Abtak Media Google News

મીડીયા ઇલેવનમાંથી ભાવેશ લશ્કરીની ધુંઆધાર બેટીંગ: આજકાલ તરફથી પ્રશાંત જેઠાણીએ શાનદાર અડધી સદી ફટકારી

રેન્જ આઇજી અશોક યાદવ, કલેક્ટર પ્રભવ જોશી, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ‘અબતક’ મીડીયા હાઉસના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા અને સાંજ સમાચારના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર કરણભાઇ શાહ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

રાજકોટ મીડીયા ક્લબ આયોજીત ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023ના શાનદાર અને રોમાંચક ડે-નાઇટ ફાઇનલ મેચમાં આજકાલને 37 રને હરાવી મીડીયા ઇલેવન ચેમ્પિયન બન્યું હતું. જેમાં મીડીયા ઇલેવનના ધુંવાધાર ઓપનિંગ બેટ્સમેન ભાવેશ લશ્કરીએ 47 બોલમાં 13 ચોગ્ગા અને 3 સિક્સરની મદદથી 94 રન ફટકાર્યા હતા. રોમાંચક ફાઇનલમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે મોંઘેરા મહેમાનો પણ હાજર રહ્યા હતા. જેમાં રાજકોટ રેન્જ આઇજી ઓફિસર અશોક યાદવ, કલેક્ટર પ્રભવ જોશી, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ‘અબતક’ મીડીયા હાઉસના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા, સાંજ સમાચારના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર કરણભાઇ શાહ, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરા, બ્લીસ હોસ્પિટલના ડો.રમેશ અને વિંગ્સ આઇવીએફના ડો.સંજય દેસાઇ અને ડો.પ્રતિક્ષા દેસાઇ હાજર રહ્યા હતા.

Advertisement

રાજકોટ મીડીયા ક્લબ અને કાઠીયાવાડ પોસ્ટ આયોજીત ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટનું રાજકોટ મહાનગરપાલિકા સંયુક્ત ઉપક્રમે જાજરમાન આયોજન થયું હતું. જેમાં કુલ 9 ટીમોએ ભાગ લીધો હતો. લીગ મેચ બાદ ક્વાર્ટર ફાઇનલમાં 6 ટીમોએ પ્રવેશ કર્યો હતો. મીડીયા ઇલેવને ક્વાર્ટર ફાઇનલમાંથી સીધો ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિફાઇનલમાં અબતક-એ ઇલેવનને હરાવી આજકાલ ફાઇનલમાં પ્રવેશ્યું હતું. તા.8 એપ્રિલના શનિવારના રોજ ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ડે-નાઇટ ફાઇનલ મેચ યોજાયો હતો. જેમાં મીડીયા ઇલેવને આજકાલને 37 રને મ્હાત આપી ચેમ્પિયન બન્યું હતું.

ફાઇનલ મેચની શરૂઆતમાં સાંજ સમાચારના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર કરણભાઇ શાહ અને આજકાલના મેનેજીંગ ડિરેક્ટર અનિલભાઇ જેઠાણીની ઉપસ્થિતિમાં ટોસ ઉછળ્યો હતો. જેમાં આજકાલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી અને મીડીયા ઇલેવનને બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. મીડીયા ઇલેવન તરફથી ભાવેશ લશ્કરી અને નિરવ રાજ્યગુરૂએ પારીની શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ ધુંવાધાર શરૂઆત કરતા 14 ઓવરમાં જ પ્રથમ વિકેટ માટે 150 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં ભાવેશ લશ્કરીએ 94 રનની શાનદાર ઇંનિગ રમી હતી. તો બીજા છેડે નિરવ રાજ્યગુરૂએ 56 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 69 રનની અણનમ પારી રમી હતી. મીડીયા ઇલેવને પ્રથમ પારીના અંતે 20 ઓવરમાં બે વિકેટના નુકશાને 207 રન બનાવીને આજકાલને 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

બીજી પારીની શરૂઆત કરવા ઉતરેલી આજકાલ ટીમ તરફથી પ્રશાંતભાઇ જેઠાણી અને મિહીર જોશી ક્રીશ પર આવ્યા હતા. આજકાલ દ્વારા પણ બીજી ઇનિંગની ધુંવાધાર શરૂઆત થઇ હતી. પ્રથમ વિકેટ માટે માત્ર 7.4 ઓવરમાં જ 89 રનની ભાગીદારી થઇ હતી. જેમાં પ્રશાંતભાઇ જેઠાણીએ શાનદાર તકનીકથી માત્ર 28 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 67 રન બનાવ્યા હતા. આજકાલની પ્રથમ વિકેટની ધુંવાધાર ભાગીદારી બાદ મીડીયા ઇલેવનના બોલર ગૌતમ ભેડાએ પ્રશાંતભાઇ જેઠાણીની વિકેટ ઝડપી ટીમને ફાઇનલમાં વાપસી કરાવી હતી. ત્યારબાદ મીડીયા ઇલેવને મેચની કમાન હાથમાં લઇ લીધી હોય તેમ એક બાદ એક વિકેટ ઝડપી આજકાલને 170 રન સુધી સીમીત રાખીને 37 રનથી ચેમ્પિયન બન્યું હતું.

રાજકોટ મીડીયા ક્લબ અને કાઠીયાવાડ પોસ્ટ આયોજીત ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 6 મેચમાં એક સદીની મદદથી 400 રન બનાવી મીડીયા ઇલેવનના ભાવેશ લશ્કરીને મેન ઓફ ધી સિરીઝ અને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટના લીગ મેચ દરમિયાન તા.19મી ફેબ્રુઆરીના રોજ હેડલાઇન તરફથી રમી રહેલા સ્વ.જીગ્નેશભાઇ ચૌહાણને સ્મરણાજંલી આપી ફાઇનલ મેચની પુર્ણાહુતી બાદ આયોજકો અને અગ્રણીઓ તથા ખેલાડીઓ દ્વારા બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ચેમ્પિયન ટીમને રૂ.51,000 અને રનર્સઅપને રૂ.25,000નું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

Dsc 0058 મીડીયા ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હેડ કોન્સ.સિરીષ ચુડાસમાની કોમેન્ટ્રીએ શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ

રાજકોટ મીડીયા ક્લબ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટને વધુ રસપ્રદ બનાવવા માટે રૂરલ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સિરીષ ચુડાસમાએ પોતાની કોમેન્ટ્રીની કળાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 1994માં પોલીસ ખાતામાં ભરતી થયેલા સિરીષ ચુડાસમા ક્રિકેટ ક્ષેત્રે આગવું જ્ઞાન ધરાવે છે.

2017માં તેઓને વિવિધ કામગીરી અર્થે રાષ્ટ્રપતિ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ ભારતભરમાં થતી મહત્વની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ સિરીષ ચુડાસમા કોમેન્ટ્રીની કળા પાથરવા માટે જાય છે. રાજકોટ મીડીયા ક્લબ દ્વારા ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રી કરવા માટે આકર્ષક પુરસ્કાર આપવામાં આવ્યું હતું પરંતુ સિરીષ ચુડાસમાએ પોતાની માનવતા દાખવી પુરસ્કારને સ્વ.જીગ્નેશ ચૌહાણના પરિવારજનોને સમર્પિત કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.