Abtak Media Google News

નશામાં ધૂત પિતા સાથે થયેલા ઝઘડાનો કરુણ અંજામ: બોથડ પદાર્થના ઘા ઝીંકી પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

યુવાન ઘરે પરત નહી ફરતા પરિવારે તપાસ કરતા યુવકની મૃતદેહ વાડીમાંથી મળી આવ્યો હતો

જસદણ તાલુકાના કનેસરા ગામના યુવાનનો તેની વાડીએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ ભાડલા પોલીસ મથકના સ્ટાફને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. બાદમાં મૃતક યુવાનની લાશને પ્રથમ જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડયા બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી હતી.જેમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવાન અને તેના પિતા વચ્ચે અવારનવાર ઝગડા થતા હોઇ ગત રાત્રે નશામાં ધૂત પિતા સાથે ઝગડો થતા તેને પુત્રના માથામા બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

Advertisement

માહિતી મુજબ જસદણ તાલુકાના કનેસરા ગામે રહેતો અને હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતો મહેશભાઈ બટુકભાઈ કુકડીયા(ઉ.વ. 24) ગઈકાલે રાત્રીના તેની વાડીએ પાણી વાળવા માટે ગયો હતો. પરંતુ સવાર પડવા છતાં તે યુવાન ઘરે પરત નહી ફરતા તેના પરિવારજનો વાડીએ તપાસ માટે ગયા હતા. ત્યારે વાડીએ પાણીની મોટર ચાલુ હતી. અને ખાટલામાં કપડું ઢાંકેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી હતી. બાદમાં આ બનાવ અંગે ભાડલા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાનનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, મૃતક મહેશ કુકડીયા પોતે અપરણિત હતો અને તે હીરા ઘસવાનું કામ કરી પરિવારને મદદ થતો હતો. અને ગામમાં પણ કોઈ સાથે મનદુ:ખ ન હોવાનું ખુલ્યું છે. પરંતુ મૃતક અને તેના પિતા વચ્ચે અવારનવાર ઝગડા થતા હોઇ ગત રાત્રીના નશામાં ધૂત તેના પિતાએ પુત્ર મહેશ સાથે ઝઘડો કરી તેના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ ભાડલા પોલીસે હત્યાની ઘટનાની નોંધ કરી યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટની મેડિકલ કોલેજ ખાતે ખસેડી બનાવનું સાચું કારણ બહાર લાવવા માટે આગળની તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.