Abtak Media Google News

એમ તો ભગવાન બધે છે, પ્રાર્થના ગમે ત્યાં કરી શકાય પરંતુ મંદિરમાં વિશેષ ભકિત લાગે, ભગવાનની સાથે વધારે આત્મીયતા લાગે, કારણ કે મંદિર એ ભગવાનનું ઘર છે માટે મંદિરે જવું ગમે છે, દર્શને જવું દિલને ખૂબ ગમે છે.

આખુ જગત ભગવાનનું છે.કબૂલ. પણ જગતમાં અનિષ્ટો પ્રવર્તે છે, પાપ ઘર કરી બેઠું છે એટલે ભગવાન ઓછો દેખાય છે. એ ત્યાં છે, પણ મહેમાન તરીકે છે, લગભગ અસ્વસ્થ થઈને છે. ઘેર ઝઘડો છે, બજારમાં છેતરપીંડી છે, રસ્તામાં અશ્ર્લીલ દ્રશ્યો છે, ચોકમાં કૃથલી ચાલે છે. ભગવાનનું ત્યાં અસ્તિત્વ છે. પણ દબાયેલું છે, દર્શન છે પણ ઝાંખા છે દુનિયા ભ્રષ્ટ થઈ છે. એનાં શહેરોમાં હિંસા છે, એના રસ્તાઓનાં પથ્થર ઉપર લોહી છે, એની હવામાં ઝેર છે, એના અંતરમાં દુ:ખ છે. દુનિયાનો એવો ખૂણો નથી જેમાં માણસનો હાથ પહોચ્યો ન હોય, માણસનું પાપ પહોચ્યું ન હોય, માટે એમાં સરળતાથી ને સ્વસ્થતાથી, શાંતિથી ને આરામથી ભગવાન મળતો નથી, એનો ભેટો થતો નથી.

પણ એ ભ્રષ્ટ દુનિયામાં પણ માનવીએ ભગવાનને માટે થોડી જગ્યા રાખી છે. નાનકડુ દેરૂ કે ભવ્ય મંદિર, પૂજાની ઓરડી કે સોનાનું ગર્ભગૃહ થોડી જગ્યા એને માટે અલગ રાખી છે, પેલા પાપ ને નિંદા ને હિંસાથી અલિપ્ત રાખી છે. જેથી એ ત્યાં ધણી તરીકે વસે, રાજા તરીકે સિંહાસન પર બેસે દેવ તરીકે દર્શન આપે, આશીર્વાદ આપે. વરદાન આપે.

મંદિરનું સ્થાન પવિત્ર છે.દૂરથી એનો ધ્વજ ફરકે. ઈશ્ર્વરનો દરબાર છે. રાજાધિરાજનો મહેલ છે. મંદિરનો ધ્વજ પણ એજ કહી રહ્યો છે. ભગવાનની કચેરી, સ્વર્ગનો ટુકડો. આપણી વચ્ચે એનો વાસ ને એનું રહેઠાણ, પુણ્ય ભૂમિ, પવિત્ર ધામ માટે એની આગળ પગમાંથી ચંપલ કાઢીને અંદર જવાય. મનમાંથી મલિન વિચારોને અયોગ્ય સ્મરણોને સંસારની ચિંતાઓ કાઢીને અંદર જવાય, પવિત્ર પગલે જવાય. પવિત્ર મને જવાય, ભગવાનનું ઘર છે એ ભાન સાથે જવાય, એ માન સાથે જવાય અને અંદર જતા જ એ પવિત્રતાને મંગલમયતાનો અનુભવ થાય.

મંદિરનો ઘંટ વાગે, દિલ જાગ્રત બની જાય. આખા વાતાવરણમાં એ ઘંટનો અવાજ ફેલાય, અને પોતાના સ્પર્શથી હવાના કણેકણને શુધ્ધ ને ચેતનમય બનાવતો જાય. ઘંટનો નાદ હવાનો કબજો લે છે, હવામાં પ્રાણ પૂરે છે, હવાને દીક્ષા આપે છે. અને એ મંતરેલી હવામાં આવીને, એનો શ્ર્વાસ લઈને એથી ઘેરાઈ જઈને દર્શનાર્થી પણ એની ધન્યતા ને એની શકિત અનુભવે છે. મંદિરની હવા પણ પવિત્ર છે. એનાં પથ્થરને એની દીવાલ, એનાં સ્તંભ ને એનાં તોરણ, એની હવાને એનો કલશ-બધુ પવિત્ર એક શાંતિનો બેટ છે, ભકિતનો મંડપ છે, કૃપાની કુંજ છે.

