Abtak Media Google News

છેલ્લા 24 કલાકમાં દેશમાં સામે આવ્યા 4 હજારથી વધુ કોરોના કેસ: 21 હજારથી વધુ એક્ટિવ કેસ

દેશમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી દેખાઈ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 4041 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ  2363 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 10  લોકોના મોત થયા છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 21177 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 26 લાખ 22 હજાર 757 લોકો કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યા છે. જયારે દેશમાં રિકવરી રેટ 98.74 ટકા છે. તો કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં 5,24,651 લોકોના મોત થઈ ચુક્યા છે. હાલ મહારાષ્ટ્ર, તેલંગણા, ગુજરાત, મધ્યપ્રદેશ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને બંગાળને કોરોના રડાર પર મુકવામાં આવ્યા છે. આ રાજ્યોમાં પણ કેસો વધ્યા છે.

તમને જણાવી દઈએ કે, ત્રણ મહિના પછી રોજના કેસ ચાર હજારને પાર કરી ગયા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હીમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ગુરુવારે દેશમાં કોરોનાના કેસોમાં ૩૫.૨ ટકાનો વધારો થયો હતો.

મુંબઈમાં 17 દિવસ બાદ કોરોનાથી એક મોત થયું છે. મુંબઈની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી હતી.

આ દરમિયાન તેમણે અનુરોધ કર્યો હતો કે, જો રાજ્યના લોકો અગાઉની જેમ પ્રતિબંધોનો સામનો ન કરવા માંગતા હોય તો માસ્ક પહેરવું અને કોવિડના નિયમોનું પાલન કરવું. મહત્વનું છે કે, મહારાષ્ટમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૪૫૫૯ છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી ૨૫ દર્દીઓ સાજા થયા છે. જોકે, સારા સમાચાર એ છે કે રાજ્યમાં કોરોનાને કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. સાથે જ રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કોરોનાના 254 એક્ટિવ કેસ છે. જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. બધા જ 254 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,14,094 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યા છે. જ્યારે કોરોના વાયરસને કારણે ગુજરાતમાં કુલ 10,944 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

બીજી બાજુ મહારાષ્ટ્રમાં માસ્ક ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઘટતાં માસ્ક સહિતની તમામ પાબંદીથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ ફરીવાર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પવારે તમામ સંલગ્ન વિભાગો સાથે તાત્કાલિક બેઠક પણ કરી હતી અને જરૂરી તમામ ઉપાયો કરવા આદેશો પણ છુટયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.