત્રનો ભાગ એવુ ફકત પોલીસદળ જ હોય છે.

પોલીસ માટે આવા સંજોગોમાં સૌપ્રથમ જાહેરજનતા અને જાહેર સંપતિના અને જામમાલના રક્ષણનો પણ સવાલ હોય છે. આપણા દેશમાં આવા સંજોગોમાં પોલીસે કઈ રીતે કાર્યવાહી કરવી તે અંગે વિવિધ પરીપત્રો, ક્રીમીનલ પ્રોસીજર કોડ અને પોલીસ એકટ અને પોલીસ મેન્યુઅલ વિગેરે કાયદાઓમાં વિગતવારની હકીક્ત જણાવેલ છે અને પોલીસદળના સભ્યોને તેવી તાલીમ પણ આપવામાં આવે છે. જેમ કે ટોળુ હિંસક બને તો પ્રથમ લાઉડ સ્પીકરથી ટોળાને ચેતવણી આપવાની કે તમેગેરકાયદેસર કામ કરી રહ્યાં છો વિખેરાઈ જાવ વિખેરાઈ જાવ છતાં ટોળુ હિંસા ચાલુ રાખે તો અશ્રુવાયુ  અને લાઠી ચાર્જની ચેતવણી આપીને અશ્રુ વાયુ અને લાઠી ચાર્જ કરવામાં આવતો હોય છે. તેમ છતા ટોળુ કાબુમાં ન આવે અને આગજની તથા જાનહાની ઉપર ઉતરી આવે તો સાથે બંદોબસ્તમાં રહેલા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટના લેખીત હુકમથી પ્રથમ હવામાં ગોળીબાર કરવાનો હોય છે અને પછી ટોળામાં સામેલ ઈસમોને ઓછામાં ઓછી હાની થાય તે રીતે ફાયરંીગ કરવાનું હોય છે. પરંતુ ભયંકર હિંસક માહોલ, અફડા-તફડી, પથ્થર મારો, આગજની અને સશસ્ત્ર હિંસક હુમલોઓમાં કોઈનું બેલેન્સ કે નિશાન સ્થિર રહેતુ નથી. આ સમયે પોલીસ સાથેના કેમેરા મેનો પણ ભયથી છુપાઈ જતા હોય છે. હા, બનાવને રસપ્રદ બનાવવા માટે મીડીયાના કેમેરા પ્રતિનિધીઓ જાનના જોખમે પણ તેમના દૃષ્ટિકોણથી વિડીયો રેકોર્ડિગ કરતા હોય છે. આંધાધુંધીમાં કોણ કોને મારે છે કેમ મારે છે તેનો લગભગ કોઈને ખ્યાલ જ નથી હોતો ! જે પણ વિડીયો ગ્રાફી હોય તે આંશીક જ હોવાની કેમ કે તેના શરૂઆતના હિસ્સા કે પાછળના હિસ્સા સંપુર્ણ હોતા જ નથી. તે એક ઝલકની જેમ બનાવનો ભાગ જ હોવાનો બનાવનું સંપુર્ણ બયાન નહિ !

જયારે તોફાનોને બ્રેક લાગે છે ત્યારે રાજકીય રીતે અમુક હિત ધરાવતી વ્યકિતઓ ઉપરાંત વિદેશી મુળ અને આવકના સ્ત્રોત ધરાવતી સંસ્થાઓના બની બેઠેલા નેતાઓ થયેલ ધીંગાણા(તોફાનો) અંગે પોતાની રીતે પોતાને અનુકુળ આંકલન કરી નિવેદનો ઝીકીને પોતાના હાટડા ચલાવવા મથતા હોય છે. પરંતુ જવલ્લે જ કોઈએ એવુ નિવેદન કર્યુ હોય તો ભગવાન જાણે કે દેશની લોકશાહિની આબરૂ લુંટાઈ, જનતાની સંપતિનો નાશ થયો હજુ જનતાના ટેક્ષના નાણાથી જ રીપેરીંગ થશે વિગેરે. હા તે સમયે લગભગ તમામ પક્ષાપક્ષી અને ભેદભાવ ભુલીને સૌ કોઈ મત ભીખારીઓ સસ્તી લોકપ્રિયતા માટે એક જ સુરમાં આખા રાજયમાં ફાટી નીકળેલ તોફાનોમાં કયાંક કાનુની રક્ષા કરતા પોલીસ દળ અમુક સભ્યો દ્વારા અમલવારીનો અતિરીંક કે કયાંક પોલીસદળ કે જેણે ૯૯% લોકશાહિની કાનુની રક્ષા કાજે કાર્યવાહી કરી હોય તેની ઉપર શાબ્દીક રૂપે તુટી પડે છે. હા ચોકકસ જેણે કાયદો હાથમાં લીધો હોય તેવા પોલીસદળના જવાનો અધિકારીઓને શિક્ષા થાય પરંતુ સમગ્ર પોલીસ દળને ભાંડીને તેની નૈતિકતા તોડવી વ્યાજબી નથી.

