Abtak Media Google News

 

વોર્ડ નં.10માં સૌરાષ્ટ્ર કલા કેન્દ્રથી યુનિવર્સિટી રોડ સુધી 64,00 રનિંગ મીટર વિસ્તારમાં પેવિંગ બ્લોક નાખવાનું 58.14 લાખમાં જ્યારે આ જ વોર્ડમાં જ્યોતિનગર મેઇન રોડથી આકાશવાણી ચોક સુધી 68,00 રનિંગ મીટરનું કામ 57.44 લાખમાં અપાતા ભારે આશ્ર્ચર્ય

અબતક, રાજકોટ

કોઇપણ કામમાં ઉચું એસ્ટીમેન્ટ રાખી ટેન્ડર ડાઉન ભાવે મંજૂર કરી શાસકોની નજરમાં વ્હાલાં થવાની ઇજનેરોની પરંપરા યથાવત રહેવા પામી છે. શહેરના એક જ વોર્ડમાં એક જ કામ છતાં ઓછું કામ વધુ દામની ઇજનેરોની કારીગરીને સ્ટેન્ડિંગ કમિટીએ લીલીઝંડી આપી દેતા ભારે આશ્ર્ચર્ય વ્યાપી જવા પામ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.10માં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડથી રૈયા રોડ સુધી રસ્તાના સાઇડ સોલ્ટરમાં યુટીલીટી ડક સાથે પેવિંગ બ્લોક લગાવવા કામ માટે રૂા.71.80 લાખનું એસ્ટીમેન્ટ રાખવામાં આવ્યું હતું. 64,00 રનિંગ મીટરનું આ કામ મહારાજ ડેવલોપર્સે 15.50 ટકા ડાઉન સાથે રૂા.60.67 લાખમાં કરી આપવાની ઓફર આપી હતી. દરમિયાન આજ વોર્ડમાં જ્યોતિનગર મેઇન રોડ પર કાલાવડ રોડથી આકાશવાળી ચોક સુધીના રસ્તા પર 68,00 ચો.મી.ના કામ માટે રૂા.70.94 લાખનું એસ્ટીમેન્ટ રાખવામાં આવ્યું હતું. દરમ્યાન આ કામ ધર્મરાજ ક્ધસ્ટ્રક્શન નામની એજન્સીએ 19.02 ટકા ડાઉન સાથે રૂા.57.44 લાખમાં કરી આપવાની ઓફર આપી હતી. આ બંને કામો મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત આવી હતી. એજન્ડા પ્રસિદ્વ કરાયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલભાઇ શુક્લએ આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલનું ધ્યાન દોરતાં તેઓએ એજન્સીને પેવિંગ બ્લોકનું કામ 19.02 ટકા ડાઉન કરી આપવા જણાવ્યુ હતું. જેમાં એજન્સી સહમત થઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે એક જ વોર્ડના બે અલગ-અલગ વિસ્તારમાં પેવિંગ બ્લોકના કામમાં ઇજનેરો દ્વારા ઉંચા એસ્ટીમેન્ટ અંદાજવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આટલું જ નહીં ઓછું કામ છે ત્યાં વધુ દામ ચુકવવાની મેલી મુરાદનો પણ ઘટસ્ફોટ થયો છે. બીજી તરફ એજન્સીએ અન્ય એજન્સીની માફક 19 ટકા ડાઉનથી કામ કરી આપવાની સહમતી આપતાં સ્ટેન્ડિંગ કમિટીએ હસ્તા મોઢેં મંજૂર કરી નાંખી હતી. પરંતુ ઉંડાણમાં ઉતરવાની તસ્દી લીધી ન હતી. પેવિંગ બ્લોકના 64,00 રનિંગ ચોરસ મીટરના કામના 58.14 લાખ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ 400 ચો.મી. વધુ એટલે કે 68,00 રનિંગ મીટર પેવિંગ બ્લોકના કામના 57.44 લાખ ચુકવવામાં આવ્યા છે. ઓછું કામ, વધુ દામની ઇજનેરોની કારીગરીને પણ સ્ટેન્ડિંગે જાણે હસ્તા મોંઢે બહાલી આપી દીધી હોય તેવું લાગી રહ્યું છે.