અને મંદિરની વચ્ચે એ મૂર્તિ. ગર્ભગૃહના અંધારામાં, દીવાના થરથરતા પ્રકાશમાં ધૂપની સાત્વિક ધુણી વચ્ચે, સ્થિર, શાશ્ર્વત, નજર સામે ઉભેલી પણ દૂરદૂરની લાગતી, પથ્થરની બનેલી પણ દિવ્ય તત્વની ભાસતી,વિશ્ર્વાસને ક્ષોભ, ભકિત ને ભય એકી સાથે પ્રેરતી એ પરિચિત ને પારકી ને ચાહેલી ને પૂજેલી મૂર્તિ છે. એની આગળ હાથ આપોઆપ જોડાય છે. માથુ નમી પડે છે. હોઠ ભગવાનનું નામ લે છે, અને આંખો બંધ થઈને શ્રધ્ધાના તેજમાં એનાં દર્શન પામે છે.

મૂર્તિ ભગવાનનું પ્રતિક. ધર્મનો આવિર્ભાવ, ભકિતનું સ્ફૂરણ, શકિતનો પિંડ.

મૂર્તિમાં ભગવાનનું સ્વરૂપ છે, એનો સ્પર્શ છે, એનો વાસ છે. સાનિધ્યનો ચમત્કાર છે, સામીપ્યની પ્રતીતિ છે. મૂર્તિમાં શકિત ભરેલી છે, વિધુન પ્રવાહનો સંચાર છે એની નજીક આવતા, દેહ સાથે ને દિલ સાથે એની નજીક આવતા એ શકિત અનુભવાય છે, એનો ચમકારો લાગે, એની ધન્યતા સ્પર્શી જાય, તે અહીયા છે. નજીક છે. સંજ્ઞામાં ગુપ્ત વેશે, અજ્ઞાતવાસમાં, પણ અહીંયાં છે ને નજીક છે એ એનું એ કેન્દ્રને લક્ષને ધ્રુવને ધરી એ ધન્ય મૂર્તિ છે. મૂર્તિમાં દિવ્યતાનો અંશ છે.

મૂર્તિ એ પ્રતિબિંબ છે અને સંજ્ઞા છે. સામ્ય છે. પણ આબેહુબ ચિત્ર નથી; રૂપક છે. પણ તાદશ વર્ણન નથી. સમજનારને તે સમજાવે છે. કે : ભગવાન બધુ જુએ છે એટલે નિત્ય ખૂલ્લી આંખો મૂકી છે, તે ર્સ્વસ્મર્થ છે માટે ચાર હાથ આપ્યા છે, તે બધે હાજર છે માટે એનું વાહન સજજન છે, તે દયાળુ છે માટે એની પ્રસન્ન મુદ્રા બતાવી છે. સંકેત છે. ભાષા છે. એનો સંદેશ ઝીલવાનો એનો બોધ દિલમાં સંઘરવાનો અને એ સંદેશને એ બોલ લઈને મૂર્તિની આગળ પૂજય ભાવે બેસી રહેવાનું હવે આંખો બંધ છે. હવે કુતૂહલ જગાડે કે ધ્યાને ઉડાડે એ રંગોને એ અંગો દેખાતા નથી. પણ અનુભવાય છે. લગભગ હવામાં ઝિલાય છે એ શકિત છે એ સાંનિધ્ય છે. એ ભગવાન છે. ધન્ય છે એ મૂર્તિ. ધન્ય છે એ પ્રેમાળ ભગવાન.

ભકતો આવે છે ને જાય છે. દર્શન કરતા જાય છે, નમસ્કાર કરતા જાય છે, સ્પર્શ કરતા જાય છે ને મૂર્તિ શાશ્ર્વત, સનાતન, સ્થિર નવા, ભકતો આવે છે, રોજ આવે છે અને એમનાં પૂણ્ય મૂર્તિમાં ઉમેરાતા જાય છે, એમની શ્રધ્ધાથી ને ભકિતથી ને સિધ્ધથી એ મૂર્તિ સમૃધ્ધ બનતી જાય છે, સમર્થ બનતી જાય છે.

ભગવાન અહીંયા છે, નજીક છે, સામે છે. મૂર્તિનો આંખને માટે આ સંદેશ હતો હવે ભગવાનને દિલને માટે આ સીધુ કહેણ છે. તે સામે છે.ધ્યાન ધરે છે. કોણ કોનું ધ્યાન ધરે છે ? કોણ કોના દર્શન કરે છે ? હવે ભકત ને ભગવાન સામસામે. પાસે ને પાસે એકબીજાના ધ્યાનમાં એકબીજાના પ્રેમમાં, મંદિરની ઓથે મૂર્તિને છાંયડે.

ઘંટ વાગે છે. ધૂપ પ્રગટે છે. મંત્રોચ્ચાર ચાલે છે. પગથિયાના ઘસાયેલા પથ્થરો ઉપર શ્રધ્ધાળુઓનાં પગરવ છે. દિલમાં શાંતિ ને ધન્યતા ને આનંદનો અનેરો અનુભવ છે.

મંદિરનો આશીર્વાદ છે. મૂર્તિનો પ્રસાદ છે.હા, મંદિરે જવું ગમે છે. દર્શને જવું ગમે છે. મંદિરનો આશ્રય અને મૂર્તિની હુંફ ન હોત તો હૃદયમાંનો એ ધર્મનો દીવડો કયારનોય ઓલ વાઈ ગયો હોત !