બીજી બાજુ અંગત સ્વાર્થ અને હેતુ માટે આવા શિસ્તહિન ટોળા એકત્રિત કરનારાઓને આ તોફાનો માટે  જવાબદાર ગણ્યા હોય તેવુ આજદિન સુધીમાં જાણ્યુ નથી. હા જરૂર કાંતો કાર્યક્રમમાં ભાગ લેનાર જનતા અથવા પોલીસને જ તોફાનો માટે જવાબદાર ઠેરવવા પ્રયત્નો તા હોય છે. પોલીસદળના એ જવાનો ચોકકસપણે આવા બનાવોમાં ફોજદારી પગલા માટે જવાબદાર છે કે જેણે મર્યાદાહિન પણે અને કાયદાની ઉપરવટ જઈને જનતા ઉપર ઈરાદાપુર્વક અતિરેક કર્યો હોય. પરંતુ તોફાનો તો યુધ્ધ જેવુ છે. કોઈ જનોઈ વાઢ ઘા કરે તો કોઈને છરકો પણ થાય. યુધ્ધ અને તોફાનોમાં હંમેશા બંને પક્ષે નુકસાન જ હોય છે.

જનતાને સરકાર કે તેની કોઈ કાર્યપધ્ધતિ અંગે તકરાર કે વાંધો હોય તો હવેના સમયમાં તો લગભગ દર વર્ષે એકાદ ચુંટણી આવે જ છે. જેમ કે  પંચાયતો, નગરપાલીકાઓ, કોર્પોરેશનો, વિધાનસભા, લોકસભા આમ લગભગ દર વર્ષે કોઈને કોઈ ચુંટણી તો આવતી જ હોય છે. તેમાં જે લોકોને સરકાર સાથે વાંધો હોય તેણે તે રીતે મતદાન કરીને પોતાની લાગણી વ્યકત કરવાની હોય; નહિ કે આ રીતે પીંઢારા યુગની માફક કાયદો હાથમાં લઈને !

ભાંગફોડના આવા વિકટ સંજોગોમાં દરેક તંત્રના દરેક કર્મચારી અધિકારીઓ એ અરે ઈવન રાજકારણીઓએ પણ નાતજાત, વ્યકિતગત ગમા-અણગમા છોડીને દેશની લોકશાહીની લાજની રક્ષા કરવા એટલે કે બંધારણીય કાયદાઓ મુજબ વર્તન-વ્યવહાર અને ન્યાય કરવો જોઈએ. પરંતુ આપણા દેશમાં છેક સરકારથી લઈ આમ જનતા સુધીનામાં આવો અમલ કોણ કરે છે તેનો નિર્ણય કરવાનું વાંચકો ઉપર છોડવામાં આવે છે ટુંકમાં લડનારાઓ દંડાય છે પરંતુ જનતાના અમુક ભાગને  ઉશ્કેરીને લડાઈ શરૂ કરાવનારા તો તોફાનો પછી ન્યાય કરનારની ભુમીકામાં આવી જાય છે. આવા લોકો પોતાની આગવી કપટમય અને રાજકીય કોઠા સુઝથી જાહેર નિવેદનો આપવા માંડે છે કે સરકારે આમ કરવાની જરૂર હતી, પોલીસે તેમ કરવાની જરૂરત હતી તંત્રોએ વળી આમ કરવાની જરૂરત હતી, કોણે શરૂઆત કરી વિગેરે પ્રશ્ર્નો તેઓ મીડીયા સમક્ષ ખડા કરે છે. પરંતુ મુળ મુદો કાયદો હાથમાં લઈ કરોડો રૂપીયાનું નુકશાન અને કેટલીય કિંમતી માનવ જીંદગીનો ભોગ લીધા નો તો અધાહાર જ રહી જાય છે. આ બાબત ખરેખર ખુબ સોચનિય છે. અરે ભાઈ તમારામાં જો જનસમુહ એકઠો કર્યા પછી નિયંત્રીત કરવાની અને લોકશાહિ પ્રણાલી અનુસાર આંદોલન કરવાની ત્રેવડ ન હતી તો ટોળા જ શા માટે એકઠા કરો છો ? આ લોકશાહિ વ્યવસ્થા છે. “મારે તેની તલવાર તે પ્રકારની પીંઢારાશાહિ થોડી છે ? છતા આપણે ત્યાં આ બધુ વિકાસ, ક્રાંતિ, પ્રગતી (ડેવલપમેન્ટ), નવી નવી લોકશાહિના નામે ચાલે છે.

