Abtak Media Google News

કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને વેસ્ટ બંગાળ સહિતના રાજ્યોમાંથી ગયેલા ૫૦૦ કર્મચારીઓને ભારત લાવવા ૫-૬ ચાર્ટર્ડ ફલાઈટ તૈયાર

મહામારી વચ્ચે અસંખ્ય પોઝિટિવ કેસ અને લોકડાઉનના કારણે દુબઈમાં રિટેલ જવેલર્સને ટકવું મુશ્કેલ પડી રહ્યું છે. શોરૂમના તોતીંગ ભાડા ભરવા રિટેલર્સ અસમર્થ બની ગયા છે. પરિણામે ભારતની કોર્પોરેટ કંપનીઓ દુબઈમાંથી પોતાના કર્મચારીઓને પ્લેન મારફતે પરત બોલાવી રહી છે. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ દ્વારા પણ કર્મચારીઓને પરત બોલાવવાની ગતિવિધિ ચાલુ છે. આગામી સમયમાં કંપનીના ૫૦૦ કર્મચારીઓ ગલ્ફમાંથી પોતાના પરિવાર સાથે ભારત આવી શકે તેવો તખતો ગોઠવાઈ ગયો છે.

Advertisement

કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, પં.બંગાળ સહિતના રાજ્યોમાંથી ૫૦૦ જેટલા કર્મચારીઓ પોતાના પરિવાર સાથે યુએઈમાં ગયા હતા. તેઓ માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડમાં જોડાયા હતા. અત્યારે દુબઈમાં આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે. સોનાની ખરીદી તળીયે છે. માંગ વધતી નથી. અધુરામાં પૂરું શોરૂ મના ઉંચા ભાડા કંપનીને પોસાય તેમ નથી. થોડા સમય પહેલા કંપનીઓ દ્વારા ભાડામાં ૫૦ ટકાની રાહત આપવાની રજૂઆત થઈ હતી. દરમિયાન હવે હાલત ખરાબ હોવાથી કંપનીઓ પોતાના કર્મચારીઓને પરત બોલાવી રહી છે. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડની પ્રથમ ફલાઈટ સાઉદી અરેબીયાથી કલીકટ લેન્ડ થઈ ગયું હતું. જેમાં ૧૭૧ કર્મચારીઓ હતા.

આ મામલે દુબઈમાં ભારતના કાઉન્સીલ જનરલે કહ્યું હતું કે, ઘણા ભારતીયો દુબઈમાંથી ભારત પરત ફરવા ઈચ્છી રહ્યાં છે. હું તેમને વિનંતી કરૂ છું કે તેઓ ધીરજ રાખે, સરકાર જરૂર મુજબના પગલા લેશે. ભારત પરત ફરવા ઈચ્છુક ભારતીયો માટે ફલાઈટ વધારવામાં આવશે. આ ઉપરાંત ભારતીયોની સુરક્ષા જળવાઈ રહે તે માટે સુવિધા ઉભી કરવામાં આવશે.

કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સ્વાસ્થ્યના કારણોસર પરત મોકલાયા

માલાબાર ગ્રુપ દ્વારા કર્મચારીઓ અને તેમના પરિવારજનોની સુરક્ષાના કારણોસર યુએઈથી ભારત મોકલવામાં આવી રહ્યાં છે. જેમાં વૃદ્ધો, અગાઉથી રોગનો ભોગ બનેલા કર્મચારીઓ અથવા તેમના પરિવારના સભ્યોને ચાટર્ડ ફલાઈટથી ભારતમાં પ્રવેશ કરાવાઈ રહ્યો છે. કર્મચારીઓ સુરક્ષીત રહે તે જોવાની જવાબદારી કંપની નિભાવી રહી છે. દુબઈમાંથી કર્મચારીઓને ભારત મોકલવામાં ઈન્ડિયન કાઉન્સીલેટ દ્વારા ખુબ સારો સહકાર મળ્યો હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.