Abtak Media Google News

લીંબડી તાલુકાના રણોલ ગામના મુસ્લિમ યુવાનને આડા સંબંધના કારણે યુવતીના બે ભાઇઓ સહિત ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા પોલીસે ત્રણેય શખ્સોની હત્યાના ગુનામાં શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબડી તાલુકાના રણોલ ગામે રહેતા સરફરાજ અબ્બાસ વડદરીયા નામના 21 વર્ષના મુસ્લિમ યુવાનની ધર્મેશ ઉર્ફે કાળુ અંબારામ રાવલ, હરદેવ ઉર્ફે સાહિલ અંબારામ રાવલ અને રણજીત ચીકા પરમાર નામના શખ્સોએ લીંબડી બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની અબ્બાસ સલમાન વડદરીયાએ લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સરફરાજ વડદરીયાને તેના જ ગામની રાવલ યુવતી સાથે આડા સંબંધ હોવાના કારણે બે દિવસ પહેલાં યુવતીના ભાઇ ધર્મેશ અને હરદેવે ઠપકો દીધો હતો અને પ્રેમ સંબંધ ન રાખવા સમજાવ્યો હતો. આમ છતાં સરફરાજ વડદરીયા પ્રેમ સંબંધ ચાલુ રાખતો હોવાથી તેને લીંબડીના ભલગામડાના ગેઇટ તરફ જવાના માર્ગ પર બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. લીંબડી પી.એસ.આઇ. વી.એન.ચૌધરી સહિતના સ્ટાફે ત્રણેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.