આપણે ત્યાં આવા આંદોલન ને તો તોફોનોનું નામ આપી દેવામાં આવે છે. રાજકીય રીતે મતના રોટલા શેકવા માટે વિવિધ પક્ષો પોતાની રીતે તોફાનોનું આંકલન મુલ્યાંકન કરે છે અને નિવેદનો ફટકારે છે. લગભગ કોઈ રાજકીય પક્ષ વોટ બેંક કે જનતાના કોઈ વર્ગને વાંકમાં કે ખોટા હોય તો પણ વાચી વાત કરી તેમને કરાજી કરવા તૈયાર નથી હોતા, પરંતુ તોફાનો પછી તમામ પક્ષો અને પક્ષકારો લોકશાહિ વતી યુધ્ધ કરનાર સમગ્ર પોલીસ દળ કે જે શિસ્તને વરેલુ છે અને શિસ્તના કારણે સત્ય પણ જાહેરમાં બોલી શકતા નથી તેના ઉપર જ માછલા ધોવાનું શરૂ કરી દે છે. અરે ભાઈ, સમગ્ર રાજયના હજારો શહેર ગામડાઓમાં તોફાનો થાય ત્યાં કોઈક જગ્યાએ આ દેશના નાગરીકમાંથી જ બનેલી પોલીસે આ યુધ્ધમાં અતિરેક કર્યો હોય તેને બધા એક સામટા એકઠા થઈ “કાગડા ન્યાય રૂપે સમગ્ર પોલીસ ઉપર કાંઉ કાંઉ શરૂ કરી દે છે. એ વાત પણ નકકી છે કે જે સ્થળે પોલીસે કાયદા પાલનમાં અતિરેક કર્યો હોય તેની તટસ્થ તપાસ થઈ ન્યાયની અદાલતમાં મુકવી જ જોઈએ. પરંતુ આવા અમુક બનાવો ને કારણે સમગ્ર પોલીસદળ ને જવાબદાર ગણી જેઓ ચોવિસ કલાક જનતાની મદદમાં લોકશાહિના કાનુન પ્રહરી તરીકે કઠીન ફરજ બજાવે છે. તેનું નૈતિક બળ કયાં હણો છો ? જો આમ જ ચાલ્યા કરે તો પોલીસદળ લધુતા ગ્રંથીથી પીડાઈ, અસ્પૃશ્ય થઈ ના હિંમત થાય તો અસામાજીક તત્વોનો સામનો તે કેવી રીતે કરશે ? મનોવિજ્ઞાનના નિયમ પ્રમાણે તેને સહજ રીતે સમાજને બદલે અસામાજીક તત્વો તરફ લગાવ વધે તેવુ બનતુ અનુભવે જણાવ્યુ છે.

ટુંકમાં આ સ્વાર્થી ટોળાશાહિ આંદોલનમાં લોકશાહિ, જાહેર સંપતિ આમ જનતા અને પોલીસદળના નૈતિક બળને નુકસાન અવશ્ય પહોંચે છે. તોફાનો શરૂ કરાવનારા તો પોતાના બળ પ્રદર્શનને ગૌરવ પુર્વક નિહાળતા હોય છે. આથી સમાજના સમજુ અને પ્રબુધ્ધ નાગરીકોએ વિચારીને એ નકકી કરવાની જરૂરત છે કે પ્રથમ દેશહિત, બીજુ તેની જાળવણી વિરૂધ્ધ પ્રસ્થાપિત કાયદા અને નિયમોનો કોણ ખરેખર કપટ પુર્વક દુરૂપયોગ કરી દેશની સંપતિને નુકશાન કરે છે અને લોકશાહિના જે હકકો છે તેનો કપટપુર્વક પોતાના વ્યકિતગત કે જાતી ગત સ્વાર્સ્થ સાધવા દુરપયોગ કરે છે.

