Abtak Media Google News

મોબાઇલ ફોનના પોપ્યુલેટેડ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ(PCB) જેવા મુખ્ય પાર્ટ્સ પર ૧૦ ટકા આયાત જકાત લાદવાના સરકારના નિર્ણયની ભારતની હેન્ડસેટ કંપનીઓને સૌથી વધુ ખોટ જશે. ગળાકાપ સ્પર્ધાને કારણે લાવા, માઈક્રોમેક્સ અને ઇન્ટેક્સ જેવી કંપનીઓએ આયાતના ખર્ચમાં થનારા વધારાને પોતે જ વેઠવો પડશે, પરિણામે પહેલેથી જ ઘટી ગયેલા માર્જિન પર વધુ અસર પડશે. સાથે સાથે, તેમણે આ કોમ્પોનન્ટ્સનું સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા માટે રોકાણ પણ કરવાની જરૂરિયાત ઊભી થશે.

PCB, કેમેરા મોડ્યુલ્સ અને કનેક્ટર્સ પર નવી જકાતને ગણતરીમાં લઈને વિશ્લેષકોએ હેન્ડસેટના ભાવમાં ૬ ટકા સુધીનો વધારો થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જે કંપનીઓ ભારતમાં એસેમ્બલ્ડ થતાPCB નથી વાપરતી અને આયાત કરે છે તેમની પ્રોડક્ટ્સના ભાવમાં મહત્તમ વધારો થશે. મોબાઇલ ડિવાઇસના મેન્યુફેક્ચરિંગ ખર્ચમાં ઙઈઇનો ખર્ચ ૫૦ ટકા જેટલો હોય છે, એટલે તેના ભાવમાં વધારો થયા તો સમગ્ર ખર્ચમાં વધારો થાય છે.

લાવા ઇન્ટરનેશનલના ચેરમેન હરી ઓમ રાય જણાવે છે કે, અમારા જેવી કંપનીઓ જે લોકલ પ્રોડક્શન માટે સજ્જ નથી તેમના પર ટૂંકા ગાળા પૂરતી અસર પડશે. કંપનીએ નાણાકીય બોજ પોતે જ વેઠવાનો વારો આવશે. પરંતુ અમને વાંધો નથી, કારણ કે અમે જાતે ઉત્પાદન કરીશું એટલે લાંબા ગાળે ફાયદો થશે અને કંપનીઓની વૃદ્ધિ થશે. લાવાએ ભારતમાં ઙઈઇનું એસેમ્બલિંગ શરૂ કર્યું હતું પરંતુ તેણે કરેલા ₹૧૦૦ કરોડના રોકાણનો પૂરેપૂરો ફાયદો લેવા માટે હજુ સુધી ઓપરેશન્સ વધાર્યું નથી.

માઈક્રોમેક્સના સહ-સ્થાપક રાજેશ જૈને કહ્યું હતું કે, ભાવ વધારવો કે નહીં તેનો નિર્ણય લેવો અઘરો છે. તાત્કાલિક ધોરણે ભાવ વધારવો અમારા માટે મુશ્કેલ છે કારણ કે, બજારમાં તીવ્ર સ્પર્ધા છે. અમે ઙઈઇના લોકલ એસેમ્બલિંગ માટે તૈયાર છીએ અને રુદ્રાપુર ખાતે ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે.

હોંગકોંગ સ્થિત કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના એસોસિયેટ ડિરેક્ટર તરુણ પાઠકે કહ્યું હતું કે, ભારતની મોટા ભાગની કંપનીઓ પર સૌથી વધુ અસર પડશે કારણ કે, ચીન તથા અન્ય વૈશ્વિક કંપનીઓને કારણે તેઓ ભાવમાં વધારો નહીં કરી શકે.

કંપનીઓએ કોમ્પોનન્ટ્સના સ્થાનિક ઉત્પાદન માટે અથવા સ્થાનિક સોર્સ પાસેથી મેળવવા માટે રોકાણ કરવું પડશે, એટલે નાણાકીય બોજ વધશે. આમ પણ શાઓમી, ઓપ્પો અને વિવો જેવી ચાઇનીઝ બ્રાન્ડ્સ સામે ભારતની કંપનીઓનો બજારહિસ્સો સતત ઘટી રહ્યો છે ત્યારે આ નવા નિર્ણયથી તેમને વધુ એક ફટકો પડશે.

માઈક્રોમેક્સની આવક માર્ચ’૧૭માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ૪૨ ટકા ઘટીને ₹૫,૬૧૩.૯૭ કરોડ થઈ હતી જ્યારે ઇન્ટેક્સ ટેક્નોલોજિસની આવક ૩૦ ટકા ઘટીને ₹૪,૩૬૪.૦૮ કરોડ થઈ હતી. તેની સામે શાઓમી, ઓપ્પો અને વિવોની સંયુક્ત આવક ૭ ગણી વધીને ₹૨૨,૫૨૭ કરોડ થઈ હતી, જે વર્ષ પહેલાં ₹૨,૯૧૯ કરોડ નોંધાઈ હતી.  ડ્યૂટીમાં થનારો વધારો પચાવવા માટે લોકલ કંપનીઓએ ચેનલ કમિશન પણ કાપવું પડે તેવી શક્યતા છે.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.