Abtak Media Google News
  • ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહના સાંસ્કૃતિક ઉત્સવ – માધવપુર મેળાનો રાજ્યપાલ હસ્તે શુભારંભ 
  • ‘મંગલ માધવપુર’ નામની રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિએ રંગ જમાવ્યો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પરાપૂર્વથી માધવપુર ઘેડ વિસ્તારમાં રૂક્ષ્મણીજી અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહના પરંપરાગત રીતે ઉજવાતા લગ્નોત્સવના પ્રસંગ અંતર્ગત માધવપુરના લોકમેળાનો આજે રામનવમીના પવિત્ર દિવસે શુભારંભ કરાવ્યો હતો.

Sri Krishna'S Life Events Contain The Essence Of Ideal Living: Acharya Devvratji
Sri Krishna’s life events contain the essence of ideal living: Acharya Devvratji

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાષા, વેશભૂષા, ભજન, ભૂગોળ અને ભોજનનો જેમાં સમન્વય થાય છે. તેને આપણે સંસ્કૃતિ ગણીએ છીએ. આ તમામ બાબતોનો સમન્વય માધવપુરના મેળામાં થાય છે. આ મેળામાં સમયની સાથે નાગરિકો અને સરકારના પ્રયાસથી નવા નવા આયામો જોડાઈ રહ્યાં છે. આ મેળામાં ઈશાન ભારતના હસ્તકળા, નૃત્યના કલાકારો તેમની કલાના કામણ પાથરવાના છે. તો લોકડાયરા દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી પણ રજૂ કરવામાં આવનાર છે. જેથી આ મેળો ભારતવર્ષના પૂર્વ અને પશ્ચિમનો મિલન કરાવતો મેળો બની રહ્યો છે.કલા અને સંસ્કૃતિ સાથે આ મેળા દ્વારા ઉત્તરપૂર્વ અને ગુજરાત વચ્ચે આર્થિક પ્રવૃત્તિઓ વધારવાના પ્રયાસ થઈ રહ્યાં છે. તેમજ રમતગમતને ઉત્તેજન આપવા બીચ સ્પોર્ટ્સ, રેતશિલ્પ વગેરેનું આયોજન થઈ રહ્યું છે. તેનાથી પૂર્વ અને પશ્ચિમના રાજ્યો વચ્ચે વ્યાપાર વાણિજ્યમાં પણ વૃદ્ધિ થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

Sri Krishna'S Life Events Contain The Essence Of Ideal Living: Acharya Devvratji
Sri Krishna’s life events contain the essence of ideal living: Acharya Devvratji

આ મેળાની શરૂઆત દિપ પ્રાગટ્યથી થઈ હતી અને નોર્થ-ઈસ્ટના કલાકારો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે વાતાનુકૂલિત ડોમમાં મોટી સંખ્યામાં મેળાના મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને રાજ્યપાલ સહિત મહાનુભાવોએ ઉત્તર-પૂર્વ અને ગુજરાતના કલાકારોની ‘મંગલ માધવપુર’ નામે સાંસ્કૃતિક પ્રસ્તુતિ નિહાળી હતી.આ પ્રસંગે પ્રવાસન અગ્રસચિવ  હારિત શુક્લા, યુવક સેવા અને સાંસ્કૃતિક સેવાઓના કમિશનર  આલોકકુમાર પાંડે, ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડના એમ.ડી અને કમિશનર  એસ.છાકછૂઆક, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત સચિવ શ્રી ડી.કે.વસાવા, દેવભૂમિ દ્વારકા કલેક્ટર  જી.ટી.પંડ્યા અને માધવપુર ઘેડના પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

મેળો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડે છે.મુખ્ય સચિવ રાજકુમારે

મુખ્ય સચિવ રાજકુમારે આ અવસરે જણાવ્યું કે, પ્રાચીન સમયથી જ ગુજરાત ઉત્સવોની ભૂમિ રહ્યું છે. માધવપુરનો આ મેળો બધા ઉત્સવોમાં અનોખી નામના ધરાવે છે. આ મેળો માત્ર મેળો નથી, પણ સાંસ્કૃતિક ઉત્સવ વિશેષ છે. આ મેળો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડે છે. આ મેળામાં સાંસ્કૃતિક એકતાના દર્શન થાય છે. ભારતના પૂર્વ અને પશ્ચિમના છેડાને એકસૂત્રમાં બાંધતો આ મેળો અનેક  પ્રાચીન ગાથાઓ સાથે જોડાયેલ છે. જે પ્રાચીન પરંપરાઓ અને રિવાજની ઝાંખી કરાવતો ઉત્સવ છે. આ બન્ને વચ્ચે હજારો કિ.મી.નું અંતર હોવા છતાં એવો અતૂટ નાતો છે. જે બન્ને પ્રદેશના લોકોમાં આગવું સ્થાન ધરાવે છે. જે વિવિધતામાં એકતાની મિસાલ બની રહ્યો છે. અહીં હજારો વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણના વિવાહ ઉત્તર-પૂર્વની રાજકુમારી સાથે થયા હતાં. જે કાળસંબંધનું પ્રતિક અને પ્રાચીન વારસો છે. પ્રાચીનકાળથી ભારતના વિવિધ રાજ્યો એકબીજા સાથે જોડાયેલા છે. વિવાહના સંસ્કાર સોળ સંસ્કાર પૈકીના એક છે. લગ્નજીવન દ્વારા જીવન સુખમય બનાવી શકાય છે એવો આ સંદેશ આ મેળો આપે છે.