Admin Ajax 2

જેમ શરીરના એક પણ અંગમાં કાંઈક તકલીફ થાય તો આખા શરીરને મજા નથી આવતી તેમ લોકશાહિના પણ ચાર અંગો, સરકાર, ન્યાયતંત્ર, વહિવટીતંત્ર અને સુરક્ષાતંત્ર પૈકી કોઈક અંગ નબળુ પડે તો લોકશાહિ નબળી પડે જ. આંતરીક સુરક્ષા તંત્ર એટલે કે પોલીસદળ નાહિંમત બને કે નૈતિકબળ ઢીલુ પડે તો તંદુરસ્ત લોકશાહિ માટે તે લાંબાગાળે ભયજનક પરીણામ આપનાર બની રહે છે.

આપણા સમાજમાં કેટલાક લોકો ખાસતો અમેરીકા યુરોપમાં ફરી આવેલા લોકો ત્યાંની જહોજલાલી સાથે ત્યાંની વ્યવસ્થા અને ત્યાંની પોલીસની વ્યવસ્થાના પણ ખોબલે-ખોબલે વખાણ કરતા હોય છે. બરાબર છે ત્યાં એવુ છે, પરંતુ આ આપણા તરફ તો દૃષ્ટિપાત કરો કે તેમના પ્રમાણમાં આપણી વસ્તી કેટલી ? તેમના જેવી રાષ્ટ્રભાવના, કાયદા પાલન. અભ્યાસ છે આપણી વસ્તીમાં ? ત્યાં આપણા દેશની જેમ વસ્તી એક જ ધર્મની પણ અલગ અલગ જ્ઞાતિઓની વિવિધ માન્યતા ધરાવતી નથી અનેક પ્રકારના રાજકીય પક્ષો પણ ત્યાં નહિ હોય. ત્યાં આપણા જેવા ધર્મ અને કોમ આધારે સમાજનું પરોક્ષ રીતે મત માટે વિભાજન કરનારા રાજકીય પક્ષો પણ નહિ હોય, ત્યાં ધર્મ અને કોમ આધારે સવલતો પણ નહિ હોય પછી ત્યાં પ્રશ્ર્નો ઉભા થવાના સવાલ સંજોગ જ કયાં રહે ? જે મહેનત પુરૂષાર્થ કરે તે પામે, તે પ્રગતિ કરે તે તે દેશના નિયમો છે. અહિં તો ગામડા કે શહેરોના લતા કે વિસ્તારો પણ કોમ આધારીત હોય પછી હું અને મારૂ જવાનું જ નહિ અને દેશપ્રેમ ત્રીજા કે ચોથા પગથીયા પછી આવે તો પણ સારૂ ! આથી આવી સરખામણી વ્યર્થ છે. જયાં સુધી હકક અને ફરજ બંને માં સમાનતા નહિ આવે ત્યાં સુધી દેશમાં હિંસક આંદોલનનો ચાલુ જ રહેવાના. ઉપરાંત લોકોની એ માનસિકતા છે કે હકક જોઈએ છે, સુવિધા જોઈએ છે પરંતુ ફરજો બજાવવી નથી તે તો ઠીક ઉપરાંત લોકશાહિની આબરૂ લુંટવી છે. (કાયદો હાથમાં લેવો છે) ત્યાં સુધી અમેરીકા યુરોપના દેશો સાથે સરખામણી કરવી પણ વ્યર્થ છે. ફકત બેનરો ઉપર લખીને કે જાહેરાતો પ્રસિધ્ધ કરવા થી જ ‘મેરા દેશ મહાન’ નથી થઈ જતો દરેક વ્યકિત ને દેશ પ્રત્યે એટલે કે દેશના બંધારણ કાયદા કાનુન અને દેશની જાહેર સંપતિ પ્રત્યે પણ એટલો જ આદર માન હોય તો જ મહાનતા આવે.

