Abtak Media Google News

6 લેન હાઇવે પ્રોજેક્ટમાં નડતરરૂપ રોડ ટચ દબાણો સામે કલેકટર તંત્ર તૂટી પડશે, જગ્યા ખુલ્લી કરાવી નેશનલ હાઇવે ઓથોરિટીને સોંપી દેવાશે

ગોંડલ સુધીના દબાણો હટાવ્યા બાદ ત્યાંથી જેતપુર સુધીના દબાણો માટે ફરી મિશન ડીમોલેશન શરૂ કરી રાજકોટથી જેતપુર સુધીના 70 કિમીના હાઈવેની આસપાસની જગ્યા ચોખ્ખી ચણાક બનાવી દેવાશે

રાજકોટ- જેતપુર સિકસલેન હાઇવે પ્રોજેક્ટને વેગ આપવા કલેકટર તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે હાઇવે નજીકમાં ખડકાયેલ દબાણો દૂર કરવા માટે ગુરુવારથી મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવનાર છે. જેમાં અંદાજે 140 જેટલા બાંધકામો તોડી પાડવામાં આવનાર છે.

રાજકોટ-જેતપુર હાઈ-વે સિક્સલેન માટે કેન્દ્ર સરકારમાંથી અગાઉ મંજૂરી મળી ગઈ હતી. સિક્સલેન માટે નેશનલ હાઈવે ઓથોરિટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેતપુર-રાજકોટ વચ્ચે ઔદ્યોગિક ઝોન આવતો હોવાથી ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાતી હતી. આ 70 કિલોમીટરના રોડનું કામ અંદાજે 1580 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. જેના માટે ટેન્ડર પણ પ્રસિદ્ધ થયું હતું. આ કામ માટે એજન્સી પણ નક્કી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ હાઈવેને ફોર લેનમાંથી સિકસલેન કરવા માટે હાઇવે ટચ ઢાબા- દુકાનો સહિતના અનેક દબાણો નડતરરૂપ હતા. જે અંગે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા કલેકટર તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારે પ્રાંત અધિકારીઓએ નડતરરૂપ દબાણોની યાદી આપવાનું સૂચન કર્યું હતું. ત્યારબાદ નેશનલ હાઇવે ઓથોરિટીએ આ દબાણોની યાદી કલેકટર તંત્રને આપતા તંત્ર દ્વારા તમામને નોટિસો ફટકારવામાં આવી હતી. હાલ રાજકોટથી ગોંડલ સુધીમાં 140 જેટલા દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રાજકોટથી જેતપુર સુધી અંદાજે 648 જેટલા દબાણો છે. હાલ તંત્ર દ્વારા રાજકોટથી ગોંડલ સુધીના હાઇવે નજીકના 140 દબાણો હટાવવા ગુરુવારથી મેગા ડીમોલેશન શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ ડીમોલેશન પૂર્ણ થયા બાદ ગોંડલથી જેતપુર સુધીના દબાણો હટાવવામાં આવશે. ત્યારબાદ નેશનલ હાઇવે ઓથોરીટી હાઇવેનું નિર્માણ કાર્ય શરૂ કરશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટથી જેતપુર વચ્ચે નેશનલ હાઇવે ટચ કિંમતી જમીન ઉપર મોટી સંખ્યામાં દબાણો થયા છે. આ દબાણોના હવે અંતિમ દિવસો ગણાય રહ્યા છે. થોડા દિવસોમાં જ આ દબાણોનો કડુસલો બોલાવી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.