Abtak Media Google News

ગુણ અને અવગુણને સમાન માનનારા અધ્યાત્મ ન પામી શકે: આચાર્યની વાણીનો લાભ લેતા ભાવિકો

વર્ધમાનનગર શ્રી સંઘમાં બિરાજી રહેલા પ્રવચન પ્રભાવક પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજય કીર્તિયશસુરીશ્વરજી મહારાજે  પોતાની પ્રવચન શ્રેણી અંતર્ગત ગુણોનો અનુરાગ કરવાની શીખ આપી હતી.  પ્રહલાદ પ્લોટ મેઈન રોડ ઉપર  અજરામાર ઉપાશ્રયની સામે આવેલી પ્રદ્યુમનસિંહજી સ્કૂલમાં ચાલી રહેલી આ પ્રવચન શ્રેણી અંતર્ગત આચાર્ય પોતાની વાણીથી મોટી સંખ્યામાં જૈન-જૈનેતરોને પ્રભાવિત કર્યા છે. વિશ્વ હિતચિંતક આચાર્યદેવ કીર્તિયશસૂરિશ્વરજી મહારાજની વાણીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે.

Advertisement

આધ્યાત્મને પામવાના 15 ઉપાય પૈકી 10 ઉપાય સમજાવ્યા બાદ, વિશ્વ હિતચિંતક, પ્રવચન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ 11માં ઉપાય રૂપે ગુણોનો અનુરાગ કરવો એમ બાળભોગ્ય સરળ શૈલીમાં સમજાવ્યું હતું.

આચાર્યએ કહ્યું હતું કે, સર્વજનની નિંદાનો ત્યાગ અને શિષ્ટલોકનું  અનુશરણ, એ બે ગુણો જેના જીવનમાં આજે એના જીવનમાંથી દોષદ્રષ્ટ્રિ પ્રાય: નાશ થઇ જાય છે, અને એને ગુણ ગુણરૂપે દેખાવા લાગે. પોતાના જીવનમાં ગુણ પ્રગટાવવા બીજામાં રહેલા ગુણ જોતા શીખો. ગુણ પ્રગટાવવા ગુણરાગ અનિવાર્ય છે. આપણને અનુકૂળતાનો રાગ છે, પણ ગુણનો નહીં. માટે આપણે જયાં આપણી અનુકુળતા પોષે એવી વ્યકિતની શોધમાં હોઇએ છીએ.

ગુણ અને અવગુણને સમાન માનનારા અધ્યાત્મ ન પામી શકે. ગુણમાં પણ તાત્વિકતા જોઇએ. અતાત્વિક ગુણ એ ગુણાભાસ છે, ગુણ નથી. સામાને ફસાવવા ધારણ કરાતી ક્ષમા એ ગુણ નથી પણ અવગુણ છે. મારાં માતાપિતા છે, પરમ ઉપકારી છે. મને કાંઇ પણ આપે કે ન આપે, હું  તો એમની સેવા કરીશ જ. એ માં સૌભાગ્ય છે. એમ માની સેવાભકિત કરવી તે ગુણપણ સેવા કરીશ તો જ દલ્લો મળશે. માટે સેવા કરી લઉં. આ વિચારથી કરે તો સેવા ગુણ નથી પણ ગુણાભાસ છે. અવગુણ રૂપે, ગુણાભાસરૂપે રહેલા ગુણનો ત્યાગ કરી વાસ્તવિક નિ:સ્વાર્થ, તાત્વિક: સાચા ગુણનો રાગ કેળવવો જોઇએ.

દુન્યવી વ્યવહારમાં જેમ ડગલેને પગલે તમને પૈસા જોઇએ તેમ આધ્યાત્મિક જગતમાં ડગલેને પગલે ગુણ જોઇએ. ગુણ વ્યકિતમાં રહે છે, માટે ગુણવાન જોઇએ. ભૂખ્યાને ભોજન દેખાય અને જેવો અનુભવ થાય તેવો જ અનુભવ ગણરાગીને ગુણવાન મળે ત્યારે થાય. જેમની પાસે ગુણનો ખજાનો છે તે મેળવવા સાધકે તેમની પ્રત્યે અનુરાગ કેળવવો જોઇએ, તેમની ઉપાસના અને સેવાભકિત કરવી જોઇએ અને તેમની આજ્ઞાનું પાલન કરવું જોઇએ.

કોઇમાં વિશિષ્ટ ગુણ દેખાય એટલે ધન્ય ધન્ય બોલવાનું મન પણ થાય, એવું થાય તો જ સાધકનો ગુણાનુરાગ સાચો બને. જાતના દોષો ખટકયા વિના સાચો ગુણાનુરાગ પ્રગટી શકે નહી તેમ જણાવતા આચાર્યએ કહ્યું હતું કે,  જગતમાં વિવિધ પ્રકારના જીવો હોય છે. કેટલાક અધિક ગુણવાળા હોય છે, કેટલાક હીનગુણવાળા હોય છે, કેટલાક ગુણ વગરના કે જેને નિગુર્ણી કે અગુણી પણ કહેવાય છે. ગણીને જોઇને જેમ ગુણરાગ પ્રમોદ કરવાનો છે, તેમ અગુણીને જોઇને મધ્યસ્થતાઉપેક્ષા ભાવ કેળવવાનો છે. માટે આચાર્યશ્રી ગુણાનુરાગ કરવો નામનો 11મો ઉપાય સમજાવ્યા બાદ 12મા ઉપાય તરીકે મધ્યસ્થતા જાળવવા સમજાવે છે.

નિર્ગુણી એટલે જેનામાં ગુણ નથી અને પ્રયત્ન કરવા છતાં ગુણ પ્રગટે એવી જેની ભૂમિકા પણ નથી તે. એ પડેલો છે એ હજી ચડી શકયો નથી અને નજીકના ભવિષ્યમાં ચડી શકે તેમ પણ નથી. આમ છતાં એની પણ નિંદા તો નથી જ કરવાન. પણ એની ભવસ્થિતિ, કર્મની ગહનતા સંસારની વિષમતાનું જ ચિંતન કરવાનું છે, એમ કહી પોતાના આત્માના પરિણામો કુણાં રાખવાના છે આ માટે જ ઉપેક્ષા ભાવના કે મધ્યસ્થ્ય ભાવના છે.

લોકમાં કોઇ જ વ્યકિત નિંદા કરવા યોગ્ય નથી. પાપીમાં પાપી માણસનો પણ દ્રેષ ન કરતાં એની ભવસ્થિતિનોકર્મસ્થિતિનો જ વિચાર કરવાનો છે. અધિક ગુણવાળા પ્રત્યે પ્રમોદભાવ, હીન ગુણવાળા પ્રત્યે કરૂણાભાવ અને અગુણદનિર્ગુણ પ્રત્યે મધ્યસ્થ ભાવ ભાવવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.