જેમ જેવી પ્રજા તેવો પ્રતિનિધિ તે જ રીતે જેવો સમાજ તેવી જ તે સમાજમાંથી આવતી પોલીસ. પોલીસ કાંઈ વિદેશમાંથી ભરતી કરીને નથી લવાતી. અહિં જે તે તંત્રો દ્વારા ચકાચક સ્પર્ધાઓ, બુધ્ધિ આંકની કસોટીઓ (જેમાં સંવેદના, સંસ્કાર, સહાનુભુતિ સમાજ અને દેશ માટે સમર્પણ નો સમાવેશ થતો નથી. જો કે અમુક ઉમેદવારો તેવા હોવાનો દાવો કરતા હોય તે જુદી વાત છે.)  વિગેરે પરીક્ષાઓ લઈને પસંદ કરેલા હોય છે.

વિશ્ર્વની સૌથી મોટી અને નિવડેલી લોકશાહિ ગણાતા આપણા દેશમાં અને ખાસ તો ગુજરાત રાજયમાં ભુતકાળમાં આવા ટોળાશાહિ કે જાતે ન્યાય કરી લેવાના બનાવો અનેક બન્યા છે. કેટલાક આંદોલનો તો શરૂમાં અમુક ઉમદાહેતુથી શરૂ થયેલા પરંતુ પાછળથી હિંસક ટોળા અને તોફાનોમાં પરિવર્તિત થયેલા અને કેટલાક આવા આંદોલનોને કારણે રાજયની સરકારો પણ ગબડી પડેલી કે ગબડાવવામાં આવેલી.

જયદેવને તેની સાંભરણમાં કોલેજ કાળમાં થયેલ નવનિર્માણ આંદોલન કે કેટલાક લોકો તેને રોટી રમખાણો પણ કહેતા તે પછી પોલીસ ખાતામાં આવ્યા બાદ રોસ્ટર અનામત આંદોલન જે કોમી તોફોનોમાં પરીણમેલુ તે પછી પોલીસ યુનિયમ આંદોલન કે જેમાં પણ કોમી તોફાનો થયેલા. તે પછી રામશિલા યાત્રા, તે પછી બાબરી ધ્વંશના તોફાનો અને તેને અનુસંધાને થયેલા સિરીયલ બોમ્બ બ્લાસ્ટો સુધીના તોફાનોની શ્રોણી દરમ્યાન લોકશાહિમાં આમ જનતા અને રાજકીય પક્ષોની ભુમીકા અને તેમાં પોલીસદળનો કેમ અને કેવો ઉપયોગ થયો અને તેમાં લોકશાહી અને આમ જનતા અને રાષ્ટ્ર એ શું શું ગુમાવ્યું તેનો જયદેવને કાંઈક અંશે ખ્યાલ હતો જ. તેમાં લોકશાહીનું સરેઆમ વસ્ત્રાહરણ અને અનેક નિર્દોષ લોકોના મોત અને કરોડો અબજો રૂપીયાની રાષ્ટ્રની સંપતિનો નાશ થયેલો. આ બધુ અમુક લોકોની લોકશાહિની મુક્ત અભિવ્યકિતના હકકના દુરૂપયોગને કારણે બનેલુ અને હજુ બનવાનું ચાલુ જ છે અને કયારે જનતામાં જાગૃતિ આવશે અને આ શિલશિલો અટકશે તે તો ભગવાન જાણે.

હવે આ પછીના આગળના પ્રકરણી અયોધ્યાથી કાર સેવા કરી આબરમતી એકસપ્રેસમાં વતન ગુજરાતમાં પરત ફરી રહેલા કારસેવકોને ગોધરાના અમુક આંતકી તત્વોએ વિદેશી હાથા બની આતંકી કૃત્ય કરી ટ્રેનનો એસ-૬ ડબ્બો જ ૬૦ જીવંત મુસાફરો સાથે સળગાવીને દેશની શાંતિમાં પલિતો ચાંપેલ અને તે પછી સમગ્ર રાજયમાં તેના પડધારૂપ તોફાનોના થયેલા તે સમયે પીઆઈ જયદેવને ઉંઝા ખાતે થયેલા અનુભવો જો લોકશાહિના સંરક્ષણ અને સંવર્ધન માટે ઉપયોગી થઈ શકે તે હેતુથી વાસ્તવીક અને તાદ્રષ્ય રીતે રજુ કરેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.