ગુરૂજીના મંત્રો!

મારા પૂ. ગુરૂદેવે મને સમજાવ્યું હતુ કે નવો સમાજ રચવા હશે, રામરાજય સ્થાપવું હશે તો તે સેવાના માધ્યમ દ્વારા જ થઈ શકશે સેવામાં બોલવાનું નથી, ઉપદેશ આપવાનો નથી, પણ ભગવાન રાઘવેન્દ્ર સરકારનું ચરિત્ર સાથે રાખવાનું છે. શ્રી રામચંદ્ર ભગવાને જીવનમાં કયારેય કોઈનેય ઉપદેશ આપ્યો નથી. એમણે શ્રી સીતામાને વનમાં આવવા ના પાડી, પરંતુ માતાજીએ પોતાનો ધર્મ બજાવ્યો અને વનમાં સાથે ગયા. ભગવાને ભાઈઓને પણ કાંઈ કહ્યું નથી, પણ ભાઈઓએ આપ મેળે પોત પોતાનો ધર્મ બજાવ્યો. શ્રી રાઘવેન્દ્ર સરકારે તો કેવળ આચરણ દ્વારા જ ઉપદેશ આપ્યો છે.

એટલે, સેવાનું પહેલુ મહત્વ છે આચરણ, બોલ્યા સિવાયનું આચરણ જે ઉપદેશ સાંભળ્યો, સમજયા તેને આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરો, આદર્શ ચરિત્રમાં પહેલાં તો ઉપદેશ આપવાનું બંધ કરવાનું છે. સાચો. આદર્શ સમાજ ઉભો કરવો હશે તો વિચારને પ્રચારને પ્રાધાન્ય આપવાને સ્થાને સદાચારને પ્રાધાન્ય આપવું પડશે.

વળી સેવામાં અપેક્ષા નથી. આજે તો સેવામાં પાખંડ પેસી ગયું છે. સત્કાર્યો થાય છે.પણ પરિણામ સારૂ નથી, કારણ કે અંદરનો ભાવ જુદો છે. અંદર કાંઈક અપેક્ષા છે, કંઈક લેવાની ઈચ્છા છે. દાન આપતી વખતે દાતાના નામનું પાટિયું લગાવવાની શદત રહે છે. આમાં સેવા કયાં રહી ? આ તો ધંધો થઈ ગયો-માન કમાવવાનો, પ્રતિષ્ઠા કમાવવાનો, એ તો સેવાની એક પેઢી થઈ જાય છે. આપી છૂટવાની ઈચ્છા હશે ત્યારે જ સાચી સેવા થઈ શકશે.

તેથી તો જીવનમાં સૌથી પ્રધાન સ્થાન આપ્યું છે માતાને-માતૃદેવો ભવ, માતા એ કેવળ સેવાની મૂર્તિ છે, જે બાળકને સદાય આપતી જ રહી છે; અપેક્ષા જરાય નથી.

સેવામાં સાધન મુખ્ય નથી, ભાવ તખ્ય છે. સહાયરૂપ થવા માટે સાધનની સહાયતા આવશ્યક છે. પરંતુ સેવામાં શ્રમ-તનની સેવા મુખ્ય છે. થોડો પણ સમય કાઢીને બીજાનું દુ:ખ હળવું કરવા પ્રયત્ન કરવો એ સેવા છે. ઘરના લોકો માટે કંઈ કરીએ એ સેવા નથી એ તો કર્તવ્ય છે. પરંતુ આપણી આસપાસનાં માટે શરીર ઘસી છૂટીએ એ સાચી સેવા છે.

સૌ કોઈ ભલે આમ ન કરી શકે, પરંતુ ચોવીસ કલાકમાં એક કલાક તો કાઢી શકો કે નહિ ? એક કલાક સેવા માટે અને એક કલાક ભકિત માટે કાઢી ન શકાય ? જેને જેમ રચે તેવો નિયમ રાખે. સેવામાં હિસાબ રાખવાનો હોય નહિ.

સેવા માટે કયાંય દૂર જવાનું નથી. નજર કરશો તો પોતાના જ લતામાં આસપાસ સેવાનાં નાના નાના કામ મળી આવશે. નાનો લત્તો હોય તેને સાફસૂફ રાખવો એ પણ સેવા છે. સેવામાં કોઈ કામ હલકુ નથી. કોઈ માંદુ હોય, નિરાધાર હોય તેની માવજત પણ સેવા છે. કોઈ નિરક્ષરને અક્ષરજ્ઞાન આપીને સેવા થઈ શકે છે.માનવી ત્રણ પ્રકારે દુ:ખી છે એની પાયાની આવશ્યકતાઓ છે; રોટલો-ઓટલો અને વસ્ત્ર કોઈ પણ માણસ આ આવશ્યકતાઓ વિનાનો રહેવો ન જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.