શું વાંધો છે, બોલો? સ્ટેન્ડિંગના એક દિવસ પૂર્વે જ નેહલ શુક્લ સાથે ભાજપની સંકલન

સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલભાઇ શુક્લ દર વખતે ખડી સમિતિની બેઠકમાં અલગ-અલગ મુદ્ાઓ ઉઠાવતાં હોય છે. જેના કારણે પાર્ટી બદનામ થતી હોવાની વાતો વહેતી થઇ રહી છે. દરમિયાન હવે પછી આવી કોઇ ઘટના ન બને તે માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકના એક દિવસ પૂર્વે જ ગઇકાલે સાંજે મેયર બંગલા ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતના શહેર ભાજપના અગ્રણીઓ અને કોર્પોરેશનના શાસકોએ નેહલભાઇ સાથે એક બેઠક કરી લીધી હતી.

જેમાં તેઓએ સ્પષ્ટ પૂછ્ી લેવામાં આવ્યું હતું કે આવતીકાલની સ્ટેન્ડિંગમાં મંજૂરી અર્થે આવેલી દરખાસ્ત સામે તમને કંઇ દરખાસ્ત સામે વાંધો છે અત્યારે જ જણાવી દ્યો, ત્યારે નેહલભાઇ બે દરખાસ્ત સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે વોર્ડ નં.10માં બે અલગ-અલગ વિસ્તારોમાં પેવિંગ બ્લોકનું સરખું કામ હોવા છતાં ભાવમાં ઘણો ફરક છે. તેઓની આ બાબત સાચી લાગતાં પ્રમુખ અને ચેરમેને અંગત રસ લઇ તાત્કાલીક એજન્સીનો સંપર્ક કરી અન્ય એજન્સીએ આપેલા ડાઉન ની ટકાવારી પ્રમાણે કામ કરવાની તૈયારી હોય તો જ કોન્ટ્રાક્ટ મંજૂર કરવામાં આવશે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી. પરિણામે એજન્સીએ 15.50 ટકાના બદલે 19.02 ટકાના ડાઉન ભાવે કામ કરવા સહમત થઇ હતી.

રામવનને જોડતો રોડ રૂા.3.86 કરોડના ખર્ચે ડેવલપ કરાશે

આજીડેમ પાસે કોર્પોરેશન દ્વારા રામવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભાવનગર રોડ પરથી નેશનલ હાઇવે પરથી રામવનને જોડતો 15 મીટરનો આશરે દોઢ કિલોમીટર લાંબો રોડ ડેવલપ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂા.3.86 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આ કામ માટે રૂા.5.09 કરોડનું એસ્ટીમેન્ટ રાખવામાં આવ્યું હતું. દરમિયાન પવન ક્ધસ્ટ્રક્શન કંપની દ્વારા 24.20 ટકા ડાઉન સાથે આ કામ 3.86 કરોડમાં કરી આપવાની ઓફર આપી હતી. હવે આગામી દિવસોમાં નેશનલ હાઇવેથી સીધું રામવન સુધી જઇ શકાશે.

સ્ટેન્ડિંગમાં તમામ 25 દરખાસ્તોને બહાલી: સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ મંજૂર

કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે તમામ 25 દરખાસ્તોને મંજૂરીની મોહર મારી રૂા.12.84 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ પણ મંજૂર કરવામાં આવ્યો છે. અલગ-અલગ 28 એજન્સીઓને કુલ 560 સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડવા માટેનો કોન્ટ્રાક્ટ અપાયો છે. જેની પાછળ માસિક રૂા.11.50 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તમામ દરખાસ્તો બહાલી અપાઇ છે.

ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક માટે રૂા.3.22 કરોડનો ખર્ચ મંજૂર

શહેરના વોર્ડ નં.10માં પુષ્કરધામ મેઇન રોડ પર એજી ચોકથી યુનિવર્સિટી રોડ સુધી 400 તથા 300 એમ.એમ.ડાયાની ડીઆઇ પાઇપલાઇન નાંખવાના કામ માટે રૂા.1.11 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે આ કામથી વિમલનગર આવાસ યોજના અને આસપાસના નવા હાઇરાઇઝ બિલ્ડીંગોને લાભ થશે. આ ઉપરાંત વોર્ડ નં.9માં મુંજકામાં ટીટોડીયાપરા તથા અલગ-અલગ આવાસ યોજના માટે ડીઆઇ પાઇપલાઇન નાખવા માટે 2.10 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. તેનાથી 1,500 ઘરોને નળ જોડાણ આપવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.