Screenshot 4 7  શ્રીકૃષ્ણએ તેમની જીવનલીલાના અનેક પ્રસંગો ગુજરાતની ભૂમિ પર કર્યાં :રાજ્યપાલ

રાજ્યપાલ એ આ અવસરે જણાવ્યું હતું કે, ભારતીય જીવનદર્શનમાં બે ઉચ્ચકોટિના વ્યક્તિત્વનો પ્રભાવ જોવા મળે છે. જેમાં એક વ્યક્તિત્વ છે ત્રેતાયુગમાં થઈ ગયેલ મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ, કે જેમનો આજે જન્મદિવસ છે અને બીજું વ્યક્તિત્વ છે, દ્વાપરયુગમાં થઈ ગયેલ ભગવાન શ્રી કૃષ્ણ. આ બન્ને વ્યક્તિત્વ ભારતીય જીવનદર્શનમાં વ્યાપક પ્રભાવ ધરાવે છે અને સમગ્ર જીવનદર્શનનો સાર તેમના જીવનપ્રસંગોમાંથી મળી રહે છે.

આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું કે, માધવપુરનો મેળો એ લગ્નપ્રસંગ પૂરતો મર્યાદિત નથી પરંતુ ભારતની પૂર્વની સંસ્કૃતિને પશ્ચિમની સંસ્કૃતિ સાથે જોડવાનો એક અભૂતપૂર્વ પ્રસંગ છે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની વિભાવના તેના દ્વારા ખરા અર્થમાં સાર્થક થાય છે. આ મેળામાં ઉત્તરપૂર્વના રાજ્યોના કલાકારો માધવપુરમાં આવીને તેમની હસ્તકલા, ખાદ્યશાસ્ત્ર વગેરેનું નિદર્શન કરે છે. જેનાથી બન્ને સંસ્કૃતિના મૂલ્યો સાથે એકતાંતણે જોડાય છે. તેનાથી કલાકારોની ગરિમા અને ગૌરવમાં વધારો થાય છે, તેમજ એકબીજા વચ્ચે ભાઈચારાની ભાવના વધુ સુદ્રઢ બને છે.

માધવપુર મેળામાં રેતી શિલ્પ કલાથી ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહનું વર્ણન

માધવપુર મેળામાં દરિયાકાંઠે રેતી શિલ્પ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરાયું છે.પોરબંદરના માધવપુર બીચ ઉપર કલાકારોએ રેતી શિલ્પ કૃતિઓ રજૂ કરી છે. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની રાજ્ય લલિત કલા એકેડેમી અમદાવાદ દ્વારા આયોજિત રેતીશિલ્પ મહોત્સવ 2024માં માધવપુર મેળામાં તા. 17 થી 21 એપ્રિલ સુધી પાંચ દિવસનું રેતી શિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેત શીલ્પમાં ગુજરાતના ખ્યાતનામ 30 થી 35 કલાકારો દ્વારા પોતાની ઉતમ ક્રૃતિ રજૂ કરવામાં આવી છે. રમત ગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિનીકુમાર, આલોક પાંડે, જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સચિવ ટી.આર.દેસાઈ, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રમતગમત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. રેતી શિલ્પના પાંચ દિવસના આ કાર્યક્રમમાં અલગ અલગ કલાકારો પોતાની કૃતિઓમાં રુક્ષ્મણી હરણ, માધવ વિવાહ, માધવપુર મેળાની પ્રતિકૃતિ, મોરપીંછ, શંખ, રામ મંદિર, મતદાન જાગૃતિ, જલ પરિ, વાંસણી સાથે કૃષ્ણ, જેવા રેતી શિલ્પ તૈયાર કરાયા છે. ગુજરાત લલિતકલા કલાની ટીમ આ શિલ્પોની જાળવણી કરશે

મેળાની પરંપરાઓ અકબંધ રાખવા માટે એક મહિનાથી વહીવટી તંત્ર ખડેપગે: કલેક્ટર  કે.ડી.લાખાણીએ

પોરબંદર કલેક્ટર  કે.ડી.લાખાણીએ આભારદર્શન કરતાં જણાવ્યું હતું કે, માધવપુર મેળાની પરંપરાઓ અકબંધ રાખતાં એક મહિનાની વહીવટી તંત્રની વ્યાપક તૈયારીઓથી આ મેળાને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ માટે જેણે પણ સાથ-સહયોગ આપ્યો છે. તેવા તમામ વિભાગો અને ઉત્તર-પૂર્વ રાજ્યના વિવિધ વિભાગોના સહકારની પણ તેમણે સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો. કલેક્ટર એ અહીં લોકસુવિધાને અગ્રતા આપવા માટે જિલ્લાની ટીમે આપેલા સહયોગ અને સૌએ કરેલા પરિશ્રમ અંગે આભારની લાગણી વ્યક્ત કરી પરમકૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા સૌ પર રહે એવી અભ્યર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.