Abtak Media Google News

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની

 

નૈઋત્યનું ચોમાસું વિદાય લેવા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે બંગાળની ખાડીમાં એક નવું જ લો-પ્રેશર બન્યું છે જેની અસરતળે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી શનિવાર તથા રવિવારના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. જોકે રાજયમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી સિસ્ટમ હાલ સક્રિય નથી. માત્ર છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

ગઈકાલે સાંજે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડા પંથકમાં અનરાધાર બે ઈંચ જેટલો વરસાદ વરસી જતા લોકોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. મુરઝાતી મોલાતને પણ નવું જીવનદાન મળ્યું છે.

આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૧ જિલ્લાના ૧૬ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં સૌથી વધુ ૪૬ મીમી અર્થાતે બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈમાં ૨૭ મીમી અને ડાંગ (આહવા)માં ૪ મીમી, તાપી જિલ્લાના ઉદછલમાં ૨૨ મીમી, વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૧૯ મીમી, ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ૧૧ મીમી, જેસર, પાલિતાણા અને વલ્લભીપુરમાં બે મીમી, નર્મદા જિલ્લાના ગુરુડેશ્ર્વરમાં ૯ મીમી, રાજકોટ જિલ્લાના વિંછીયામાં ૮ મીમી, સુરત જિલ્લાના પલાસણામાં ૮ મીમી, વડોદરાના સિનોરમાં ૬ મીમી, બોટાદ જિલ્લાના ગઢડામાં ૪ મીમી તથા સુરતના ચોર્યાસીમાં ૩ મીમી જેટલો વરસાદ વરસી ગયો છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હવે સાર્વત્રિક અને ભારે વરસાદ પડે તેવી કોઈ જ શકયતા નથી. લોકલ ફોર્મેશનના કારણે રાજયમાં છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

રાજયમાં ૨૫ ટકાથી વધુ વરસાદની ઘટના કારણે કેટલાક જિલ્લામાં ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતી છે. પાકને બચાવવા માટે રાજય સરકાર દ્વારા પણ સિંચાઈ માટે જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યા છે.

જોકે જળાશયોમાં પણ પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે દિવાળી બાદ રાજયમાં જળકટોકટી સર્જાય તેવી દહેશત છે. જોકે સરદાર સરોવર ડેમમાં રાજયને એક વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહિત થઈ જતા સરકારે રાહતનો શ્ર્વાસ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.