Abtak Media Google News

 ગૃહ વિભાગનું જાહેરનામું: અન્ય દિવસોમાં રાત્રીના ૧૦ વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ

રાજય સરકારનાં ગૃહ વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન રાત્રીના મોડે સુધી લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ નવરાત્રીના નવ દિવસ દરમિયાન રાત્રીના ૧૨ વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે.અવાજ પ્રદુષણ તેમજ ઘોંઘાટની વધતી જતી ફરિયાદોને લીધે રાજય સરકારના ગૃહ વિભાગે ગુજરાતભરમાં નવરાત્રીમાં લાઉડ સ્પીકર વગાડવા માટે રાત્રીના ૧૨ સુધીની છુટ આપી છે. વર્ષમાં નવરાત્રી સહિત કુલ ૧૫ દિવસ માટે રાત્રે ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની છુટ આપી છે. નવરાત્રી, સ્વાતંત્ર્યદિન, જન્માષ્ટમી ગુજરાત ડે સહિતના કુલ ૧૫ દિવસ કલેકટરની સુચના અનુસાર આ છુટ મળવાપાત્ર છે. આ ૧૫ દિવસ સિવાયના દિવસોમાં રાત્રીના ૧૦ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે.નવરાત્રી સહિત અન્ય તહેવારોમાં ઠેર-ઠેર સવાર સુધી લાઉડ સ્પીકર વગાડીને ઘોંઘાટ કરવામાં આવતો હોવાની પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં રજુ થઈ હતી. જેને અનુસંધાને સુપ્રીમે રાત્રે ૧૨ વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો હુકમ ફરમાવ્યો હતો. જેને પગલે રાજય સરકારના ગૃહ વિભાગે આ અંગે જાહેરનામુ પ્રસિઘ્ધ કરીને રાજયની તમામ જિલ્લા કલેકટર કચેરીને નોટીસ આપી અમલવારી કરાવવાનો આદેશ આપ્યો છે.જાહેરનામા અંતર્ગત રાત્રીના મોડે સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા નવરાત્રી મહોત્સવ સામે પગલા લેવામાં આવશે. કલેકટર દ્વારા સુચવેલા ૧૫ દિવસો સિવાય રાત્રીના ૧૦ વાગ્યા સુધીજ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.