Abtak Media Google News

સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના પદવીદાન સમારોહમાં 18 ગોલ્ડમેડલ,  4 સિલ્વરમેડલ સહિત કુલ  785 ડીગ્રી પ્રમાણપત્રો એનાયત કરાયા

પદવીદાન સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનસુરીયા રહ્યા વર્ચ્યુઅલ ઉપસ્થિત

સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના 15મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ   આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃત સાહિત્ય, વેદ-વેદાંગ, વ્યાકરણ, દર્શન, પુરાણ અને અભિનવવિદ્યા વિજ્ઞાન વિષયોના શાસ્ત્રી, આચાર્ય, તત્વાચાર્ય (એમ.ફીલ.) અને વિદ્યાવારિધિ ( પીએચ.ડી.) ની પદવીઓ પ્રદાન કરી હતી.

રાજભવનથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. વ્યક્તિમાં સત્ય, અહિંસા જેવા સામાજિક સુવ્યવસ્થાપ્રદ સદગુણોનો પ્રાદુર્ભાવ થાય એ જ ભારતીય શાસ્ત્રોનું લક્ષ્ય રહ્યું છે. સંસ્કૃત ભાષાને લોકભાષા બનાવીએ. સંસ્કૃત ભાષાના દૈનિક પ્રયોગથી એક વિશેષ પ્રકારની ઊર્જા મળે છે. આ ઊર્જાથી વ્યક્તિત્વમાં તેજસ્વીતા, ક્ષમા, ધૈર્ય અને પવિત્રતાનો સંચાર થાય છે, તથા વેરભાવના અને અભિમાન જેવા અવગુણોથી મુક્તિ મળે છે, જેનાથી સમાજમાં સુખ, શાંતિ અને સામાજિક સમરસતાની સ્થાપના થાય છે. પ્રાચીનકાળથી સંસ્કૃત સાહિત્યને કારણે જ આપણી સંસ્કૃતિ સહિષ્ણુ અને સર્વસમાવેશી છે. આપણે ભારતીયો એટલે જ ક્ષમાશીલ છીએ. ભારતીયોમાં દયા અને કરુણાના ભાવ આ શાસ્ત્રોને કારણે જ સહજ ઉપલબ્ધ છે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃત સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યોને સંસ્કૃત ભાષાને લોકભાષા રૂપે પ્રતિસ્થાપિત કરવા પ્રયત્નો કરવાનું આહ્વાન કરતાં કહ્યું હતું કે, સંસ્કૃત શાસ્ત્રોમાં; આયુર્વેદમાં વિજ્ઞાન છે. જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્ર વિજ્ઞાન છે. ધ્વનિ વિજ્ઞાન પણ છે, જેના ઉદાહરણો છે. શાસ્ત્રોનીહિત વૈજ્ઞાનિક તથ્યોમાં સંશોધનોને પણ અવકાશ છે પરંતુ આ માટે સંસ્કૃત ભાષાને લોકભાષા બનાવીને સહજ સંસ્કૃત વ્યવહાર અપનાવવો પડશે. જો આમ થશે તો સમગ્ર વિશ્વમાં સંસ્કૃત ભાષા ઝડપથી પ્રચલિત થશે, જેનાથી માત્ર ભારતને જ નહીં સમગ્ર વિશ્વને લાભ થશે.

સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વેરાવળનો 15મો  પદવીદાન સમારોહ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયો હતો. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ્લભાઇ પાનસુરિયા પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સંસ્કૃત વિશ્વવિદ્યાલયોમાં ગુરૂ પરંપરા અને તપોવન પદ્ધતિથી ઉત્તમ માર્ગદર્શન મેળવી, શિક્ષા પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓ જ્યારે બહાર નીકળે છે ત્યારે સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા સંસ્કૃતની ભાષા અને જ્ઞાનને વિશાળ ફલક પર વિસ્તારવાનો  ભગીરથ અને સરાહનિય પ્રયાસ આરંભાય છે. જ્યારે અન્ય દેશોનો ઉદ્ભવ પણ નહોતો ત્યારે આપણા ભારતમાં વેદ અને બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખાયા છે. જ્યાં મહાદેવ બીરાજમાન છે તે સ્થાનેથી તેજોમય સંસ્કૃત ભાષાનો ફેલાવો થઈ રહ્યો છે તે અત્યંત ગર્વની વાત છે.

આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)-343, આચાર્ય (એમ.એ.)- 191, પી.જી.ડી. સી.એ.- 181, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)- 43, તત્ત્વાચાર્ય (એમ.ફિલ.)-10 અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)-17 મળીને કુલ 785 ડીગ્રી પ્રમાણપત્રો તેમજ કુલ 18 ગોલ્ડમેડલ અને 4 સિલ્વરમેડલ એમ કુલ મળીને 22 જેટલા પદકો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતાં.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ, જુનાગઢ તથા વિશ્વવિદ્યાલય વચ્ચે થયેલા એમઓયુ અંતર્ગત  વ્યાકરણ વિષયનાં સંસ્કૃત વિદ્વાન ડો. રામકિશોર કેદારપ્રસાદ ત્રિપાઠીને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-2023 પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

આ સમારોહમાં સારસ્વત અતિથિ તરીકે નવી દિલ્હી કેન્દ્રિય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના  કુલપતિ પ્રો. શ્રીનિવાસ વરખેડી, આઈઆઈટીઈ, ગાંધીનગરના કુલપતિ શ્રી પ્રો. હર્ષદ પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના કુલપતિ પ્રો. કિશોરસિંહ ચાવડા, બિરસામુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના   ડો. મધુકર પાડવી, યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડો. લલિતકુમાર પટેલ અને કુલસચિવ ડો. દશરથ જાદવ સહિત વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ   પિયુષભાઈ ફોફંડી, વિક્રમભાઈ પટાટ સહિતના અગ્રણીઓ અને સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર્સ, વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.